કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

દેશભરમાં આજથી VB-G RAM G કાયદો અમલમાં આવ્યો; "ગ્રામીણ ભારત માટે એક ઐતિહાસિક દિવસ": શિવરાજ સિંહ ચૌહાણ


2 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે VB-G RAM G નું રાષ્ટ્રીય લોન્ચિંગ કરવામાં આવશે; કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ ભાગ લેશે

VB-G RAM G હેઠળ સુધારેલા વેતન દરો સૂચિત કરાયા; કોઈ પણ સૂચિત દૈનિક વેતન ₹300 થી ઓછું નહીં, રાષ્ટ્રીય સરેરાશ વેતનમાં 10 ટકાથી વધુનો વધારો થયો

प्रविष्टि तिथि: 01 JUL 2026 7:12PM by PIB Ahmedabad

ગ્રામીણ આજીવિકાને મજબૂત કરવા અને વિકસિત ગ્રામીણ ભારતના વિઝનને આગળ વધારવામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સ્થાપિત કરતા, 'વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' એક્ટ, 2025 આજથી દેશભરમાં અમલમાં આવ્યો છે. આ કાયદો શરૂ થવાની સાથે, પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારો હવે 125 દિવસની ગેરંટીયુક્ત વેતન રોજગારીનો વૈધાનિક અધિકાર મેળવશે. આ કાયદાનો ઉદ્દેશ્ય ગ્રામીણ રોજગારને વધુ અસરકારક, પારદર્શક અને પરિણામ-લક્ષી બનાવવાનો છે, સાથે જ ટકાઉ ગ્રામીણ અસ્કયામતોનું નિર્માણ, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, કૃષિ ઉત્પાદકતામાં વધારો, આજીવિકા પ્રોત્સાહન અને મહિલા સંચાલિત વિકાસને વેગ આપવાનો છે.

આ કાયદો કાર્યરત થવાની સાથે, ભારત સરકારે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સૂચિત વેતન વિસ્તારો માટે VB-G RAM G એક્ટ, 2025 હેઠળ સુધારેલા વેતન દરો પણ સૂચિત કર્યા છે. પરિણામે, દેશમાં ક્યાંય પણ સૂચિત દૈનિક વેતન ₹300 થી ઓછું નહીં હોય. રાષ્ટ્રીય સરેરાશ સૂચિત વેતન દર રોજના ₹298.8 થી વધીને રોજના ₹327.4 થયો છે, જે 10 ટકાથી વધુનો સરેરાશ વધારો દર્શાવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વેતનમાં 15 થી 25 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. પ્રથમ દિવસથી જ આ કાયદાના સીમલેસ (અવિરત) અને અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે, સરકારે રોજગાર નિર્માણ, સમયસર વેતન ચૂકવણી અને વિકાસ કાર્યોના અમલીકરણને અવિરત રાખવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ₹95,692.31 કરોડની વચગાળાની ફાળવણી પહેલેથી જ મુક્ત કરી દીધી છે.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આજનો દિવસ ગ્રામીણ ભારત માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ દિવસ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, VB-G RAM G એક્ટ માત્ર એક નવો કાયદો નથી પરંતુ એક પરિવર્તનકારી પહેલ છે જે કરોડો ગ્રામીણ શ્રમિકો માટે ગૌરવ, આત્મસન્માન અને આજીવિકા સુરક્ષાના નવા યુગની શરૂઆત કરે છે. તેમણે કહ્યું કે પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને હવે 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીનો વૈધાનિક અધિકાર મળશે. શ્રી ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારની સર્વોચ્ચ અગ્રતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈ પણ પાત્ર ગ્રામીણ શ્રમિક એક દિવસ માટે પણ રોજગારીથી વંચિત ન રહે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોએ આ કાયદાના સુચારૂ અમલીકરણ માટે તમામ જરૂરી વહીવટી, નાણાકીય અને તકનીકી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ પહેલમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આનાથી ગામડાઓમાં આજીવિકાની નવી તકો ઊભી થશે, ટકાઉ અસ્કયામતોના નિર્માણમાં તેજી આવશે, મહિલા સશક્તિકરણ મજબૂત થશે અને આત્મનિર્ભર તેમજ વિકસિત ગ્રામીણ ભારતના વિઝનને નવી ગતિ મળશે. તેમણે તમામ નાગરિકોને સમૃદ્ધ, સશક્ત અને આત્મનિર્ભર ગામડાંઓના નિર્માણમાં ભાગીદાર બનવા માટે આહવાન પણ કર્યું હતું.

VB-G RAM G એક્ટ, 2025 ના રાષ્ટ્રીય રોલઆઉટ (અમલીકરણ) ના ઉપલક્ષ્યમાં, 2 જુલાઈ 2026 ના રોજ મુક્કાવારીપલ્લે ગામ, ઓબુલાવારીપલ્લે મંડળ, તિરુપતિ જિલ્લો, આંધ્રપ્રદેશ ખાતે એક રાષ્ટ્રીય લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રાબાબુ નાયડુ, ઉપમુખ્યમંત્રી શ્રી કોનિડેલા પવન કલ્યાણ, રાજ્ય મંત્રી ડૉ. ચંદ્ર શેખર પેમ્માસાની, રાજ્ય મંત્રી શ્રી કમલેશ પાસવાન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય લોન્ચિંગ કાર્યક્રમમાં VB-G RAM G નું ઔપચારિક લોન્ચિંગ, લાભાર્થીઓને ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડનું વિતરણ, VB-G RAM G સોફ્ટવેર પ્લેટફોર્મનું લોન્ચિંગ, મુખ્ય પ્રકાશન વિમોચન, લાભાર્થીઓ સાથે સંવાદ અને કાયદાના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી અસંખ્ય પહેલોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2280065) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil