વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ડિજિટલ ગવર્નન્સ અને હિસ્સેદારોની ભાગીદારીને મજબૂત કરવા માટે નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડની 10મી બેઠક હાઇબ્રિડ મોડમાં યોજાઈ
એનટીડબલ્યુબી (NTWB) એ વેપાર સુવિધાના પગલાં પર ચર્ચા કરી; અગ્રણી શહેરોમાં ‘ડિજિદુકાન’ના વિસ્તરણ માટેની તૈયારી
બોર્ડે નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા અને હિસ્સેદારોની જોડાણ પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
प्रविष्टि तिथि:
23 JUN 2026 7:54PM by PIB Ahmedabad
નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડ (NTWB) ની 10મી બેઠક આજે નવી દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં યોજાઈ હતી. ટેકનોલોજી આધારિત શાસન, જાહેર સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ અને ટાળી શકાય તેવી મુસાફરી તેમજ ખર્ચ ઘટાડવાના સરકારના વિઝનને અનુરૂપ, આ બેઠકે દેશભરમાંથી સભ્યોને પ્રત્યક્ષ (ફિઝિકલ) અને વર્ચ્યુઅલ બંને માધ્યમો દ્વારા ભાગ લેવાની સુવિધા પૂરી પાડી હતી. આ હાઇબ્રિડ ફોર્મેટે વ્યાપક હિસ્સેદારોની ભાગીદારી સુનિશ્ચિત કરી અને ડિજિટલ કનેક્ટિવિટી તેમજ નાગરિક-કેન્દ્રીય નવીનતા દ્વારા શાસનને મજબૂત કરવામાં ડિજિટલ ઇન્ડિયા પહેલની સફળતા દર્શાવી હતી.
બોર્ડે દેશભરમાં અમલમાં મૂકવામાં આવી રહેલી વિવિધ વેપારી કલ્યાણ અને વેપાર સુવિધા પહેલોની સમીક્ષા કરી હતી. સભ્યોને તાજેતરમાં શરૂ કરાયેલી ‘રાજસ્થાન વેપાર પ્રમોશન પોલિસી’ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં વેપાર ધિરાણ સહાય, વીમા સહાય અને ડિજિટલ વાણિજ્યના પ્રમોશનને લગતી જોગવાઈઓ સામેલ છે. વેપારીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગે જાગૃતિ અને પહોંચને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
નાના રિટેલર્સ અને કિરાણા સ્ટોર્સને ડિજિટલ અર્થતંત્રમાં અસરકારક રીતે ભાગ લેવા માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથેની ડિજિટલ વાણિજ્ય પહેલ ‘ડિજિદુકાન’ (DigiDukaan) પર એક વિગતવાર પ્રસ્તુતિ (પ્રેઝન્ટેશન) કરવામાં આવી હતી. બોર્ડે 19 જૂન, 2026 ના રોજ જયપુરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા દ્વારા ડિજિદુકાનના સફળ લોન્ચિંગની નોંધ લીધી હતી અને વેપારીઓ તરફથી મળેલા પ્રોત્સાહક પ્રતિસાદની પ્રશંસા કરી હતી. મુંબઈ અને બેંગલુરુ સહિત અન્ય અગ્રણી શહેરોમાં આ યોજનાના વિસ્તરણ અને ત્યારબાદ દેશવ્યાપી રોલઆઉટ કરવાની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બોર્ડને દેશભરના વેપાર મંડળો, ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વેપારી સંગઠનો વચ્ચે સંકલન મજબૂત કરવા અને નીતિ ઘડનારી સત્તાધિકારીઓ સમક્ષ વેપારીઓની ચિંતાઓની અસરકારક રજૂઆત સુનિશ્ચિત કરવા માટે થઈ રહેલા ચાલુ પ્રયાસો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અધ્યક્ષે સભ્યોને જણાવ્યું હતું કે વેપારીઓ અને વિવિધ મંત્રાલયો તેમજ વિભાગોના અધિકારીઓ વચ્ચે નિયમિત જોડાણની સુવિધા માટે અત્યાર સુધીમાં 92 દેશવ્યાપી સાપ્તાહિક વર્ચ્યુઅલ કોન્ફરન્સ અને હિસ્સેદારો સાથે વાર્તાલાપ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
વિચાર-વિમર્શ દરમિયાન, સભ્યોએ વેપારીઓ, રિટેલર્સ, ઉત્પાદકો, નિકાસકારો અને સેવા પ્રદાતાઓને લગતી વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી. મુખ્ય મુદ્દાઓમાં જીએસટી (GST) નું તર્કસંગતકરણ, પાલન પ્રક્રિયાઓનું સરળીકરણ, જૂની વ્યાપારી જવાબદારીઓ માટે વન-ટાઇમ સેટલમેન્ટ મિકેનિઝમ, નિકાસ પ્રોત્સાહક પગલાં, લોજિસ્ટિક્સ અને પોર્ટ (બંદર) ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લાન્ટ ક્વોરેન્ટાઇન અને આયાત સુવિધા, ડિજિટલ વાણિજ્ય અપનાવવું, ઓએનડીસી (ONDC) સંકલન, સસ્તું ધિરાણ મેળવવું, બેંકિંગ સંબંધિત મુદ્દાઓ, મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ, વેપારીઓ માટે પેન્શન અને સામાજિક સુરક્ષાના પગલાં અને મહિલા સાહસિકો માટે સહાયનો સમાવેશ થાય છે.
