ગૃહ મંત્રાલય
સુરતમાં ગાંજાની હેરાફેરીના કેસમાં ત્રણ આરોપીઓને સજા અપાવવામાં NCBને સફળતા
प्रविष्टि तिथि:
03 JUL 2026 7:05PM by PIB Ahmedabad
આંતર-રાજ્ય ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કને મોટો ફટકો આપતા, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ NDPS એક્ટ-1985 હેઠળ પ્રતિબંધિત માદક પદાર્થ 'ગાંજા' ની દાણચોરીમાં સામેલ ત્રણ વ્યક્તિઓને દોષિત ઠેરવી સજા અપાવવામાં સફળતા મેળવી છે. NCB અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા તપાસવામાં આવેલા આ કેસમાં ઓડિશાથી ગુજરાતમાં માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેર કરવામાં આવી રહી હતી.
ચોક્કસ અને વિશ્વસનીય બાતમીના આધારે NCBના અધિકારીઓએ કૃષ્ણા ઇન્ડસ્ટ્રી, કીમ, સુરત ખાતે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન તારીખ 04 અને 05/05/2020 ના રોજ 562.55 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે ગેરકાયદેસર વેચાણ માટે રાજ્યની સરહદો પાર વ્યાપારી માત્રામાં ગાંજાની હેરફેર કરવા માટે એક સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલ માદક દ્રવ્યો આરોપીઓના સભાન કબજામાંથી મળી આવ્યા હતા.

આ કેસ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 ની કલમ 8(c), 20(b)(ii)(c) અને 29 હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ બાબતે ઓક્ટોબર 2020 માં માનનીય સિટી સિવિલ કોર્ટ, સુરત (સ્પેશિયલ NDPS કોર્ટ, સુરત શહેર) સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સુરત શહેરની 11મી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની માનનીય અદાલત સમક્ષ વિગતવાર ટ્રાયલ (સુનાવણી) ચાલ્યા બાદ, કોર્ટે 02 જુલાઈ 2026 ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો.
માનનીય અદાલતે ત્રણ આરોપીઓ: 1. કાલુ ચરણ બેહરા, રહે. બિલીપારા, ફાસી, કોડાલા ગંજામ (ઓડિશા) 2. સુધીર કુમાર સ્વાઈન, રહે. મકરાપોલી, ગંગાપુર, ગંજામ (ઓડિશા) અને 3. મિથુન પ્રધાન, બારતુલુ, જામુની, ગંજામ (ઓડિશા) ને દોષિત ઠેરવ્યા છે. તેમને પ્રત્યેકને દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે અને પ્રત્યેકને રૂપિયા 1 લાખનો દંડ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સનો પ્રી-ટ્રાયલ ધોરણે તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે.
આ સજા ડ્રગ સપ્લાય ચેઇનને તોડી પાડવા માટે NCBની પ્રતિબદ્ધતાને પુનઃપ્રતિપાદિત કરે છે અને એ સુનિશ્ચિત કરે છે કે માદક દ્રવ્યોની હેરાફેરી માટે આંતર-રાજ્ય પરિવહન માર્ગોનો દુરુપયોગ કરનારાઓએ કાયદાના સંપૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશે.
NCB 'ડ્રગ-ફ્રી ઇન્ડિયા' (નશા મુક્ત ભારત) ના રાષ્ટ્રીય વિઝનને હાંસલ કરવાના તેના સંકલ્પને દોહરાવે છે અને જનતાને માનસ (MANAS) - નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન (ટોલ-ફ્રી નંબર 1933) દ્વારા ડ્રગ્સની હેરાફેરી સંબંધિત માહિતી શેર કરવા પ્રોત્સાહિત કરે છે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે.
(रिलीज़ आईडी: 2280869)
आगंतुक पटल : 52
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English