નાણા મંત્રાલય
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સિડબી (SIDBI) ના 37મા સ્થાપના દિવસની ઉજવણીની અધ્યક્ષતા કરી
ભારતના એમએસએમઈ (MSME) અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે સિડબીની ભૂમિકા માત્ર ધિરાણ આપવા પૂરતી સીમિત ન રહેતા માર્કેટ મેકર અને જોખમ વહેંચણી ભાગીદાર (રિસ્ક-શેરિંગ પાર્ટનર) બનવા તરફ વિસ્તરવી જ જોઈએ: નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ
કેન્દ્રીય કેબિનેટની રૂ. 5,000 કરોડની વધારાની ઇક્વિટી સહાય સિડબીને વર્ષ 2028 સુધીમાં 25 લાખ નવા એમએસએમઈ (MSME) લાભાર્થીઓને જોડવા માટે સક્ષમ બનાવશે, તેમ શ્રીમતી સીતારમણે જણાવ્યું
કેન્દ્રીય નાણાં મંત્રીએ એમએસએમઈ (MSME) ના વિકાસ અને ગ્રામીણ ઉદ્યોગોના આધુનિકીકરણ માટે સિડબી (SIDBI) ની મુખ્ય પહેલો શરૂ કરી
પોસ્ટેડ ઓન:
25 MAY 2026 5:16PM by PIB Ahmedabad
સિડબી (SIDBI) એ મુંબઈમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં પોતાનો 37મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો, જેમણે એમએસએમઈ (MSME) ઇકોસિસ્ટમને મજબૂત કરવા, છેવાડાના માણસ સુધી ધિરાણ વિતરણ સુધારવા અને ગ્રામીણ ઉદ્યોગોના આધુનિકીકરણને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે વ્યૂહાત્મક પોર્ટલ અને પહેલોની શ્રેણી શરૂ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય નાણાં મંત્રીએ સિડબીની પરિવર્તનકારી પહેલોની સમીક્ષા કરી હતી, એમએસએમઈ (MSME) ના હિતધારકો સાથે સંવાદ કર્યો હતો અને નવીનતા તથા ભાગીદારી દ્વારા એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં સંસ્થાની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, સિડબી દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલો એમએસએમઈ (MSME) ની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં સરળ ધિરાણ પ્રાપ્તિ, બહેતર મશીનરી, આધુનિક ટેકનોલોજી અપનાવવી, ગ્રામીણ સાહસોને સહાય અને મજબૂત માર્કેટ લિંકેજ (બજાર જોડાણો) નો સમાવેશ થાય છે.

ભારતીય અર્થતંત્રમાં એમએસએમઈ (MSME)ના યોગદાન પર પ્રકાશ પાડતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, એમએસએમઈ ઉત્પાદન ક્ષેત્રના આઉટપુટમાં આશરે 35 ટકા, નિકાસમાં 48 ટકા અને ભારતના જીડીપી (GDP) માં આશરે 31 ટકા યોગદાન આપે છે. તેમણે નોંધ્યું હતું કે આ ક્ષેત્રમાં 7.47 કરોડથી વધુ ઉદ્યોગસાહસિકો સામેલ છે અને તે દેશભરમાં 32 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
કેન્દ્રીય નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટે જાન્યુઆરી 2026 માં સિડબીને રૂ. 5,000 કરોડની વધારાની ઇક્વિટી સહાય મંજૂર કરી છે, જે સંસ્થાની બેલેન્સ શીટને મજબૂત કરશે અને તેને વર્ષ 2028 સુધીમાં 25 લાખ નવા એમએસએમઈ (MSME) લાભાર્થીઓને ઉમેરવા માટે સક્ષમ બનાવશે.
સિડબી (SIDBI) ની બદલાતી ભૂમિકા પર ભાર મૂકતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, સિડબીની ભૂમિકા હવે માત્ર ધિરાણકર્તા બનવા પૂરતી સીમિત ન રહેતા ભારતના એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે માર્કેટ મેકર અને જોખમ વહેંચણી ભાગીદાર (રિસ્ક-શેરિંગ પાર્ટનર) બનવા તરફ વિસ્તરવી જ જોઈએ. તેમણે સ્ટાર્ટઅપ્સ માટે વેન્ચર કેપિટલ અને ડેટ માર્કેટને વધુ ઊંડું બનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો જેથી નવીન સાહસોને ધૈર્યવાન, લવચીક અને વિકાસલક્ષી મૂડી પ્રાપ્ત થઈ શકે.
નાણાં મંત્રીએ નોંધ્યું હતું કે સિડબીના મૂડી આધારને મજબૂત કરવાથી સંસ્થાને ઓછી કિંમતે ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે અને વ્યાપક, સસ્તા અને વધુ સુલભ ધિરાણ દ્વારા નાના ઉદ્યોગસાહસિકોને તેનો લાભ પહોંચાડી શકાશે.
આ પ્રસંગે બોલતા નાણાકીય સેવાઓ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી શ્રી સંજય લોહિયાએ સિડબીના ધિરાણ વિતરણ સંસ્થામાંથી ભારતના એમએસએમઈ નાણાકીય માળખાના એક મુખ્ય સ્તંભ તરીકેના વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સપ્લાય ચેઈન વ્યવરોધો, તકનીકી ફેરફારો અને આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ટ્રાન્ઝિશન) જેવા ઉભરતા એમએસએમઈ પડકારોનો સામનો કરવા માટે રિસ્ક-શેરિંગ ફ્રેમવર્ક (જોખમ વહેંચણી માળખાં), કો-લેન્ડિંગ મોડલ્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ક્લસ્ટર-આધારિત વિકાસ, બિન-ધિરાણ ભંડોળ ચેનલો (નોન-ડેટ ફાઇનાન્સિંગ ચેનલ્સ) અને મહિલા ઉદ્યોગસાહસિકો તથા પ્રથમ પેઢીના વ્યવસાયો માટે સર્વસમાવેશક નાણાકીય વ્યૂહરચનાઓની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
સભાને સંબોધતા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સિડબી) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનોજ મિત્તલે જણાવ્યું હતું કે, આ પહેલો ડિજિટલ સક્ષમતા અને ભાગીદારી દ્વારા એમએસએમઈ ધિરાણમાં પરિવર્તન લાવવાના સિડબીના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ સાહસોને વધુ સ્પર્ધાત્મક, ઉત્પાદક અને ભવિષ્ય માટે સજ્જ બનાવવા માટે તેમના આધુનિકીકરણને ટેકો આપવાની સાથે-સાથે ધિરાણની પહોંચ, વિતરણ કાર્યક્ષમતા અને ટેકનોલોજી અપનાવવામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રહેશે.

