ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શિવરાજ સિંહ ચૌહાણ અને ભજન લાલ શર્માએ રાજસ્થાનમાં ગ્રામીણ પરિવર્તનને વેગ આપવા રોડમેપ અંગે ચર્ચા કરી


વિકસિત ભારત GRAMG હેઠળ વાર્ષિક ₹12,000 કરોડનું રોકાણ રાજસ્થાનના દરેક ગામમાં આયોજનબદ્ધ વિકાસને વેગ આપશે: શિવરાજ સિંહ ચૌહાણ

જનભાગીદારી આધારિત આયોજન, પારદર્શક શાસન અને ગ્રામ ચોપાલ ગ્રામીણ રાજસ્થાનમાં પરિવર્તન લાવી રહ્યા છે: શિવરાજ સિંહ ચૌહાણ

ગ્રામીણ રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ગ્રામ-આધારિત આયોજન અને સામુદાયિક ભાગીદારીથી નવી ગતિ મળી રહી છે

प्रविष्टि तिथि: 07 JUL 2026 5:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીના કૃષિ ભવન ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજન લાલ શર્મા સાથે બેઠક યોજી હતી, જેમાં રાજ્યમાં 'વિકસિત ભારત GRAMG' અને અન્ય ગ્રામીણ વિકાસ કાર્યક્રમોના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ગ્રામ્ય સ્તરે અમલીકરણના પ્રોત્સાહક પરિણામો વિશે ચર્ચા કરી હતી અને સહભાગી, પારદર્શક તથા ટકાઉ ગ્રામીણ વિકાસને મજબૂત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બેઠક દરમિયાન, શ્રી ચૌહાણ અને શ્રી શર્માએ ગ્રામસભા આધારિત આયોજન, જાહેર ભંડોળનો પારદર્શક ઉપયોગ અને 'ગ્રામ ચોપાલ' મોડલની પ્રગતિની સમીક્ષા કરી હતી, જેણે રાજસ્થાનના ગામડાઓમાં ગ્રામીણ રોજગાર નિર્માણ, ટકાઉ સામુદાયિક અસ્કયામતોના સર્જન અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મદદ કરી છે. બંને નેતાઓએ રાજ્યમાં ગ્રામીણ વિકાસ કાર્યક્રમોના અસરકારક અમલીકરણ બદલ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી ચૌહાણે રાજસ્થાનમાં ગ્રામીણ વિકાસ અને રોજગાર નિર્માણ કાર્યક્રમોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર 'બોટમ-અપ' વિકાસ મોડલ અમલમાં મૂકી રહી છે, જ્યાં આયોજનની શરૂઆત ગામ અને ગ્રામ પંચાયત સ્તરેથી થાય છે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે વિકાસ કાર્યોમાં સ્થાનિક પ્રાથમિકતાઓ અને જરૂરિયાતો પ્રતિબિંબિત થાય. ગ્રામસભાઓના માધ્યમથી, ગ્રામજનો પોતે જ એવા પ્રોજેક્ટ્સ ઓળખે છે અને તેને પ્રાથમિકતા આપે છે જે સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને સાથે સાથે લાંબા ગાળાના ગ્રામીણ વિકાસ માટે ટકાઉ જાહેર અસ્કયામતોનું નિર્માણ કરે છે.

'વિકસિત ભારત GRAMG' પહેલના અમલીકરણનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ રાજસ્થાનને ₹445 કરોડ ઓલરેડી જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાંથી આશરે ₹200 કરોડનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં મંજૂર કરાયેલા ભંડોળનો મોટો હિસ્સો અને સમયસર ઉપયોગ થઈ ગયા પછી ₹180 કરોડનો પ્રસ્તાવિત બીજો હપ્તો જાહેર કરવામાં આવશે.

શ્રી ચૌહાણે 'વિકસિત ભારત GRAMG' ના અમલીકરણમાં રાજસ્થાનના નેતૃત્વને પણ રેખાંકિત કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ગ્રામસભા અને ગ્રામ પંચાયતની બેઠકો સક્રિયપણે ગામ-વિશિષ્ટ વિકાસની પ્રાથમિકતાઓ નક્કી કરી રહી છે, જેમાં સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિકાસ કાર્યોમાં વાર્ષિક અંદાજે ₹12,000 કરોડનું રોકાણ થવાની અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર ગ્રામીણ શ્રમિકો માટે રોજગારી જ નથી સર્જી રહ્યો પરંતુ લાંબા ગાળે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરનારી ટકાઉ અસ્કયામતોનું પણ નિર્માણ કરી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ પીએમ માઇક્રો ઇરિગેશન સ્કીમ (PM Micro Irrigation Scheme - પ્રધાનમંત્રી સૂક્ષ્મ સિંચાઈ યોજના) હેઠળ રાજસ્થાન સરકારની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યએ નિર્ધારિત સમયસીમાની અંદર સમગ્ર મંજૂર કરાયેલી ફાળવણીનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે, જે તેને ભવિષ્યમાં વધારાની નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર બનાવે છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે મનરેગા (MGNREGA) હેઠળ, સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને કોઈ પણ બાકી રહેલી જવાબદારીઓને દૂર કરવા માટે વેતન અને સામગ્રી બંને ઘટકો પરના ખર્ચનું વ્યાપક મિલાન કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભજન લાલ શર્માએ કેન્દ્ર સરકારના સતત સમર્થન બદલ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે કેન્દ્રીય યોજનાઓએ ગ્રામીણ રાજસ્થાનમાં રોજગાર નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામસભાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા ઓળખવામાં આવેલા કાર્યોને પ્રાથમિકતા આપી રહી છે અને ગ્રામીણ આયોજન તથા અમલીકરણના કેન્દ્રમાં જનભાગીદારીને સ્થાન આપ્યું છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીની 'ગ્રામ ચોપાલ' પહેલને સહભાગી શાસનના એક અસરકારક મોડલ તરીકે પણ દર્શાવવામાં આવી હતી. શ્રી ચૌહાણે નોંધ્યું હતું કે શ્રી ભજન લાલ શર્મા વ્યક્તિગત રીતે સાંજના સમયે ગામડાઓની મુલાકાત લે છે જેથી તેઓ મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને જનપ્રતિનિધિઓ સાથે અલગથી વાતચીત કરી શકે અને સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, લોકોની ચિંતાઓને સમજવા અને પ્રશ્નોના સમયસર નિવારણની ખાતરી કરવા માટે બીજા દિવસે પણ પોતાની ફિલ્ડ વિઝિટ ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે આ અભિગમ દર્શાવે છે કે ગ્રામીણ વિકાસ અને કૃષિનું સીધું ગ્રાઉન્ડ લેવલ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે સરકારી કાર્યક્રમો માત્ર કાગળ પર જ નહીં પરંતુ ગામડાઓ અને કૃષિ ક્ષેત્રોમાં અસરકારક રીતે અમલમાં મૂકાય.

રાજસ્થાન સરકારના અભિગમની પ્રશંસા કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ગ્રામસભા આધારિત આયોજન, ભંડોળનો પારદર્શક ઉપયોગ, સૂક્ષ્મ સિંચાઈ કાર્યક્રમોનું કાર્યક્ષમ અમલીકરણ અને ગ્રામ ચોપાલ પહેલે સંયુક્ત રીતે રાજસ્થાનને ગ્રામીણ વિકાસ માટે એક મોડલ તરીકે સ્થાપિત કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પહેલોના સતત અમલીકરણથી રાજ્યના દરેક ગામના વ્યાપક અને સુઆયોજિત વિકાસ તરફની સફરને વધુ વેગ મળશે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2282190) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी