ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
દક્ષિણ આફ્રિકાના ઉપપ્રમુખ મહામહિમ શ્રી શિપોકોસા પૌલસ માશાતિલે ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી; દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
પોસ્ટેડ ઓન:
02 JUN 2026 2:49PM by PIB Ahmedabad
દક્ષિણ આફ્રિકાના ઉપપ્રમુખ, મહામહિમ શ્રી શિપોકોસા પૌલસ માશાતિલે, આજે નવી દિલ્હીના ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા, તેમની સાથે દક્ષિણ આફ્રિકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત હતું.
બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, કૌશલ્ય વિકાસ અને લોકો વચ્ચેના સંબંધોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-દક્ષિણ આફ્રિકાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ફળદાયી ચર્ચાઓ કરી હતી.
તેઓએ ગ્લોબલ સાઉથની અગ્રતાઓને આગળ વધારવા અને BRICS, G20, IBSA અને IORA જેવા બહુપક્ષીય મંચોમાં સહયોગ વધારવા અંગે પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
નેતાઓએ દ્વિપક્ષીય આર્થિક સંબંધોની સંપૂર્ણ સંભાવનાઓને ઉજાગર કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી અને વ્યવસાયો તેમજ રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં, ઉપરાષ્ટ્રપતિએ સૂચિત ભારત-સધર્ન આફ્રિકન કસ્ટમ્સ યુનિયન (SACU) પ્રિફરેન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ (પસંદગીયુક્ત વેપાર કરાર) પર પ્રકાશ પાડ્યો હતો અને વાટાઘાટોની વહેલી શરૂઆત અને સફળ સમાપ્તિ માટે આશા વ્યક્ત કરી હતી.
બંને પક્ષોએ બંને દેશો વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગને આવકાર્યો હતો અને ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાને સંલગ્ન કરતી IBSAMAR નૌકા કવાયતની આગામી આવૃત્તિઓ સહિતના સહયોગને વિસ્તારવા માટે ઉત્સુકતા દર્શાવી હતી.
ઉપરાષ્ટ્રપતિએ ચિત્તાઓના સ્થાનાંતરણ દ્વારા ભારતના ચિત્તા પુનઃપ્રવેશ કાર્યક્રમને સમર્થન આપવા બદલ દક્ષિણ આફ્રિકાનો આભાર માન્યો હતો. જંગલમાં સફળ સંવર્ધન સહિત પ્રોજેક્ટ ચિત્તાની પ્રોત્સાહક પ્રગતિની નોંધ લેતા, તેમણે આ અનન્ય સંરક્ષણ પહેલમાં દક્ષિણ આફ્રિકાના સતત સહયોગની માંગ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ દક્ષિણ આફ્રિકાને ભારતના મુખ્ય બહુપક્ષીય ઉપક્રમો, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA), કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI), અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA)માં જોડાવા માટે વિચારણા કરવા પણ આમંત્રણ આપ્યું હતું, અને નોંધ્યું હતું કે આ પહેલો સમાન વિકાસ અને ટકાઉપણાના ઉદ્દેશ્યો સાથે સુસંગત છે.
આ બેઠકે ભારત અને દક્ષિણ આફ્રિકાના તેમના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા તેમજ શાંતિ, સમૃદ્ધિ, ટકાઉ વિકાસ અને ગ્લોબલ સાઉથના હિતો માટે સાથે મળીને કામ કરવાની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિએ ઉપપ્રમુખ માશાતિલે અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યોને ભારતમાં ફળદાયી અને સુખદ રોકાણ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2267955)
મુલાકાતી સંખ્યા : 16