ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ મુંબઈમાં નવી ટેસ્ટિંગ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું અને નેશનલ ટેસ્ટ હાઉસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે શિલાન્યાસ કર્યો
નવી ટેસ્ટિંગ સુવિધાઓ ભારતના ગુણવત્તા આશ્વાસન ઇકોસિસ્ટમને મજબૂત કરશે અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે
प्रविष्टि तिथि:
19 JUN 2026 6:03PM by PIB Ahmedabad
ગ્રાહક બાબતોના વિભાગ, ભારત સરકાર હેઠળના નેશનલ ટેસ્ટ હાઉસ (NTH) એ આજે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તથા નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીની મુંબઈ ખાતેના NTH વેસ્ટર્ન રીજન કેમ્પસની મુલાકાત સાથે દેશના ગુણવત્તા આશ્વાસન અને ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
આ કાર્યક્રમની શરૂઆત મંત્રીશ્રીના NTH મુંબઈ ખાતે આગમન સાથે થઈ હતી, ત્યારબાદ ભૂમિપૂજન અને ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભાવિ વિસ્તરણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પહેલ ઉદ્યોગ, વ્યાપાર અને ગ્રાહક કલ્યાણને ટેકો આપવા માટે વિશ્વસ્તરીય ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેની સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મજબૂત ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન (પ્રમાણપત્ર) ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા, ઉત્પાદનની વિશ્વસનીયતા વધારવા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (વ્યાપાર કરવાની સરળતા) ને સુવિધાજનક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે નોંધ્યું હતું કે ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા સુધારવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે દેશની ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવી આવશ્યક છે.

મંત્રીશ્રીએ દેશના વિવિધ પ્રદેશોમાં અદ્યતન ટેસ્ટિંગ સુવિધાઓનો વિસ્તાર કરવા અને ટેસ્ટિંગ સેવાઓને ઉદ્યોગ તથા ગ્રાહકોની નજીક લાવવા માટે ગ્રાહક બાબતોના વિભાગ અને નેશનલ ટેસ્ટ હાઉસના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમણે NTH મુંબઈની પ્રયોગશાળાઓની મુલાકાત લીધી હતી અને સંસ્થાની ટેસ્ટિંગ ક્ષમતાઓ તથા ચાલી રહેલી આધુનિકીકરણની પહેલોની સમીક્ષા કરવા માટે વૈજ્ઞાનિકો, તકનીકી નિષ્ણાતો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
જન સમુદાયને સંબોધતા મુંબઈ નોર્થ વેસ્ટના સંસદ સભ્ય શ્રી રવિન્દ્ર વાઇકરે ઔદ્યોગિક વિકાસ અને ગ્રાહક કલ્યાણને પ્રોત્સાહન આપવામાં મજબૂત ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને દેશની ટેસ્ટિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા તથા ઉભરતા ક્ષેત્રોમાં ગુણવત્તા આશ્વાસન સેવાઓનો વિસ્તાર કરવા માટે ગ્રાહક બાબતોના વિભાગ અને નેશનલ ટેસ્ટ હાઉસના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ નીચેની સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું:
· નેશનલ ટેસ્ટ હાઉસ, મુંબઈ ખાતે માઇક્રોબાયોલોજિકલ ટેસ્ટિંગ લેબોરેટરી;
· નેશનલ ટેસ્ટ હાઉસ (નોર્ધન રીજન), ગાઝિયાબાદ ખાતે શૂ (પગરખાં) ટેસ્ટિંગ સુવિધા; અને
· NICDC, ઓરિક (AURIC) સિટી, છત્રપતિ સંભાજીનગર, મહારાષ્ટ્ર ખાતે NTH-AURIC સેટેલાઇટ સેન્ટર.
આ કાર્યક્રમમાં ગ્રાહક બાબતોના વિભાગના વરિષ્ઠ નેતૃત્વએ હાજરી આપી હતી. ગ્રાહક બાબતોના વિભાગના સચિવ શ્રીમતી નિધિ ખરે અને અધિક સચિવ (ગ્રાહક બાબતો) શ્રીમતી રિચા મિશ્રા બંનેએ ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા વધારવામાં NTH જે મુખ્ય ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂક્યો હતો. નેશનલ ટેસ્ટ હાઉસના ડાયરેક્ટર જનરલ ડૉ. આલોક કુમાર શ્રીવાસ્તવે NTH ની વિસ્તરી રહેલી ક્ષમતાઓ, ચાલી રહેલી પહેલો અને ભવિષ્ય માટેના વ્યૂહાત્મક રોડમેપની વ્યાપક રૂપરેખા રજૂ કરી હતી.
નવી ઉદ્ઘાટન કરાયેલી સુવિધાઓથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ટેસ્ટિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલનને પ્રોત્સાહન મળવાની અને ગ્રાહક સુરક્ષા, ગુણવત્તા આશ્વાસન તથા ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાના ઉદ્દેશ્યોને ટેકો મળવાની અપેક્ષા છે.
એક સદી કરતાં પણ વધુ સમયની શ્રેષ્ઠતાના પાયા પર બનેલું, નેશનલ ટેસ્ટ હાઉસ ભારતની ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોખરે રહ્યું છે, જે વિશ્વસનીય, વૈજ્ઞાનિક અને વૈશ્વિક સ્તરે માપદંડ આધારિત ટેસ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે જે ઉદ્યોગને સશક્ત બનાવે છે, ગ્રાહકોનું રક્ષણ કરે છે અને રાષ્ટ્રીય વિકાસને ટેકો આપે છે. આ કાર્યક્રમ ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ ભારતના ગુણવત્તા આશ્વાસન, પ્રોડક્ટ ટેસ્ટિંગ અને ગ્રાહક સુરક્ષા ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2275421)
आगंतुक पटल : 7