PIB Headquarters
સ્વચ્છ આદતથી સ્વચ્છ ભારત: રાષ્ટ્રીય પ્રયાસને સતત આગળ વધારવાં
પોસ્ટેડ ઓન:
09 FEB 2026 2:12PM by PIB Ahmedabad
સફાઈ અને સ્વચ્છતા જાહેર આરોગ્ય, ગૌરવ અને જીવનની ગુણવત્તાના પાયામાં છે. પડોશમાં કચરાનો નિકાલ કરવાની રીતથી લઈને જાહેર જગ્યાઓ પ્રત્યેના આદર સુધી, આ પ્રથાઓ સમુદાયોની કાર્યપ્રણાલી અને વૃદ્ધિને આકાર આપે છે. વર્ષોથી, સ્વચ્છ ભારત મિશને સ્વચ્છતાને રાષ્ટ્રીય પ્રાથમિકતાના મોખરે લાવવામાં, વ્યવસ્થાને મજબૂત બનાવવામાં, શૌચાલયની પહોંચ વિસ્તારવામાં અને કચરા વ્યવસ્થાપનમાં જાહેર જનતાની ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સામૂહિક પ્રયાસે સ્વચ્છતાને વ્યક્તિગત બાબતમાંથી સામૂહિક નાગરિક જવાબદારી તરીકે ફરીથી વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી.
જોકે માળખાકીય સુવિધાઓ પરિવર્તનને સક્ષમ બનાવે છે, તેને સતત ટકાવી રાખનાર રોજિંદું માનવ વર્તન જ છે. લાંબા ગાળાની પ્રગતિ સતત આચરવામાં આવતી ટેવો પર નિર્ભર કરે છે. સ્વચ્છ આદત સે સ્વચ્છ ભારત આ બદલાવને પ્રતિબિંબિત કરે છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવો, જાહેર સ્થળોએ કચરો ફેંકવાનું અને થૂંકવાનું ટાળવું, ભીના કચરા માટે લીલી કચરાપેટી અને સૂકા કચરા માટે વાદળી કચરાપેટીનો ઉપયોગ કરીને કચરાનું વર્ગીકરણ કરવું, હાથની સ્વચ્છતા જાળવવી, શૌચાલયનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો, અને શક્ય હોય ત્યાં કચરાનું પ્રમાણ ઘટાડવું, ફરીથી ઉપયોગ કરવો, તથા રિસાયકલ કરવું – આ એવી ક્રિયાઓ છે જેનું રોજિંદા ધોરણે પુનરાવર્તન કરવાથી સ્વચ્છ વાતાવરણનું નિર્માણ થાય છે.
સાથે મળીને, આ ટેવો લાંબા સમય સુધી ટકી રહેતી સ્વચ્છતા માટે એક વ્યવહારુ માળખું રચે છે. તેઓ દર્શાવે છે કે સ્વચ્છ ભારતનું નિર્માણ માત્ર એક વખતનાં પ્રયાસોથી નહીં, પરંતુ સતત સહભાગિતા થકી થાય છે, જ્યાં જવાબદાર વર્તણૂક દૈનિક જીવનનો અભિન્ન ભાગ બને છે, અને સામૂહિક આચરણ દ્વારા પ્રગતિ અવિરત ચાલુ રહે છે.

રોજિંદા કાર્યો, ટકાઉ પરિવર્તન
નીતિ અને આયોજન ઉપરાંત, સ્વચ્છતાના પ્રયાસોની વાસ્તવિક અસર સ્થાનિક કાર્યવાહીમાં પ્રતિબિંબિત થાય છે. રહેણાંક શેરીઓથી લઈને શહેરના વિસ્તારો સુધી, આ ઉદાહરણો દર્શાવે છે કે નિયમિત સહભાગિતા અને માલિકીની ભાવના કેવી રીતે જાહેર સ્થળોને ધીમે ધીમે સુધારી શકે છે.
કચરાનું જાહેર કલામાં રૂપાંતરણ
દિલ્હીમાં MCD દક્ષિણ ઝોનલ કાર્યાલય ખાતે, સામાન્ય રીતે કચરામાં ગણાતી સામગ્રીને ક્રિએટિવ વેસ્ટ-ટુ-આર્ટ પહેલ દ્વારા નવો હેતુ મળ્યો છે. બાળકોના જર્જરિત રમતના સાધનોમાંથી મળેલા જૂના પાઈપ અને બિનઉપયોગી કચરાપેટીમાંથી બચાવેલા પૈડાંનો પુનઃઉપયોગ કરીને એક આકર્ષક કલાસ્થાપન બનાવવામાં આવ્યું છે, જે હવે ઓફિસ પરિસરમાં મુલાકાતીઓનું સ્વાગત કરે છે.
