વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગ્રાસરૂટ ઇનોવેટર્સને પ્રોત્સાહન આપવાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ શકે છે અને પ્રાદેશિક અસંતુલન ઘટી શકે છે: ડૉ. જિતેન્દ્ર સિંહ
ગ્રાસરૂટ ઇનોવેટર્સએ ભારતના શાંત રાષ્ટ્ર નિર્માતાઓ છે; પરંપરાગત કૌશલ્યોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાથી સર્વસમાવેશી આર્થિક વિકાસને વેગ મળી શકે છે, તેમ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું
એક સમાન કમ્યુનિટી-લેડ ઇનોવેશન ઇકોસિસ્ટમ એ ભારતના સર્વાંગી આર્થિક પરિવર્તનનું એક મુખ્ય પ્રેરક ચાલક બળ બનવાની આશા ધરાવે છે: ડૉ. જિતેન્દ્ર સિંહ
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અમદાવાદમાં ગ્રાસરુટ ઇનોવેશન પર રાષ્ટ્રીય કાર્યશાળાને સંબોધિત કરી
પોસ્ટેડ ઓન:
19 MAY 2026 4:11PM by PIB Ahmedabad
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને પીએમઓ (PMO), પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા વિભાગ અને અંતરીક્ષ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે, 'ગ્રાસરૂટ ઇનોવેટર્સને પ્રોત્સાહન આપવાથી ભારતનું ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ શકે છે અને સર્વસમાવેશી, નવપ્રવર્તન-પ્રેરિત વિકાસ દ્વારા પ્રાદેશિક અસંતુલન ઘટાડી શકાય છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, 'ગ્રાસરૂટ ઇનોવેટરોએ ભારતના આર્થિક પરિવર્તનમાં સક્રિય ભાગીદાર બનવું જ જોઈએ, કારણ કે તેમનું પરંપરાગત જ્ઞાન, સ્થાનિક કૌશલ્યો અને વ્યવહારિક નવપ્રવર્તનો આજીવિકા નિર્માણ, વિકેન્દ્રિત વિકાસ અને રાષ્ટ્રીય પ્રગતિ માટે અપાર સંભાવનાઓ ધરાવે છે.
ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે “ગ્રાસરૂટ ઇનોવેશન પાથવેઝ: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સ” વિષય પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રને સંબોધતા ડૉ. જિતેન્દ્ર સિંહે ' ગ્રાસરૂટ ઇનોવેટર્સને ભારતના “શાંત રાષ્ટ્ર નિર્માતાઓ” તરીકે વર્ણવ્યા હતા, જેમનું યોગદાન તેમના નોંધપાત્ર સામાજિક અને આર્થિક મૂલ્ય હોવા છતાં ઘણીવાર ઔપચારિક સંસ્થાકીય પ્રણાલીઓની બહાર રહી જાય છે. તેમણે કહ્યું કે ભારતમાં ઇનોવેશન માત્ર મહાનગરો, પ્રયોગશાળાઓ કે ઉચ્ચ સંસ્થાઓ પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ તેનો વિસ્તાર ગામડાઓ, નાના નગરો અને સામુદાયિક ઇકોસિસ્ટમ્સ સુધી થવો જોઈએ.
આ કાર્યશાળાનું આયોજન નીતિ (NITI) આયોગ દ્વારા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ના સહયોગથી કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા, ડીઆરડીઓ (DRDO) ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને નીતિ આયોગના ભૂતપૂર્વ સભ્ય ડૉ. વી.કે. સારસ્વત, નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (વિજ્ઞાન અને ટેકનોલોજી) પ્રો. વિવેક કુમાર સિંહ, ડીએસટી (DST) ગુજરાતના સચિવ સુશ્રી પી. ભારતી, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. અરવિંદ રાનડે અને દેશભરમાંથી આવેલા અનેક વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ અને ઇનોવેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારત સંસાધનોની તંગી વચ્ચે પણ ઇનોવેશન કરવાની અજોડ ક્ષમતા ધરાવે છે અને ઘણા પરિવર્તનકારી વિચારો સીધા જીવેલા અનુભવો અને સ્થાનિક પડકારોમાંથી ઉદ્ભવે છે. ભારતના અંતરીક્ષ કાર્યક્રમના પ્રારંભિક વર્ષોનો ઉલ્લેખ કરતા, તેમણે યાદ કર્યું કે કેવી રીતે ડૉ. વિક્રમ સારાભાઈ અને અન્ય અગ્રણીઓએ ન્યૂનતમ માળખાકીય સુવિધાઓ સાથે પરંતુ અસાધારણ પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું હતું, જે ભારતના માનવ સંસાધનની સહજ નવપ્રવર્તન ક્ષમતા દર્શાવે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રાસરૂટના