સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
“શિલ્પ સમાગમ માત્ર એક મેળો નથી, પરંતુ આત્મનિર્ભરતા અને ગૌરવનો સેતુ છે” – ડૉ. વીરેન્દ્ર કુમારે ‘શિલ્પ સમાગમ–2026’ નું ઉદ્ઘાટન કર્યું
પોસ્ટેડ ઓન:
26 FEB 2026 6:40PM by PIB Ahmedabad

“આ માત્ર ઉત્પાદનોનું પ્રદર્શન નથી, પરંતુ આત્મનિર્ભરતા, ગૌરવ અને સામાજિક સશક્તિકરણની ઉજવણી છે.” આ શબ્દો સાથે, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી, ડૉ. વીરેન્દ્ર કુમારે, આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, ‘વલ્લભ સદન’ ખાતે શિલ્પ સમાગમ મેળા-2026 નું ઉદ્ઘાટન કર્યું હતું.

હોળીના આગામી તહેવાર નિમિત્તે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ મેળો સમાજના લક્ષિત વર્ગોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે મંત્રાલયની સતત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
મંત્રીએ માહિતી આપી હતી કે 2014 થી, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા આશરે 100 શિલ્પ સમાગમ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અથવા તેમાં ભાગ લેવામાં આવ્યો છે. 2025–26 દરમિયાન, આવા પાંચ (05) મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને 2026–27 માટે વધુ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે અમદાવાદ, જે સ્વતંત્રતા ચળવળ સાથેના તેના જોડાણ, મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ અને સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ તરીકે જાણીતું છે, તે આવા સર્વસમાવેશક કાર્યક્રમ માટે યોગ્ય સ્થળ છે.

મંત્રાલય અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગો, સફાઈ કર્મચારીઓ, દિવ્યાંગજનો, વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓ (DNT/NT/SNT), વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર સમુદાયના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે શિલ્પ સમાગમ જેવા મેળા આ વર્ગોના કારીગરો અને લાભાર્થીઓને સીધું માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી યોજાઈ રહેલા આ મેળામાં 14 રાજ્યોના કારીગરોને 75 સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. હસ્તકલાના ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદર્શનમાં છે, જેમાં લખનવી ચિકનકારી, બનારસી સાડીઓ, ચંદેરી અને મહેશ્વરી કાપડ, ભાગલપુરી તુસર સિલ્ક, જયપુરી અને કોલ્હાપુરી ફૂટવેર, અકીક પથ્થરનું કામ, વાંસની બનાવટો, કોટા ડોરિયા અને ગાલીચા વગેરેનો સમાવેશ થાય છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જે કારીગરો પ્રત્યક્ષ રીતે ભાગ લેવા માટે અસમર્થ છે, તેમના માટે મંત્રાલયે તેમના ઉત્પાદનોના વેચાણની સુવિધા માટે ‘ભારત ટ્યુલિપ’ (Bharat Tulip) ઓનલાઇન પ્લેટફોર્મ વિકસાવ્યું છે, જેને વિવિધ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવ્યું છે. વધુ લાભાર્થીઓને બજારની તકો સાથે જોડવા માટે મેળામાં ‘ભારત ટ્યુલિપ શોરૂમ’ પણ શરૂ કરવામાં આવ્યો છે.
વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના સશક્તિકરણ માટેની SEED યોજના હેઠળ, આઠ રાજ્યોમાં 5,581 મહિલા સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવી છે. આ જૂથોને રિવોલ્વિંગ ફંડ્સ, એન્ટ્રી પોઈન્ટ ફંડ્સ અને કૌશલ્ય તાલીમ આપવામાં આવી રહી છે. આરોગ્ય ઘટક હેઠળ, અંદાજે 75,000 આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે 13 માર્ચ, 2024 ના રોજ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ‘PM-SURAJ પોર્ટલ’ સમર્પિત કર્યું હતું, જે મંત્રાલયની રાહત દરે લોન યોજનાઓની પારદર્શક અને સુલભ ડિલિવરી લક્ષિત લાભાર્થીઓને સક્ષમ બનાવે છે. કૌશલ્ય તાલીમ માટે ‘PM-DAKSH પોર્ટલ’ અને શિષ્યવૃત્તિ માટે ‘SFMP પોર્ટલ’ વિકસાવવામાં આવ્યા છે. આ ડિજિટલ પહેલોએ અમલીકરણમાં પારદર્શકતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંત્રાલયની ‘VISVAS’ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને બેંક લોન પર 5 ટકા વ્યાજ સબવેન્શન આપવામાં આવે છે. ‘NAMASTE’ યોજના સેપ્ટિક ટેન્ક અને ગટર સંબંધિત કામમાં રોકાયેલા કામદારો માટે સુરક્ષા અને ગૌરવ સુનિશ્ચિત કરે છે. મંત્રાલય હેઠળની એપેક્સ કોર્પોરેશનોએ અત્યાર સુધીમાં લગભગ 60 લાખ વ્યક્તિઓ અને તેમના પરિવારોને લોન સહાય પૂરી પાડી છે અને 6 લાખથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ આપી છે.
મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે અમદાવાદમાં શિલ્પ સમાગમ મેળો માત્ર કારીગરોના ઉત્પાદનોના વેચાણને વેગ જ નહીં આપે પરંતુ તેમને આત્મનિર્ભરતા, ગૌરવ અને નવી તકો સાથે પણ જોડશે. તેમના સંબોધનનું સમાપન કરતા તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે મંત્રાલયની સતત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2233326)
મુલાકાતી સંખ્યા : 7