ગણતંત્ર દિવસ ૨૦૨૬ ના રોજ અનાવરણ કરાયેલી આ પહેલ દર્શાવે છે કે સામાન્ય રીતે કચરા તરીકે ગણાતી સામગ્રીનો વિચારપૂર્વકના પુનઃઉપયોગ દ્વારા સાર્વજનિક સ્થળોએ ફરીથી સમાવેશ કેવી રીતે કરી શકાય છે. કચરાના નિકાલને ડિઝાઇનમાં રૂપાંતરિત કરીને, આ પરિયોજના સામગ્રીનું આયુષ્ય લંબાવવાના મહત્વ પર ભાર મૂકે છે, જ્યારે જાહેર સ્થળોએ દ્રશ્ય આકર્ષણ પણ ઊભું કરે છે.
આ સ્થાપન દર્શાવે છે કે સંસાધન-સભાન પસંદગીઓને દિનપ્રતિદિનના આયોજનમાં સમાવવામાં આવે ત્યારે તે કચરાના વ્યાપક ઘટાડાના પ્રયાસોને કેવી રીતે સમર્થન આપી શકે છે. સ્વચ્છ આદતથી સ્વચ્છ ભારત કેવી રીતે પુનઃઉપયોગ, જવાબદારી અને નવીનતાને પ્રાધાન્ય આપતા રોજિંદા નિર્ણયો દ્વારા આકાર લઇ શકે છે તેનું આ એક ઉદાહરણ છે.

ઉત્તર પ્રદેશમાં સ્વચ્છતાની શ્રેષ્ઠ પદ્ધતિઓનું પ્રદર્શન

ઉત્તર પ્રદેશમાં, પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વચ્છ ભારત મિશનના ટેબ્લોએ સંકલિત પ્રણાલીઓ અને નાગરિકોની ભાગીદારી દ્વારા દૈનિક સ્વચ્છતા પદ્ધતિઓ કેવી રીતે મજબૂત થઈ રહી છે તે પ્રકાશિત કર્યું. પ્રદર્શને ઘરે-ઘરે કચરાનું એકત્રીકરણ, સ્ત્રોત પર કચરાનું વર્ગીકરણ, સ્વચ્છ સારથી ક્લબની ભૂમિકા, પ્લાસ્ટિક મુક્ત પહેલ, ૧૫૩૩ ટોલ-ફ્રી હેલ્પલાઇન અને જાહેર શૌચાલયોની સ્વચ્છતા જાળવણી દર્શાવ્યા હતા. સ્વચ્છ આદત સે સ્વચ્છ ભારત યોજના સ્વચ્છ જાહેર જગ્યાઓને આકાર આપતી દિનપ્રતિદિનની પ્રથાઓમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે તેનું સ્પષ્ટ ચિત્ર આ પ્રદર્શને રજૂ કર્યું.


શહેરી કચરા વ્યવસ્થાપનના પડકારો પ્રત્યેના પ્રતિસાદો
બેંગલુરુમાં, એક અલગ પડકાર લોકોને એકસાથે લાવ્યો. જૂના સોફાના વધતા જતા કચરાની સમસ્યાએ વ્યવસાયિકોના એક જૂથને સાથે મળીને સમુદાયના સહયોગથી વ્યવહારુ ઉકેલો દ્વારા આ મુદ્દાનું નિરાકરણ લાવવા પ્રેરિત કર્યા. મોટા કચરાના જવાબદાર વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ પહેલે દર્શાવ્યું કે કેવી રીતે લક્ષિત પ્રયાસો શહેરી સ્વચ્છતાના ચોક્કસ પડકારોનો અસરકારક રીતે સામનો કરી શકે છે.
ચેન્નઈમાં, લેન્ડફિલ વેસ્ટ રિસાયક્લિંગના ક્ષેત્રમાં કામ કરતી ટીમોએ દર્શાવ્યું છે કે પ્રક્રિયા-લક્ષી પ્રયાસો કચરાના નિકાલની જગ્યાઓ પર લાંબા ગાળાના બોજને કેવી રીતે ઘટાડી શકે છે. તેમનું કાર્ય કચરા વ્યવસ્થાપનના મુદ્દાઓનું નિરાકરણ કરવામાં નિયમિત સંલગ્નતા અને વ્યવસ્થા-સ્તરીય વિચારણાના મહત્વને પ્રકાશિત કરે છે.