ભારતના એમએસએમઈ (MSME) ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી દ્વારા સત્તાવાર રીતે નીચે મુજબની મુખ્ય પહેલો શરૂ કરવામાં આવી હતી:
· સિડબી-આરઆરબી કો-લેન્ડિંગ પ્લેટફોર્મ (SIDBI-RRB Co-Lending Platform): સિડબીની એમએસએમઈ ક્ષેત્રની કુશળતા અને ડિજિટલ ક્ષમતાઓને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) ના તળિયા સ્તરના પહોંચ-વિસ્તાર સાથે જોડીને અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એમએસએમઈ ધિરાણની પહોંચ વધારવા માટે રચાયેલ ડિજિટલ સંયુક્ત ધિરાણ મોડલ.
· ગ્રામીણ સાહસોનું આધુનિકીકરણ (MoRE - Modernization of Rural Enterprises) કાર્યક્રમ: બિન-ખેતી પ્રવૃત્તિઓ જેવી કે ગોળના એકમો, ઓઇલ એક્સ્પેલર્સ (તેલ ઘાણી), માટીકામના એકમો, લોટ મિલો અને પિત્તળના કારીગરોના સાહસોના આધુનિકીકરણ માટે ધિરાણ અને ધિરાણ-પ્લસ સહાય પૂરી પાડતી ક્લસ્ટર-આધારિત દરમિયાનગીરી.
· માઇક્રો એન્ટરપ્રાઇઝિસ માટે માઇક્રો ક્રેડિટ કાર્ડ યોજના (Micro Credit Card Scheme for Micro Enterprises): ઉદ્યમ (Udyam)-નોંધાયેલા લઘુ સાહસોને કોઈપણ ફરજિયાત પ્રાથમિક જામીનગીરી (પ્રાઇમરી સિક્યોરિટી) વિના અને 75 ટકા ગેરંટી કવરેજ સાથે રૂ. 5 લાખ સુધીના રિવોલ્વિંગ ધિરાણની પહોંચ મેળવવા સક્ષમ બનાવતી યોજના.
· સિડબી એમએસએમઈ એક્સચેન્જ – મશીનરી પોર્ટલ (SIDBI MSME Exchange – Machinery Portal): એમએસએમઈ મૂડી રોકાણ અને ટેકનોલોજી અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે સંસ્થાકીય ધિરાણ સહાય સાથે મશીનરીની શોધ (ડિસ્કવરી) નું સંકલન કરતું ટેકનોલોજી-આધારિત ડિજિટલ પ્લેટફોર્મ.

આ કાર્યક્રમ દરમિયાન, લાભાર્થી લઘુ સાહસોને માઇક્રો ક્રેડિટ કાર્ડ યોજના હેઠળના ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નવીનતા, સર્વસમાવેશક નાણાકીય વ્યવસ્થા, ટેકનોલોજી અપનાવવા અને સહયોગી ભાગીદારી દ્વારા ભારતના એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની નવીનીકૃત પ્રતિબદ્ધતા સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2265087)
મુલાકાતી સંખ્યા : 25