જળશક્તિ મંત્રાલય
જલ જીવન મિશન 2.0 હેઠળ મિઝોરમ અને લદ્દાખ સાથે સુધારાલક્ષી એમઓયુ (MoUs) પર હસ્તાક્ષર કરાયા
પોસ્ટેડ ઓન:
06 MAY 2026 7:08PM by PIB Ahmedabad
જલ જીવન મિશન 2.0 હેઠળ દેશભરમાં સુધારા લક્ષી અમલીકરણને આગળ ધપાવતા, મિઝોરમે અને લદ્દાખે આજે કેન્દ્ર સરકાર સાથે એમઓયુ (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી હેઠળ તેઓ ટકાઉ, પારદર્શક અને સમુદાય સંચાલિત ગ્રામીણ પીવાના પાણીની સેવા વિતરણ માટે વ્યવસ્થિત સુધારા માળખા માટે પ્રતિબદ્ધ થયા છે.
આ સુધારાલક્ષી એમઓયુ (MoU) જલ જીવન મિશન 2.0 ના ઉદ્દેશ્યોને અનુરૂપ, ગ્રામ પંચાયત સંચાલિત, સેવા આધારિત અને સમુદાય કેન્દ્રિત ગ્રામીણ જળ શાસનના મોડલને ફરજિયાત બનાવે છે.
આ સુધારાલક્ષી એમઓયુ (MoU) નો ઉદ્દેશ્ય મજબૂત લોકભાગીદારી (જન ભાગીદારી) દ્વારા અને ગ્રામીણ જળ પુરવઠા પ્રણાલીઓના ટકાઉ સંચાલન અને જાળવણી માટે માળખાકીય સુધારાઓ લાવીને દરેક ગ્રામીણ ઘરને નિયમિત ધોરણે પૂરતી માત્રામાં અને નિર્ધારિત ગુણવત્તાવાળા પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. જેનાથી વિકસિત ભારત @2047ના રાષ્ટ્રીય વિઝનને અનુરૂપ ગ્રામીણ સમુદાયોના જીવન ધોરણમાં સુધારો થશે અને લાંબા ગાળાની જળ સુરક્ષામાં યોગદાન મળશે.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ એમઓયુ (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ડીડીડબલ્યુએસ (DDWS) કચેરી ખાતે એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી વી. સોમન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા.
પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS) ના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં ડીડીડબલ્યુએસના સચિવ શ્રી અશોક કે. કે. મીના અને નેશનલ જલ જીવન મિશન (NJJM) ના એડિશનલ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર શ્રી કમલ કિશોર સોન પણ આ એમઓયુ હસ્તાક્ષર દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.


મિઝોરમ સાથેના એમઓયુ પર મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેઓ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ એમઓયુ પર ડીડીડબલ્યુએસ (DDWS) ના સંયુક્ત સચિવ (પાણી) શ્રીમતી સ્વાતિ મીના નાયક અને મિઝોરમ સરકારના પીએચઇડી (PHED) ના સચિવ તેમજ જેજેએમ (JJM) મિઝોરમના એમડી શ્રીમતી ઝોદિંગપુઈ વચ્ચે હસ્તાક્ષર અને આદાનપ્રદાન કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) વચ્ચેના સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, લદ્દાખ સાથેના એમઓયુ પર લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના સચિવ શ્રીમતી શશાંકા આલા, લદ્દાખના પીએચઇ/આઇએન્ડએફસી (PHE/I&FC) વિભાગના એડિશનલ સેક્રેટરી ડૉ. મોહમ્મદ ઉસ્માન ખાન, જેકેએએસ અને રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ એમઓયુ પર ડીડીડબલ્યુએસ (DDWS)ના સંયુક્ત સચિવ (પાણી) શ્રીમતી સ્વાતિ મીના નાયક અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પીએચઇ/આઇએન્ડએફસી (PHE/I&FC) વિભાગના કમિશનર/સચિવ શ્રી શૂરબીર સિંહ, આઈએએસ વચ્ચે હસ્તાક્ષર અને આદાનપ્રદાન કરવામાં આવ્યા હતા.

