જળશક્તિ મંત્રાલય
“ગુજરાતની સ્થિતિની પોલ ખોલતી વાસ્તવિકતા? પાણી માટે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરવા લોકો મજબૂર” શીર્ષક હેઠળ એક ન્યૂઝ ચેનલ પર પ્રસારિત સમાચાર અંગે સ્પષ્ટતા
પોસ્ટેડ ઓન:
22 MAY 2026 6:01PM by PIB Ahmedabad
કપરાડા તાલુકાના મોટા પલસાણ ગામમાં પીવાના પાણીની સમસ્યા અંગે Z24 કલાક ન્યૂઝ ચેનલ પર તારીખ 20/05/2026ના રોજ પ્રસારિત થયેલા અહેવાલના સંદર્ભમાં, વાસ્તવિક અને સાચી સ્થિતિ નીચે મુજબ છે:
મોટા પલસાણ ગામની કુલ વસ્તી આશરે 5,607 છે અને આ ગામમાં 13 ફળિયા (નાડગપાડા, તોકરપાડા, દગડપાડા, વેરીચાપાડા, નિમ્બરપાડા, શીદપાડા, ઉમરપાડા, ડુંગરપાડા, કરંજલી, બે રસ્તાપાડા, સોપદાર, સાવરપાડા અને મૂળગામ)નો સમાવેશ થાય છે. એસ્ટોલ પ્રાદેશિક જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ, ઉપરોક્ત ફળિયાઓમાં કુલ 13 પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. નિલોશી હેડ વર્ક્સ પરથી નિયત ધોરણો મુજબ નિયમિતપણે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

જલ જીવન મિશન (JJM) હેઠળ, વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી (VWSC - ગ્રામ્ય પાણી અને સ્વચ્છતા સમિતિ) ની દેખરેખ હેઠળ આંતરિક વિતરણ પાઇપલાઇન નેટવર્ક અને ઘરગથ્થું નળ જોડાણ (નળ કનેક્શન)ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને તે મુજબ પાણી પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગામમાં 32 કાર્યરત હેન્ડપંપ અને કૂવાઓ છે જેમાંથી ગ્રામજનો પાણી મેળવે છે.

હાલના મીડિયા અહેવાલની બાબત મોટા પલસાણ ગામના બે રસ્તાપાડા ફળિયા સાથે સંબંધિત છે, જ્યાં એસ્ટોલ પ્રાદેશિક જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ફળિયાના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, અને GWSSB (ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ)ના ધોરણો મુજબ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
NE6W.jpeg)
રસ્તાના વિકાસ કાર્ય (રોડની કામગીરી) દરમિયાન, આંતરિક વિતરણ પાઇપલાઇન તેમજ પ્રશ્ન હેઠળના ઘરો સુધી પાણી લઈ જતી પાઇપલાઇનને નુકસાન થયું હતું અને પાઇપલાઇનનો આશરે 1.5 મીટરનો ભાગ માટી-કાંકરા ભરાઈ જવાને કારણે ચોકઅપ (બંધ) થઈ ગયો હતો. જેના કારણે ઉપરોક્ત વિસ્તારમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો હતો, તેથી આ વિસ્તારના રહેવાસીઓ મુખ્યત્વે તેમના ઘરથી 90 મીટર દૂર આવેલા હેન્ડપંપમાંથી પાણી મેળવતા હતા, જ્યારે મીડિયા અહેવાલમાં દર્શાવેલા કૂવામાં પાણી ખૂબ જ મર્યાદિત/વપરાશ યોગ્ય ન હતું, તેથી તે કૂવો ઉપયોગમાં ન હતો.
BJRL.jpeg)
ઉપરોક્ત નુકસાન પામેલી અને ચોકઅપ થયેલી પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું અને બે રસ્તાપાડા ફળિયામાં તારીખ 21/05/2026 ના રોજ બપોરે પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. પ્રકાશિત થયેલા ફોટોગ્રાફમાં દેખાતો કૂવો હાલમાં ઉનાળાની ઋતુના કારણે સૂકાઈ ગયો છે અને હાલમાં અન્ય એક નવા કૂવા માટે ખોદકામની કામગીરી પ્રગતિમાં છે અને મજૂરો ખોદકામ માટે કૂવામાં ઉતરી રહ્યા છે. એસ્ટોલ પ્રાદેશિક જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ, પાણી પુરવઠાને લગતી ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે છે અને તાત્કાલિક ઉકેલ માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.
(રીલીઝ આઈડી: 2264243)
મુલાકાતી સંખ્યા : 145