મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના મહત્તમ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે 8મા પોષણ પખવાડિયાનો પ્રારંભ
કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ મગજના વિકાસ, શારીરિક વૃદ્ધિ અને સર્વાંગી સુખાકારી માટે પ્રથમ 1,000 દિવસની નિર્ણાયકતા પર ભાર મૂક્યો
પોષણ માહ અને પોષણ પખવાડિયાએ સાચા જન આંદોલનનું સ્વરૂપ લીધું છે, જેમાં દેશભરમાં કરોડો પ્રવૃત્તિઓ થઈ રહી છે: શ્રીમતી અન્નપૂર્ણા દેવી
આપણા બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે અને વિકસિત ભારતના સંકલ્પને આગળ ધપાવશે, તેમને વધુ સારું પોષણ મળે તે સુનિશ્ચિત કરવું એ એક જવાબદારી છે જે આપણે સૌએ જન આંદોલન તરીકે સાથે મળીને આગળ વધારવી જોઈએ: શ્રીમતી અન્નપૂર્ણા દેવી
પોસ્ટેડ ઓન:
09 APR 2026 11:07PM by PIB Ahmedabad
2018 માં પોષણ અભિયાનની શરૂઆત થઈ ત્યારથી, જન આંદોલન હેઠળના સતત પ્રયાસોને કારણે દેશભરમાં 150 કરોડથી વધુ જનજાગૃતિ પ્રવૃત્તિઓ અને 9.8 કરોડથી વધુ સમુદાય-આધારિત કાર્યક્રમો થયા છે. આ ગતિને આગળ વધારતા, પોષણ પખવાડિયા 2026 નો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ વધું સારા પોષણ, પ્રારંભિક બાળપણના વિકાસ અને બાળકો માટે સારા પરિણામો તરફ જાગૃતિ અને સામૂહિક કાર્યવાહીને વધુ મજબૂત કરવાનો છે.
આ રાષ્ટ્રીય ચળવળના સાતત્યમાં, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આજે (9 એપ્રિલ, 2026) વિજ્ઞાન ભવન ખાતે પોષણ પખવાડિયાની 8મી આવૃત્તિ લોન્ચ કરી, જે 9 એપ્રિલ થી 23 એપ્રિલ, 2026 સુધીના દેશવ્યાપી અભિયાનની શરૂઆત દર્શાવે છે.

લોન્ચિંગ ઇવેન્ટમાં મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી અનિલ મલિકની ગરિમામય હાજરી સાથે ભાગીદાર મંત્રાલયોના પ્રતિનિધિઓ અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
પોષણ પખવાડિયા 2026 ની થીમ “જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો” છે, એ સ્વીકારીને કે પ્રારંભિક બાળપણ, ખાસ કરીને પ્રથમ 1,000 દિવસ મગજના વિકાસ, શારીરિક વૃદ્ધિ અને સર્વાંગી સુખાકારી માટે નિર્ણાયક છે. વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે 6 વર્ષની ઉંમર સુધીમાં 85% થી વધુ મગજનો વિકાસ થઈ જાય છે, જે શ્રેષ્ઠ પોષણ, પ્રતિભાવશીલ સંભાળ અને પ્રારંભિક શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે.

સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “પોષણ માહ અને પોષણ પખવાડિયાએ સાચા જન આંદોલનનું સ્વરૂપ લીધું છે, જેમાં દેશભરમાં કરોડો પ્રવૃત્તિઓ થઈ રહી છે. આપણા આંગણવાડી કાર્યકરો, આંગણવાડી મદદનીશો અને આશા દીદીઓ પ્રધાનમંત્રીના વિઝન અને લક્ષ્યોને દરેક ઘર સુધી પહોંચાડવા માટે સામૂહિક પ્રયાસો સાથે ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો જનાદેશ વ્યાપક છે, અને અમે દેશના દરેક ઘર અને દરેક બાળક સુધી પહોંચી રહ્યા છીએ. આજે, 14 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો સાથે, આપણી આંગણવાડી દીદીઓ સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકો સુધી પહોંચી રહી છે, પછી ભલે વરસાદ હોય કે તડકો, અને અંદાજે 8.9 કરોડ લાભાર્થીઓની સેવા કરી રહી છે.” તેમણે ઉમેર્યું કે, “આપણા બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે અને વિકસિત ભારતના સંકલ્પને આગળ ધપાવશે. તેમને બહેતર પોષણ મળે તે સુનિશ્ચિત કરવું એ એક જવાબદારી છે જે આપણે સૌએ જન આંદોલન તરીકે સાથે મળીને આગળ વધારવી જોઈએ,” તેમણે રાજ્યોને એકબીજા પાસેથી શીખવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને અનુકૂલિત કરવા અને જિલ્લાઓમાં, ખાસ કરીને આકાંક્ષી જિલ્લાઓમાં મજબૂત પ્રદર્શનને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પોષણ એ એક સતત પ્રક્રિયા છે અને બાળકોના સર્વાંગી અને માનસિક વિકાસને ટેકો આપવા માટે વધુ સમય, સંભાળ અને સામુદાયિક ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું.
રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે સભાને સંબોધતા કહ્યું કે, ‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2018 થી અત્યાર સુધી 8 પોષણ માહ અને 7 પોષણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દેશમાં પોષણના પરિણામો સુધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે.’ પોષણ પખવાડિયા 2026 ની થીમ, “જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો” પર પ્રકાશ પાડતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમયગાળો નિર્ણાયક છે, કારણ કે 85 ટકાથી વધુ મગજનો વિકાસ શરૂઆતના વર્ષોમાં થાય છે, જેમાં પ્રથમ 1,000 દિવસ ખાસ મહત્વના છે. તેમણે નોંધ્યું હતું કે માત્ર પોષણથી આગળ વધવાની અને બાળકના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે પ્રતિભાવશીલ સંભાળ અને પ્રારંભિક શિક્ષણ પર સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી અનિલ મલિકે ‘પોષણ’ અથવા ન્યુટ્રિશનના નિર્ણાયક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. માહિતગાર આહાર પદ્ધતિઓની જરૂરિયાત પર ભાર મૂકતા, તેમણે યાદ કર્યું કે માનનીય પ્રધાનમંત્રીએ વારંવાર તંદુરસ્ત ભોજન આદતોના મહત્વ પર ભાર મૂક્યો છે, જેમાં તેલનો વપરાશ ઘટાડવો અને પૌષ્ટિક ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે.

લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન, પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસને હાઇલાઇટ કરતી મુખ્ય પહેલો પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં વિદ્યારંભ પ્રમાણપત્રોનું વિતરણ અને આંગણવાડી કાર્યકરના જીવનના એક દિવસને દર્શાવતી ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રીનિંગ સામેલ હતું, જે આંગણવાડી કેન્દ્રો પર સેવા વિતરણ અને પ્રારંભિક બાળપણના ટેકાને પ્રદર્શિત કરે છે.

જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી રાધિકા ઝાએ આભારવિધિ કરી હતી, જેમાં તમામ મહાનુભાવો અને હિતધારકોનો આભાર માન્યો હતો અને આંગણવાડી સેવાઓના ફિલ્ડ ફંક્શનરીઝની વિશેષ પ્રશંસા કરી હતી, અને નોંધ્યું હતું કે તેમના અથાક પ્રયાસો દ્વારા જ વિકસિત ભારતનું વિઝન સાકાર થઈ રહ્યું છે.
પોષણ પખવાડિયા 2026 (9 એપ્રિલ થી 23 એપ્રિલ 2026) મિશન પોષણ 2.0 હેઠળ પોષણ જાગૃતિને પ્રોત્સાહન આપવા, પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસમાં સુધારો કરવા અને સામુદાયિક ભાગીદારીને મજબૂત કરવાના હેતુથી દેશવ્યાપી અભિયાન તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
ઉદ્ઘાટન દિવસે, આ કાર્યક્રમનું NIC વેબકાસ્ટ પ્લેટફોર્મ (https://webcast.gov.in/mwcd) અને મંત્રાલયની યુટ્યુબ ચેનલ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેણે દેશભરના 4.2 લાખથી વધુ હિતધારકો, ફિલ્ડ ફંક્શનરીઝ અને નાગરિકોને સહભાગી થવા માટે સક્ષમ બનાવ્યા હતા.
ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સંકલન સાથે, દેશભરના આંગણવાડી કેન્દ્રો સાથે મળીને, આ વર્ષની થીમ હેઠળના મુખ્ય ક્ષેત્રો પર સમુદાયોને સંવેદનશીલ બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- માતા અને બાળ પોષણ – ગર્ભાવસ્થા દરમિયાન શ્રેષ્ઠ પોષણ, માત્ર સ્તનપાન અને ઉંમર-યોગ્ય પૂરક આહારને પ્રોત્સાહન આપવું.
- મગજના વિકાસ માટે પ્રારંભિક ઉત્તેજના (0–3 વર્ષ) – પ્રતિભાવશીલ સંભાળ અને પ્રારંભિક શિક્ષણના આદાનપ્રદાનને પ્રોત્સાહિત કરવું.
- શરૂઆતના વર્ષોમાં રમત-આધારિત શિક્ષણ (3–6 વર્ષ) – સર્વાંગી વિકાસ અને શાળા માટેની સજ્જતાને ટેકો આપવો.
- સ્ક્રીન ટાઈમ ઘટાડવામાં વાલીઓ અને સમુદાયની ભૂમિકા – તંદુરસ્ત ટેવો અને સક્રિય જોડાણને પ્રોત્સાહન આપવું.
- સમુદાય ભાગીદારી દ્વારા આંગણવાડી કેન્દ્રોનું સુદ્રઢીકરણ – જન ભાગીદારી અને CSR દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવા વિતરણમાં વધારો કરવો.
પખવાડિયા દરમિયાન, દેશભરમાં આંગણવાડી કેન્દ્રો જાગૃતિ સત્રોનું આયોજન કરી રહ્યા છે, ગૃહ મુલાકાત (Home Visits) લઈ રહ્યા છે, પોષણ મેળાનું આયોજન કરી રહ્યા છે, માતૃ પોષણ અને શિશુ આહાર પર કાઉન્સેલિંગ આપી રહ્યા છે, રમત-આધારિત શિક્ષણનું પ્રદર્શન કરી રહ્યા છે અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા અને સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવા માટે સામુદાયિક પ્રવૃત્તિઓ અમલમાં મૂકી રહ્યા છે.
આ અભિયાન આંગણવાડી કાર્યકરો, આશા (ASHAs), ANMs, સ્વ-સહાય જૂથો, શિક્ષકો, પંચાયતી રાજ સંસ્થાઓ અને સમુદાયોને એકત્રિત કરે છે, જે જન આંદોલનના અભિગમને મજબૂત બનાવે છે અને વધુ સારા પોષણ અને બાળ વિકાસના પરિણામો તરફ સામૂહિક કાર્યવાહીને પ્રોત્સાહિત કરે છે.
પોષણ પખવાડિયું સામુદાયિક ભાગીદારી અને વર્તણૂક પરિવર્તન માટેના પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક બાળકને જીવનના સૌથી નિર્ણાયક વર્ષો દરમિયાન યોગ્ય પોષણ, સંભાળ અને પ્રારંભિક શિક્ષણની તકો મળે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2250662)
મુલાકાતી સંખ્યા : 35