શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

ESIC દ્વારા 40 વર્ષથી વધુ ઉંમરના વીમિત વ્યક્તિઓ માટે નિઃશુલ્ક વાર્ષિક આરોગ્ય તપાસ કાર્યક્રમનો પ્રારંભ

પોસ્ટેડ ઓન: 07 MAY 2026 3:49PM by PIB Ahmedabad

નવેમ્બર 2025માં જાહેર કરાયેલા ચાર શ્રમ સંહિતાઓ (Labour Codes) ભારતના શ્રમ વહીવટી માળખામાં એક મહત્વપૂર્ણ સુધારાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંહિતાઓ હેઠળ 40 વર્ષથી વધુ ઉંમરના શ્રમિકો માટે નિઃશુલ્ક વાર્ષિક આરોગ્ય તપાસની જોગવાઈ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે દર્શાવે છે કે સ્વસ્થ કાર્યબળ જ ઉત્પાદક રાષ્ટ્રનો આધારસ્તંભ છે તેમજ પ્રતિરોધાત્મક આરોગ્ય સેવાઓ દરેક શ્રમિકનો અધિકાર અને આવશ્યકતા બંને છે.

આ કાર્યક્રમનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ તા. 07 મે 2026 (ગુરુવાર)ના રોજ નવી દિલ્હી સ્થિત ESIC હોસ્પિટલ સહ ODC, બસઇદારાપુર ખાતે ભારત સરકારના માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખ એલ. માંડવિયા દ્વારા કરવામાં આવ્યો। સાથે જ આ કાર્યક્રમ દેશના 12 વિવિધ સ્થળોએ એકસાથે શરૂ કરવામાં આવ્યો.

ઉક્ત અનુસંધાને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC), પ્રાદેશિક કચેરી અમદાવાદ દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ તા. 07 મે 2026 (ગુરુવાર)ના રોજ સવારે 10:00 વાગ્યે ક.રા.બી. નિગમ આદર્શ હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યો. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય મંત્રી (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર) શ્રી કુંવરજી બાવળિયા તથા બાપુનગરના માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી કે.ડી. લખાણી, શ્રમ આયુક્ત, ડૉ. ટેરેસા ઈ. બિલુંગ, DMC, ESIC મુખ્યાલય, ડૉ. પાંડુરંગ નરહરે, ડીન, ડૉ. રવિ જી. એસ., મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, ડૉ. રાજશ્રી અગ્રવાલ, DMS, ESIS, શ્રી હેમંત કુમાર પાંડે, પ્રાદેશિક નિયામક, ગુજરાત સહિત અન્ય માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા.

તેમના સંબોધનમાં માનનીય મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ આ કાર્યક્રમની પ્રશંસા કરતાં જણાવ્યું કે ESIC દ્વારા 40 વર્ષથી વધુ ઉંમરના વીમિત વ્યક્તિઓ માટે નિઃશુલ્ક વાર્ષિક આરોગ્ય તપાસ કાર્યક્રમ શરૂ કરવો અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પહેલ છે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ શ્રમિક વર્ગના આરોગ્ય, સુરક્ષા અને સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવે છે અને આ પહેલ એ વિચારને મજબૂત બનાવે છે કે સ્વસ્થ શ્રમિક જ સક્ષમ અને ઉત્પાદક રાષ્ટ્રનો આધાર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર ઔપચારિક આયોજન પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન સતત ચલાવવામાં આવશે, જેથી વધુમાં વધુ વીમિત વ્યક્તિઓ આ સુવિધાનો લાભ લઈ શકે અને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બની શકે. તેમણે ESICની પ્રશંસા કરતાં જણાવ્યું કે નિગમ માત્ર આરોગ્ય સેવાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ શ્રમિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સતત કાર્યરત છે.

માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે બાપુનગર વિસ્તારમાં ESIC હોસ્પિટલ દ્વારા 40 વર્ષથી વધુ ઉંમરના વીમિત વ્યક્તિઓ માટે શરૂ કરાયેલ નિઃશુલ્ક વાર્ષિક આરોગ્ય તપાસ કાર્યક્રમ અત્યંત પ્રશંસનીય પહેલ છે. વર્તમાન બદલાતી જીવનશૈલી અને કાર્ય પરિસ્થિતિઓમાં 40 વર્ષની ઉંમર પછી ડાયાબિટીસ, ઉચ્ચ રક્તચાપ, હૃદયરોગ જેવી અસંક્રમિત બીમારીઓનો ખતરો વધી જાય છે. જો આ બીમારીઓની સમયસર ઓળખ થાય તો માત્ર તેમને નિયંત્રિત જ નહીં કરી શકાય પરંતુ ગંભીર જટિલતાઓથી પણ બચી શકાય. તેમણે વધુમાં જણાવ્યું કે આ દૃષ્ટિકોણથી આ પહેલ માત્ર ઉપચારાત્મક (Curative) જ નહીં પરંતુ પ્રતિરોધાત્મક (Preventive) આરોગ્ય સેવાઓને પણ મજબૂત બનાવે છે. આ એક સર્વાંગી (Holistic) આરોગ્ય મોડેલ તરફ આગળ વધવાનું સૂચક છે, જેમાં વ્યક્તિના સમગ્ર આરોગ્ય અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

શ્રી હેમંત કુમાર પાંડે, પ્રાદેશિક નિયામકે અધિસૂચિત ચાર શ્રમ સંહિતાઓ (Labour Codes)થી મળતા લાભો અંગે વીમિત વ્યક્તિઓ તથા નિયોજકોને માહિતી આપી તેમજ ESIC દ્વારા આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અને લાભો અંગે વિગતવાર માહિતી આપી. તેમણે વધુમાં જણાવ્યું કે 40 વર્ષથી વધુ ઉંમરના વીમિત વ્યક્તિઓ માટેનો નિઃશુલ્ક વાર્ષિક આરોગ્ય તપાસ કાર્યક્રમ ગુજરાતના તમામ ESIC તથા ESIS હોસ્પિટલોમાં સમગ્ર વર્ષ દરમિયાન ચલાવવામાં આવશે.

કાર્યક્રમ અંતર્ગત વીમિત વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરવામાં આવી તથા તેમને નિયમિત આરોગ્ય તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે જાગૃત કરવામાં આવ્યા. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા આ કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમિયાન ચલાવવામાં આવશે, જેથી વધુમાં વધુ વીમિત વ્યક્તિઓને પ્રતિરોધાત્મક આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે.

 


(રીલીઝ આઈડી: 2258705) મુલાકાતી સંખ્યા : 163
આ રીલીઝ વાંચો: English