બોર્ડે ખાદ્ય સુરક્ષા પાલન, લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાની સરળતા, સ્ટેટ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડ્સનું મજબૂતીકરણ, ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સથી ઉદ્ભવતી ચિંતાઓ, સ્થાનિક વેપાર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન, એપેલેટ (અપીલીય) અને વિવાદ નિવારણ પદ્ધતિઓનું સરળીકરણ, એમએસએમઈ (MSME) અને સેવા નિકાસની સુવિધા, અને વેપારી કલ્યાણ પહેલોના અસરકારક અમલીકરણ માટે બહેતર કેન્દ્ર-રાજ્ય સંકલન સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
વેપારીઓ અને MSMEs દ્વારા નિકાસમાં ભાગીદારી વધારવા, નિકાસની તકો અંગે જાગૃતિ લાવવા, સંસ્થાકીય સહાયક પ્રણાલીને મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વેપારી રાષ્ટ્ર તરીકે ભારતના ઉદયને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
બોર્ડે ક્ષેત્ર-વિશિષ્ટ મુદ્દાઓની તપાસ કરવા અને નીતિગત હસ્તક્ષેપ માટે સંરચિત ભલામણો પ્રદાન કરવા માટે વિષય-આધારિત સમિતિઓ અને કેન્દ્રિત કાર્ય જૂથો (વર્કિંગ ગ્રૂપ્સ) ની જરૂરિયાત પર વધુ ચર્ચા કરી હતી. સભ્યો સહમત થયા હતા કે વિવિધ ક્ષેત્રો અને પ્રદેશોના હિસ્સેદારો સાથે સતત જોડાણ બોર્ડની પહેલોની અસરકારકતાને મજબૂત કરશે અને વેપારી સમુદાયને અસર કરતા મુદ્દાઓનું સમયસર નિવારણ સરળ બનાવશે.
બેઠકની અધ્યક્ષતા NTWB ના અધ્યક્ષ શ્રી સુનિલ જે. સિંઘી દ્વારા કરવામાં આવી હતી.
શરૂઆતમાં, બોર્ડે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપતો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. આ પ્રસ્તાવમાં સરકારના વડા તરીકે બાર વર્ષથી વધુની તેમની સતત સેવાની પ્રશંસા કરવામાં આવી હતી અને સુશાસન, સર્વસમાવેશી વિકાસ, આર્થિક સુધારા, રાષ્ટ્રીય સુરક્ષા અને વિકસિત ભારતના વિઝનમાં તેમના યોગદાનને માન્યતા આપવામાં આવી હતી. બોર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના નેતૃત્વ હેઠળ ભારત આત્મનિર્ભર, સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનવાની પોતાની સફર ચાલુ રાખશે.
બેઠકને સંબોધતા અધ્યક્ષ શ્રી સુનિલ જે. સિંઘીએ છેલ્લા એક દાયકા દરમિયાન હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં GST સુધારા, ડિજિટલ ગવર્નન્સ પહેલ, જેએએમ (Jan Dhan-Aadhaar-Mobile) ત્રિપુટી દ્વારા નાણાકીય સમાવેશ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યાપાર કરવાની સરળતા) ના પગલાં, અને નાના વ્યવસાયો, વેપારીઓ તેમજ સાહસિકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથેની પહેલો સામેલ છે. તેમણે નોંધ્યું હતું કે આ સુધારાઓએ ભારતના આર્થિક ઇકોસિસ્ટમને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે અને વેપાર તેમજ સાહસ માટેની તકોનો વિસ્તાર કર્યો છે.
નીતિગત હિમાયત, ડિજિટલ સશક્તિકરણ, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુધારા, સામાજિક સુરક્ષા પહેલ અને મજબૂત કેન્દ્ર-રાજ્ય સંકલન દ્વારા વેપારીઓ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે બોર્ડની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ સાથે બેઠક પૂર્ણ થઈ હતી. બોર્ડે વેપારીઓ અને તેમના કર્મચારીઓના કલ્યાણ તેમજ સશક્તિકરણ માટે કામ કરવાનો અને વિકસિત ભારત 2047 ના વિઝનમાં સક્રિયપણે યોગદાન આપવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
આ બેઠકમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના હોદ્દાની રૂએ (એક્સ-ઓફિસિયો) સભ્યોની સાથે દેશભરના વેપાર મંડળો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા બિન-સરકારી સભ્યોએ ભાગ લીધો હતો.

SM/IJ/JD
(रिलीज़ आईडी: 2277236)
आगंतुक पटल : 8