આઝમગઢમાં તમસા નદીને પુનર્જીવિત કરવી
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સમુદાયની આગેવાની હેઠળના પ્રયાસે તમસા નદીને નવજીવન બક્ષ્યું છે, જે પ્રદેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તાણાવાણા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી જળરાશિ છે. અયોધ્યામાંથી વહીને ગંગામાં ભળી જતી તમસા એક સમયે સ્થાનિક રહેવાસીઓના દૈનિક જીવનનું કેન્દ્ર હતી. જોકે સમય જતાં, પ્રદૂષણ, કાંપ, કચરાનો સંગ્રહ અને ઉપેક્ષાએ તેના કુદરતી પ્રવાહને ખોરવી નાખ્યો, જેના કારણે તેના પર્યાવરણીય સ્વાસ્થ્ય અને સમુદાયમાં તેની ભૂમિકા બંને ઘટ્યા.
નદીના મહત્ત્વને ઓળખીને, સ્થાનિક રહેવાસીઓ તેને પુનર્જીવિત કરવા માટે સહિયારી જવાબદારીની ભાવના સાથે એકઠા થયા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ નદીના પટને સ્વચ્છ કરવા, કચરો દૂર કરવા અને તેના કિનારાઓને પુનર્જીવિત કરવાનો હતો. નદી કિનારે છાયાવાળા અને ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા, જેના કારણે આ વિસ્તારમાં સ્થિરતા આવી અને તેની પર્યાવરણીય ગુણવત્તામાં પણ સુધારો થયો.
સામૂહિક પ્રયાસ અને નાગરિક ફરજની ભાવનાથી પ્રેરિત, પુનર્સ્થાપન કાર્યએ ધીમે ધીમે નદીના પ્રવાહને પુનર્જીવિત કર્યો. તમસા નદીનું પુનરુત્થાન દર્શાવે છે કે આદત અને સ્થાનિક માલિકીભાવમાં ઊંડે ઉતરેલી સુસંગત કાર્યવાહી સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણમાં ફાળો આપે છે.

જમ્મુ અને કાશ્મીરમાં સ્વચ્છતા માટે સમુદાયના અવાજો
જમ્મુ અને કાશ્મીરના બહુ પ્લાઝા ખાતે, “ગણતંત્ર કી આવાઝ – સ્વચ્છતા કે સાથ” એ એક એવી જગ્યા બનાવી જ્યાં કલા અને સંવાદ દ્વારા નાગરિક જવાબદારી વ્યક્ત થઈ. ઓપમ-માઈક મંચ કવિતા, સંગીત અને વાણી કલાઓને એકસાથે લાવ્યું, જેનાથી નાગરિકો સ્વચ્છતા અંગેના તેમના વિચારો તેમજ દેશભક્તિ અને સામુદાયિક ગૌરવના વિષયો પર પોતાના મંતવ્યો રજૂ કરી શક્યા.
આ કાર્યક્રમે દર્શાવ્યું કે કેવી રીતે જનભાગીદારી ઔપચારિક અભિયાનો પૂરતી સીમિત ન રહેતા સાંસ્કૃતિક અભિવ્યક્તિનો ઉપયોગ કરીને નાગરિક મૂલ્યોને મજબૂત કરી શકે છે. ભાગીદારી અને સહિયારી માલિકીને પ્રોત્સાહન આપીને, તેણે દર્શાવ્યું કે 'સ્વચ્છ આદતથી સ્વચ્છ ભારત' નો સંદેશ સમુદાયના અવાજો દ્વારા પ્રસારિત થાય છે ત્યારે તે કેટલો ઊંડો પડઘો પાડી શકે છે.