ઘણા ઈનોવેટર્સ કદાચ ઔપચારિક શૈક્ષણિક લાયકાત ધરાવતા ન હોય, તેમ છતાં તેઓ વ્યવહારિક અનુભવમાં મૂળ ધરાવતી નોંધપાત્ર સર્જનાત્મકતા અને તકનીકી અભિગમ પ્રદર્શિત કરે છે. તેમણે નોંધ્યું હતું કે મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ હવે ટાયર-2 અને ટાયર-3 શહેરોમાંથી ઉભરી રહ્યા છે, જે નાના નગરો અને ગ્રામીણ ભારતની વધતી જતી નવપ્રવર્તન ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે ગ્રાસરૂટ ઇનોવેશન એ મૂળભૂત રીતે નીચેથી ઉપર તરફની (બોટમ-અપ) પ્રક્રિયા છે અને તેમણે સ્થાનિક ઈનોવેટર્સને વૈજ્ઞાનિક સંસ્થાઓ, આધુનિક ટેકનોલોજી, માન્યતા પ્રણાલીઓ (વેલિડેશન સિસ્ટમ્સ) અને બજારની તકો સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પડકાર માત્ર ઈનોવેટર્સની ઓળખ કરવાનો નથી, પરંતુ તેમના ઇનોવેશનોને વ્યવહારિક ઉત્પાદનો અને સામુદાયિક ઉકેલોમાં પરિવર્તિત કરવા માટેના માર્ગો બનાવવાનો છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રાસરૂટના ઇનોવેશનને આર્થિક અને વિકાસાત્મક પ્રાથમિકતા તરીકે પણ જોવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી ગ્રામીણ અર્થતંત્રો મજબૂત ન થાય અને વિકાસ પ્રાદેશિક રીતે સંતુલિત ન બને ત્યાં સુધી ભારત અગ્રણી વૈશ્વિક અર્થતંત્ર તરીકે ઉભરી શકે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ગ્રાસરૂટ ઇનોવેશન રોજગાર નિર્માણ, સામુદાયિક ઉદ્યોગસાહસિકતા અને વિકાસાત્મક અસમાનતાઓને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે ગ્રાસરૂટનાં ઇનોવેટર્સ અને સંશોધન સંસ્થાઓ, ઇન્ક્યુબેટર્સ અને ઉદ્યોગો સહિતની ઔપચારિક ઇનોવેશનઇકોસિસ્ટમ્સ વચ્ચે વધુ મજબૂત સંકલન સાધવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે ઘણી સરકારી યોજનાઓ અને વૈજ્ઞાનિક કાર્યક્રમો ઘણીવાર સ્થાનિક ઇનોવેટર્સ સુધી પૂરતી રીતે પહોંચવામાં નિષ્ફળ જાય છે કારણ કે તેઓ ગ્રાઉન્ડ રિયાલિટી (જમીની હકીકતો) થી ડિસ્કનેક્ટ (અલગ) રહે છે.
ટેકનોલોજીના એકીકરણના મહત્વ પર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી જેવી આધુનિક ટેકનોલોજી સાથે જોડવાથી સ્થાનિક ઉત્પાદનો અને કૌશલ્યોનું મૂલ્ય અને બજારની ક્ષમતા નોંધપાત્ર રીતે વધી શકે છે. તેમણે મિલેટ્સ (મોટું ધાન્ય) આધારિત ઉત્પાદનો અને પરંપરાગત પ્રાદેશિક ખાદ્ય ચીજોને લગતા સફળ હસ્તક્ષેપોનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં વૈજ્ઞાનિક સહાયથી સ્થાનિક સમુદાયો માટે વ્યાપારીકરણ અને આવકની તકો સુધારવામાં મદદ મળી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “મન કી બાત” અને પીએમ વિશ્વકર્મા જેવી પહેલો દ્વારા ગ્રાસરૂટ ઇનોવેશન અને સામુદાયિક ભાગીદારીને સતત પ્રોત્સાહિત કરી છે, જે પરંપરાગત કૌશલ્યોને ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક તકો સાથે જોડીને તેમને સાચવવામાં મદદ કરી રહી છે.
આ કાર્યશાળામાં ગ્રાસરૂટનું ઇનોવેશનને ટેકો આપવા માટે સંસ્થાકીય સહાયકો (ઇન્સ્ટિટ્યૂશનલ ઇનેબલર્સ), ગ્રાસરૂટ ઇનોવેટર્સ પાસેથી શીખવું, સમુદાય પ્રેરિત ઈનોવેશન પહેલો અને પ્રાદેશિક તેમજ રાજ્ય ઈનોવેશન પહેલો પર તકનીકી સત્રોનો સમાવેશ થાય છે. કાર્યશાળા દરમિયાન ચર્ચા-વિચારણા મુખ્યત્વે નીતિગત માળખાં, સંસ્થાકીય સંકલન, ઇન્ક્યુબેશન સપોર્ટ અને દેશભરમાં ગ્રાસરૂટનાં ઇનોવેશનને વિસ્તારવા માટેના સ્કેલેબલ મોડેલો પર કેન્દ્રિત રહેવાની અપેક્ષા છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવી પહેલો એક મજબૂત અને વધુ જોડાયેલ ઇનોવેશન ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે જ્યાં ગામડાંઓ અને અંતરિયાળ વિસ્તારોના ઈનોવેટર્સ ભારતના વિકાસની યાત્રામાં સમાન સહભાગી બનશે અને વિકસિત ભારત @2047 તરફ સાર્થક યોગદાન આપશે.




IJ/DK/JD
(રીલીઝ આઈડી: 2262832)
મુલાકાતી સંખ્યા : 23