રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહની શોભા વધારી
વિકસતા સુરક્ષા પરિદ્રશ્યમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી ઘણી વધી ગઈ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
પોસ્ટેડ ઓન:
14 APR 2026 7:40PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (14 એપ્રિલ, 2026) ગુજરાતના ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આવનારા સમયમાં સુરક્ષાનું પરિદ્રશ્ય વધુ જટિલ બનશે. થોડા વર્ષો પહેલા સુધી, આપણે ડિજિટલ અરેસ્ટ (Digital Arrest), સાયબર ક્રાઈમ (Cyber Crime) અને ફિશિંગ એટેક (Phishing Attacks) જેવા શબ્દોથી અપરિચિત હતા. છતાં આજે, આ આપણી સામે મોટા જોખમો તરીકે ઉભા છે. આવા સંજોગોમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી ઘણી વધી જાય છે. રાષ્ટ્રને એવા પોલીસ અધિકારીઓની જરૂર છે જે ટેકનિકલી સક્ષમ હોય અને સાયબર ફ્રોડના ગુનેગારોને પકડવામાં અને તેમને સજા અપાવવામાં કુશળ હોય; એવા ફોરેન્સિક નિષ્ણાતોની જરૂર છે જે કોર્ટની તપાસમાં ટકી શકે તેવા પુરાવા પૂરા પાડવા સક્ષમ હોય; અને એવા સક્ષમ વ્યાવસાયિકોની પણ જરૂર છે જે ભૂ-રાજનીતિ (geopolitics) ની સૂક્ષ્મતાને સમજી શકે અને વૈશ્વિક મંચ પર આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરી શકે.

રાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું કે વ્યૂહાત્મક અભ્યાસો હવે માત્ર યુદ્ધ અને શાંતિના સિદ્ધાંતો પૂરતા મર્યાદિત નથી. તેઓ હવે સંરક્ષણ ઉત્પાદન, ઉભરતી ટેકનોલોજી, સપ્લાય ચેઈન અને સ્વનિર્ભર ઔદ્યોગિક ક્ષમતાઓને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત ઉદ્યોગો સાથે ઇન્ટરફેસ સ્થાપિત કરવો એ આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું હશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રો વિશ્વની ગતિ અને દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સરકાર આ દિશામાં ગંભીર પ્રયાસો કરી રહી છે. 'ઈન્ડિયા AI મિશન' અને 'AI ઈમ્પેક્ટ સમિટ 2026' જેવી પહેલો દ્વારા ભારત વૈશ્વિક AI ગવર્નન્સમાં એક મહત્વપૂર્ણ અવાજ તરીકે ઉભરી આવ્યું છે. 'AI ઈમ્પેક્ટ સમિટ 2026' માં 'નવી દિલ્હી ડિક્લેરેશન' ને મળેલ વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન માત્ર એક ટેકનોલોજીકલ સિદ્ધિ નથી પરંતુ તે ભારતની નેતૃત્વ ક્ષમતાઓનું પ્રમાણ પણ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સાયબર સિક્યુરિટી એ આંતરિક સુરક્ષા, નાણાકીય સ્થિરતા અને ડિજિટલ વિશ્વાસનો અભિન્ન ભાગ છે. ભારતે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ જેવી મજબૂત સંસ્થાકીય પ્રણાલીઓ વિકસાવી છે, જે નાગરિકો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રીય શક્તિ માત્ર લશ્કરી જવાનો અને સુરક્ષા દળોના સાહસ અને શૌર્ય પર જ નહીં, પરંતુ સુરક્ષા માટે આવશ્યક શસ્ત્રો અને શસ્ત્રાગાર અંગેની ગુણવત્તા, ઉત્પાદન, તાલીમ અને ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા પર પણ નિર્ભર છે. સરકાર આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. સ્વદેશી ક્ષમતાઓ અને સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપીને સંરક્ષણ ક્ષેત્રમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સુરક્ષા શિક્ષણ માટે એક ઉત્કૃષ્ટ વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધતી રહેશે અને પદવી મેળવતા વિદ્યાર્થીઓ સુરક્ષિત, ન્યાયી અને સ્વનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપશે. તેમણે કહ્યું કે આવા પ્રયાસો દ્વારા ભારત એક સુરક્ષિત, સશક્ત અને વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ RRUના પાંચમા પદવીદાન સમારોહમાં સંબોધન કરતા રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે યુનિવર્સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા અને દૂરદર્શી નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ છેલ્લા દાયકામાં દેશની આંતરિક સુરક્ષામાં થયેલા નોંધપાત્ર સુધારાઓ, નક્સલવાદમાં ઘટાડો અને કલમ 370ના રદ્દ થવા જેવી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો તેમજ અજિત દોવાલ અને અમિત શાહના યોગદાનને બિરદાવ્યું. રાજ્યપાલશ્રીએ યુવાનોને દેશસેવામાં સમર્પિત થવા પ્રેરિત કરતાં રાષ્ટ્ર નિર્માણમાં યુનિવર્સિટીના મહત્વપૂર્ણ યોગદાન અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહને સંબોધતા ભારત રત્ન ડો. બી. આર. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પી અને સમાનતા, ન્યાય તથા સ્વતંત્રતાના સંવિધાનિક મૂલ્યોને યાદ કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત યુનિવર્સિટીની રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી તથા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિને ગૌરવપૂર્ણ ગણાવી હતી.
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2251970)
મુલાકાતી સંખ્યા : 21