માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
ગોધરા–વડોદરા એક્સપ્રેસવેનો સ્ટ્રેચ ટ્રાયલ આધાર પર શરૂ, સફળ પરીક્ષણ બાદ સત્તાવાર ઉદ્ઘાટન થશે
પોસ્ટેડ ઓન:
14 APR 2026 6:31PM by PIB Ahmedabad
ગુજરાતમાં માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. દિલ્હી–વડોદરા એક્સપ્રેસવેનો ગોધરા–વડોદરા સ્ટ્રેચ પૂર્ણ થતાં 13 એપ્રિલ, 2026થી ટ્રાયલ આધાર પર વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. ટ્રાયલ સફળ થયા બાદ આ સ્ટ્રેચનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે.
ભારતમાળા પરિયોજનાના અંતર્ગત બનાવાયેલ આ સ્ટ્રેચ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકના ભામૈયા ગામથી લઈને વડોદરા નજીકના ડોડકા ગામ સુધી વિસ્તરેલો છે. આ એક્સપ્રેસવે આઠ-લેન અને એક્સેસ-કન્ટ્રોલ્ડ છે, જે ઝડપી મુસાફરી માટે અનુકૂળ છે.
આ સ્ટ્રેચ શરૂ થતાં ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેનું જોડાણ વધુ સુગમ બનશે. મુસાફરો અને વાહનચાલકોને ઝડપથી ગંતવ્ય સુધી પહોંચવામાં સહાય મળશે તેમજ હાલના માર્ગો પરનું ટ્રાફિક દબાણ પણ ઘટશે.
આ સાથે જ, સુધારેલી કનેક્ટિવિટીથી વેપાર, લોજિસ્ટિક્સ અને સ્થાનિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે તેવી શક્યતા છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એક્સપ્રેસવે પર ધીમી ગતિના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ સ્ટ્રેચનું શરૂ થવું દેશના આધુનિક માર્ગ નેટવર્કના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
(રીલીઝ આઈડી: 2251931)
મુલાકાતી સંખ્યા : 81