સભાને સંબોધિત કરતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે હાઇલાઇટ કર્યું હતું કે આ સુધારાલક્ષી એમઓયુ વર્ષ 2028 સુધીમાં તમામ ગ્રામીણ પરિવારો માટે 'હર ઘર જલ' પ્રાપ્ત કરવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે જેજેએમ (JJM) હેઠળ મિઝોરમની લગભગ 100% નોંધાયેલી ભૌતિક પ્રગતિની પ્રશંસા કરી હતી અને હર ઘર જલ (HGJ) પ્રમાણિત દરજ્જો મેળવવા અને તેનો દાવો કરવા માટે સંચાલન, જાળવણી અને સામુદાયિક ભાગીદારીમાં સમયસર સુધારા કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ રાજ્ય માટે અમલીકરણની ગતિ જાળવી રાખવા માટે ભંડોળ ઝડપથી જાહેર કરવા સહિત કેન્દ્રના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.

લદ્દાખ અંગેના તેમના સંબોધનમાં, શ્રી સી. આર. પાટીલે કેન્દ્રશાસિત પ્રદેશ (UT)માં 98.18% એફએચટીસી (FHTC) સુનિશ્ચિત કરવાના તેમના પ્રશંસનીય પ્રયાસો બદલ શ્રી વિનય કુમાર સક્સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે 100% એચજીજે (HGJ) પ્રમાણિત કેન્દ્રશાસિત પ્રદેશ માટે જેજેએમ 2.0 (JJM 2.0)ની માર્ગદર્શિકા મુજબ મિશનને ઝડપથી પૂર્ણ કરવા અંગે પણ અનુરોધ કર્યો હતો.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જલ જીવન મિશન 2.0 જવાબદારી, પાણીની ગુણવત્તા અને લાંબા ગાળાની ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આને પૂર્ણ કરવા માટે, તેમણે અધિકારીઓને જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (DWSM) ની બેઠકો સમયસર યોજવા અને એમઓયુનું પાલન કરવા તાકીદ કરી હતી. તેમણે જળ પુરવઠા પ્રણાલીઓની લાંબા ગાળાની સદ્ધરતા સુનિશ્ચિત કરવા માટે મનરેગા (MGNREGA) જેવી યોજનાઓ સાથે જોડાણ કરીને 'જલ સંચય જન ભાગીદારી' ને પ્રાથમિકતા આપવા માટે મિઝોરમ અને લદ્દાખ બંનેને અનુરોધ કર્યો હતો.
શ્રી પાટીલે માહિતી આપી હતી કે સપ્ટેમ્બર 2025 માં, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS) ના સચિવે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) ને સંબંધિત મુદ્દાઓ અંગે ગૃહ મંત્રાલય (MHA) ના સચિવને અર્ધ-સરકારી (D.O.) પત્ર લખ્યો હતો. આ સંદર્ભમાં તેમણે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરને ગૃહ મંત્રાલય સાથે સંકલન સાધીને ઓ એન્ડ એમ (O&M) માટે કામ કરવા વિનંતી કરી હતી.
તેમણે સપ્ટેમ્બર 2025માં લદ્દાખની મુલાકાત દરમિયાન લદ્દાખના મુખ્ય સચિવ સાથે ચર્ચા કર્યા પછી નેશનલ જલ જીવન મિશન (NJJM)ના એડિશનલ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર (AS&MD) દ્વારા આપવામાં આવેલા સૂચનોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ સંદર્ભમાં પગલાં લેવા જણાવ્યું હતું.
મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાએ તેમના સંબોધનમાં આ એમઓયુને રાજ્ય માટે સંભવિત ગેમ ચેન્જર ગણાવ્યું હતું અને જેજેએમ હેઠળ મિઝોરમના ઉત્કૃષ્ટ પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે રાજ્યમાં 1,33,060 ગ્રામીણ પરિવારોને એફએચટીસી (FHTCs) પૂરા પાડવામાં આવ્યા છે, જેમાં મંજૂર કરાયેલી યોજનાઓમાં 99% ભૌતિક પ્રગતિ પ્રાપ્ત થઈ છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે તમામ ગ્રામીણ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને નળના પાણીના પુરવઠાથી આવરી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ પાણીની ગુણવત્તા પર રાજ્યના ભાર પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં એનએબીએલ (NABL) માન્યતા પ્રાપ્ત સુવિધાઓ સહિત 28 પાણી પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી છે. તેમણે જળ પુરવઠા પ્રણાલીઓની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે તમામ ગામોમાં વીડબલ્યુએસસી (VWSCs - વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી) ની રચના અને જિલ્લા ટેકનિકલ ટીમોની રચના દ્વારા સામુદાયિક ભાગીદારીની ભૂમિકાને રેખાંકિત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યએ વ્યાપક અમલીકરણ અને સુધારા યોજના (CIRP) નું આયોજન કર્યું છે અને તેને જલ જીવન મિશન-ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (JJM-IMIS) પર અપલોડ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના સતત સમર્થનની પ્રશંસા કરવાની સાથે, તેમણે અમલીકરણની ગતિ જાળવી રાખવા માટે સમયસર નાણાકીય સહાયના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મિશનના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
તેમના સંબોધનમાં, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ લદ્દાખના પડકારરૂપ ભૂપ્રદેશમાં સુરક્ષિત પીવાના પાણીની સુલભતા સુનિશ્ચિત કરવામાં જલ જીવન મિશનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ એમઓયુ પર હસ્તાક્ષરને એક ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો હતો.

તેમણે ધ્યાન દોર્યું હતું કે નોંધપાત્ર સંખ્યામાં ગામોમાં કામ પૂર્ણ થવા સાથે ઘણી સારી પ્રગતિ હાંસલ કરવામાં આવી છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જેજેએમ (JJM) દરેક ઘર સુધી નળનું પાણી પહોંચાડવાના વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી રહ્યું છે. તેમણે જેજેએમ ની વિશિષ્ટ વિશેષતા પર પ્રકાશ પાડ્યો હતો કારણ કે તેમાં સમુદાય સંચાલિત ચકાસણી છે, જેમાં સ્થાનિક ગ્રામજનો જળ પુરવઠા પ્રણાલીઓની કાર્યક્ષમતા અને વિતરણને પ્રમાણિત કરે છે, જેથી ગ્રાઉન્ડ લેવલ પર જવાબદારી અને અસરકારકતા સુનિશ્ચિત થાય છે. મિશનના મુખ્ય મુદ્દાઓ સાથે સુસંગત રહીને, શ્રી સક્સેનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુધારા લક્ષી માળખું અમલીકરણને વધુ મજબૂત બનાવશે અને જલ જીવન મિશનના ઉદ્દેશ્યો હાંસલ કરવામાં કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
તેમના પ્રારંભિક સંબોધનમાં, ડીડીડબલ્યુએસ (DDWS) ના સચિવ શ્રી અશોક કે. કે. મીનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એમઓયુ માત્ર પાઇપલાઇનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપને જ નહીં, પરંતુ પાયાના સ્તરે સંચાલિત ટકાઉ સેવાઓને પ્રાથમિકતા આપે છે. તેમણે વિકેન્દ્રીકરણ અને સામુદાયિક માલિકી પર ભાર મૂક્યો હતો, જેમાં ગ્રામ પંચાયતો અને વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટીઓ (VWSCs)ને ગામની અંદરની જળ પુરવઠા પ્રણાલીઓનું સંચાલન અને સંચાલન કરવા માટે સશક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવાના મહત્વને જણાવતા, શ્રી મીનાએ હાઇલાઇટ કર્યું હતું કે આ એમઓયુ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેની એક સહિયારી પ્રતિબદ્ધતા છે જે ગ્રામીણ પરિવારોને સુરક્ષિત, સલામત અને ટકાઉ પીવાનું પાણી પૂરું પાડવા માટે જેજેએમ 2.0 ની માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પગલું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'હર ઘર જલ' ના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં એક પહેલ છે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2258520)
મુલાકાતી સંખ્યા : 16