પૂર્વોત્તર ભારતમાં યુવા સંચાલિત સ્વચ્છતા અભિયાન
અરુણાચલ પ્રદેશમાં, યુવાન સ્વયંસેવકો જાહેર જગ્યાઓની જાળવણીની જવાબદારી સ્વીકારવા આગળ આવ્યા છે. ઇટાનગરથી શરૂ કરીને, યુવાનોના જૂથોએ નિયમિત સફાઈની જરૂર હોય તેવા વિસ્તારોને ઓળખ્યા અને તેમને સાફ કરવા માટે એકઠા થયા. તેમના પ્રયાસોએ વહેંચાયેલા વાતાવરણ પ્રત્યે માલિકીની વધતી ભાવના અને સામૂહિક કાર્યવાહી દ્વારા તેમાં સુધારો લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ઇટાનગરમાં જે શરૂ થયું હતું તે નાહરલાગુન, દોઇમુખ, સેપ્પા, પાલિન અને પસિઘાટ સહિતના અન્ય શહેરોમાં ઝડપથી વિસ્તરી ગયું. પુનરાવર્તિત સ્વચ્છતા અભિયાનો અને સતત સહભાગિતા દ્વારા, આ યુવા સ્વયંસેવકોએ અત્યાર સુધી જાહેર વિસ્તારોમાંથી 11 લાખ કિલોગ્રામથી વધુ કચરો દૂર કર્યો છે. પ્રયાસની વ્યાપકતા અને સાતત્ય દર્શાવે છે કે સુસંગત કાર્યવાહી દૃશ્યમાન અને કાયમી પરિવર્તન લાવી શકે છે.
અસમના નગાંવ શહેરમાં, રહેવાસીઓ તેમની આસપાસની શેરીઓ સાથે ઊંડો ભાવનાત્મક લગાવ ધરાવે છે. આ જાહેર જગ્યાઓની જાળવણીની જરૂરિયાતને પારખીને, નાગરિકોના એક જૂથે તેમને સ્વચ્છ કરવાના એક સમાન સંકલ્પ સાથે હાથ મિલાવ્યા. આ પહેલે વેગ પકડતાં, વધુ લોકો તેમાં જોડાયા, એક સમર્પિત ટુકડીની રચના કરી જે શેરીઓમાંથી મોટા પ્રમાણમાં એકઠો થયેલો કચરો સાફ કરવામાં સફળ રહી.
આ તમામ ઉદાહરણો દર્શાવે છે કે
જ્યારે નિયમિત કાર્યપ્રણાલી મિશનને આગળ ધપાવે છે
તમામ પ્રદેશોમાંથી સામે આવેલા અનુભવો એક સરળ પણ ગહન સત્ય ઉજાગર કરે છે: કાયમી પરિવર્તન લોકોના દૈનિક કાર્યો દ્વારા ઘડાય છે. નાગરિકો સાર્વજનિક જગ્યાઓ પાછી મેળવી રહ્યા હોય, યુવાન સ્વયંસેવકો વારંવાર એ જ શેરીઓમાં પાછા ફરી રહ્યા હોય, કે સમુદાયો તેઓ જે કુદરતી સંસાધનોને મૂલ્યવાન ગણે છે તેને પુનર્જીવિત કરી રહ્યા હોય – આ બધા કિસ્સાઓમાં, જ્યારે જવાબદારી અપવાદરૂપને બદલે એક દૈનિક નિયમ બની જાય છે, ત્યારે જ પ્રગતિ ટકી રહે છે.
આ વાર્તાઓ દર્શાવે છે કે સ્વચ્છ આદત સે સ્વચ્છ ભારતની તાકાત કોઈ એકલ હસ્તક્ષેપમાં નથી, પરંતુ સાતત્યમાં રહેલી છે. જ્યારે આસપાસના વાતાવરણની કાળજી દૈનિક જીવનમાં વણાઈ જાય છે, ત્યારે તેના પરિણામો સતત દેખરેખ વિના પોતાને ટકાવી રાખે છે. કાર્યવાહીને માત્ર એક પ્રસંગ તરીકે જોવાથી બદલીને તેને એક સામાન્ય પ્રથા તરીકે સ્વીકારવાનો આ શાંત ફેરફાર, અગાઉથી થયેલી પ્રગતિ ટકાવી રાખવા અને સમુદાયો, શહેરો અને પેઢીઓ વચ્ચે સુધારા સતત વધતા રહે તેની ખાતરી કરવા માટેનો એક માર્ગ પૂરો પાડે છે.
સંદર્ભો
Prime Minister’s Office
https://www.pmindia.gov.in/en/major_initiatives/swachh-bharat-abhiyan/
https://x.com/mannkibaat/status/2015298688718094590?s=20
Ministry of Housing and Urban Affairs
https://x.com/SwachhBharatGov/status/2015304683552911533?s=20
https://x.com/SwachhBharatGov/status/2015324308542017671?s=20
https://x.com/SwachhBharatGov/status/2015723377202434493?s=20
https://x.com/SwachhBharatGov/status/2015683083845198289?s=20
Click here to see pdf
(રીલીઝ આઈડી: 2225416)
મુલાકાતી સંખ્યા : 16