રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

સાણંદ ખાતે CG સેમી OSAT સુવિધાના લોકાર્પણ પ્રસંગને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં ઐતિહાસિક સિદ્ધિ ગણાવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ ખાતે CG Semi OSAT સુવિધાનું લોકાર્પણ

દેશના ખૂણે-ખૂણેથી આવેલી આપણી દીકરીઓ અને યુવાનો આજે વિશ્વની સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર ક્રાંતિના કેન્દ્રમાં : શ્રી અશ્વિની વૈષ્ણવ

प्रविष्टि तिथि: 04 JUL 2026 8:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી, રેલવે તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ ખાતે CG Semi Outsourced Semiconductor Assembly and Test (OSAT) સુવિધાના લોકાર્પણને ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું.

આ અવસર પર સંબોધન કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે CG Semi OSAT સુવિધામાં વ્યાવસાયિક ઉત્પાદનનો પ્રારંભ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના ઝડપી વિકાસ, વ્યાપકતા અને દૃઢ સંકલ્પનું પ્રતિબિંબ છે.

તેમણે જણાવ્યું કે, “આજનો દિવસ ભારતના સેમિકન્ડક્ટર મિશન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટોમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવું એ દર્શાવે છે કે ભારત મહત્ત્વાકાંક્ષી વિઝનને વાસ્તવિકતામાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે. વૈશ્વિક રોકાણકારો અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગોનો ભારત પ્રત્યેનો વિશ્વાસ સતત મજબૂત બની રહ્યો છે અને આ સુવિધા એ વિશ્વાસનું જીવંત પ્રતીક છે.”

શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્લાન્ટે માત્ર 27 મહિનામાં ભૂમિપૂજનથી લઈને વ્યાવસાયિક ઉત્પાદન સુધીની સફર પૂર્ણ કરી છે, જે ભારતની અત્યાધુનિક ટેકનોલોજી આધારિત યોજનાઓને ઝડપી ગતિએ અમલમાં મૂકવાની ક્ષમતાને દર્શાવે છે.

તેમણે પ્લાન્ટમાં કાર્યરત યુવા વ્યાવસાયિકો, ખાસ કરીને દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી એન્જિનિયર અને ટેકનિશિયન દીકરીઓનીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર, કેરળ સહિત દેશના વિવિધ ભાગોમાંથી આવેલા યુવાનો ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિને ગતિ આપી રહ્યા છે.

“દેશના ખૂણે-ખૂણેથી આવેલી આપણી દીકરીઓ અને યુવાનો આજે વિશ્વની સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રણાલીઓનું સંચાલન કરી રહ્યા છે. તેમની પ્રતિભા અને સમર્પણ ભારતના ટેકનોલોજીકલ ભવિષ્યને નવી દિશા આપી રહ્યા છે,” તેમણે જણાવ્યું હતું.

પ્રોજેક્ટના વ્યાપક મહત્ત્વ અંગે પ્રકાશ પાડતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સાણંદમાં ઉત્પાદિત અને પેકેજ થયેલી ચિપ્સનો ઉપયોગ ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિક વાહનો, ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક ઉપકરણો અને અદ્યતન ટેકનોલોજી આધારિત વિવિધ ક્ષેત્રોમાં થશે. તેમણે વધુમાં જણાવ્યું કે અહીં ઉત્પાદિત ચિપ્સ ભારતની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત જાપાન, અમેરિકા અને યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં પણ પહોંચશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો સેમિકન્ડક્ટર કાર્યક્રમ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને તેમાં ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, સંશોધન, કાચા માલસામાન અને કુશળ માનવબળ સહિતની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે.

“ભારત માત્ર પ્લાન્ટો ઊભા કરી રહ્યું નથી, પરંતુ એક સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે. કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), રોબોટિક્સ, અદ્યતન કમ્પ્યુટિંગ અને આગામી પેઢીની ટેકનોલોજી માટેનો પાયો આજે મજબૂત બનાવવામાં આવી રહ્યો છે,” એમ પણ તેમણે જણાવ્યું હતું.

શ્રી વૈષ્ણવે વધુમાં કહ્યું કે સેમિકન્ડક્ટર ઉદ્યોગ સંશોધન, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની અસંખ્ય તકોનું સર્જન કરી રહ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ મૂલ્યશૃંખલાના દરેક તબક્કે ભારતની ક્ષમતાઓ મજબૂત બનતાં દેશ ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.

તેમણે CG પાવર, ટેકનોલોજી ભાગીદારો, ગુજરાત સરકાર અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે સાણંદની આ સફળતા ‘ટીમ ઇન્ડિયા’ના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.

“આજે વિશ્વ ભારતને વિશ્વસનીય સેમિકન્ડક્ટર ગંતવ્ય તરીકે જોઈ રહ્યું છે. તેમજ ભારત ભવિષ્યલક્ષી અર્થતંત્રનું નિર્માણ કરી રહ્યું છે અને વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે,” એમ તેમણે જણાવ્યું હતું.

સાણંદ સ્થિત CG Semi OSAT સુવિધા ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવશે તેમજ વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્યશૃંખલામાં ભારતના વધતા પ્રભાવને નવી ઊંચાઈ આપશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2281153) आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English