ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને લાલ કિલ્લાના મેદાનમાં ભારત પર્વ 2026ના સમાપન સમારોહમાં હાજરી આપી


ઉપરાષ્ટ્રપતિએ ભારત પર્વને ભારતની વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ ગણાવ્યું

ભારત પર્વ ભારતની સાંસ્કૃતિક શક્તિ અને પ્રવાસન ક્ષમતાનું પ્રદર્શન કરે છે: ઉપરાષ્ટ્રપતિ

प्रविष्टि तिथि: 31 JAN 2026 6:48PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં ભારત પર્વ 2026 ના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત આ છ દિવસીય મહોત્સવે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા, કલાત્મક પરંપરાઓ અને પ્રવાસન ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.

 

સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત પર્વ એક ઉત્સવ કરતા પણ વિશેષ છે અને તેને એક જીવંત અનુભવ ગણાવ્યો જે ભારતની શાશ્વત ભાવનાને જીવંત કરે છે. તેમણે નોંધ્યું કે આ ઉજવણીએ 77મા પ્રજાસત્તાક દિવસની ભાવનાને આગળ ધપાવી છે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની ભાગીદારી દ્વારા રાષ્ટ્રના આત્માને પ્રતિબિંબિત કર્યો છે.

પ્રજાસત્તાક દિવસની પરેડનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે ભારતની વિવિધતામાં એકતા, શક્તિમાં શિસ્ત અને હેતુ સાથેની પ્રગતિનું શક્તિશાળી પ્રતિબિંબ છે. તેમણે વિવિધ રાજ્યો અને મંત્રાલયો દ્વારા પ્રસ્તુત કરાયેલા ટેબ્લો (ઝાંખીઓ) ની પણ પ્રશંસા કરી, જેમના વિશે તેમણે કહ્યું કે, તે વિકસિત ભારત @ 2047 ના નિર્માણ માટે પ્રતિબદ્ધ આત્મવિશ્વાસુ, સર્જનાત્મક અને પ્રગતિશીલ ભારતની વાર્તા સુંદર રીતે વર્ણવે છે.

ઉપરાષ્ટ્રપતિએ હાઇલાઇટ કર્યું કે આ વર્ષ 'વંદે માતરમ' ના 150 વર્ષની સ્મૃતિ સાથે વિશેષ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે, અને નોંધ્યું કે આ કાલાતીત ગીતે ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સ્વતંત્રતા અને એકતાની ભાવનાને પ્રજ્વલિત કરી હતી અને માતૃભૂમિ પ્રત્યે આદર પ્રેરવાનું ચાલુ રાખ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત પર્વ દેશભરની પરંપરાઓ, શિલ્પો, ભોજન અને કલાત્મક અભિવ્યક્તિઓને એક જ મંચ પર લાવીને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કાશી તમિલ સંગમમ જેવી પહેલોનો પણ ઉલ્લેખ ભારતની સ્થાયી સાંસ્કૃતિક કડીઓ અને સભ્યતાની એકતાના જીવંત ઉદાહરણો તરીકે કર્યો હતો.

અમૃત કાળ દરમિયાન ભારતના પરિવર્તન વિશે વાત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ, ડિજિટલ સશક્તિકરણ, નાણાકીય સમાવેશ, સામાજિક સુરક્ષા, મહિલા નેતૃત્વ હેઠળનો વિકાસ અને યુવા નવીનતા રાષ્ટ્રના પાયાને નવો આકાર આપી રહ્યા છે. તેમણે ધ્યાન દોર્યું કે ઘરેલું પ્રવાસનનો નોંધપાત્ર વિકાસ, જેમાં 2025માં 400 કરોડથી વધુ પ્રવાસીઓની મુલાકાતો નોંધાઈ છે, તે ભારતને જાણવા માટેના નવેસરના રાષ્ટ્રીય આત્મવિશ્વાસ અને ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે.

ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું કે કનેક્ટિવિટી અને ટૂરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ — સુધારેલા રોડ નેટવર્ક, વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનો સહિત વિસ્તૃત રેલવે કનેક્ટિવિટી, નવા એરપોર્ટ અને હેરિટેજ તથા તીર્થસ્થળો પર ઉન્નત સુવિધાઓ દ્વારા — સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરી રહ્યું છે, ખાસ કરીને ઉત્તર-પૂર્વ જેવા અગાઉ ઓછા જોડાયેલા વિસ્તારોમાં.

તેમણે ભારત પર્વને તેની ફ્લેગશિપ વાર્ષિક ઇવેન્ટ તરીકે સફળતાપૂર્વક આયોજિત કરવા અને એક એવું પ્લેટફોર્મ બનાવવા માટે પ્રવાસન મંત્રાલયને અભિનંદન આપ્યા જ્યાં સંસ્કૃતિ, પ્રવાસન અને રાષ્ટ્રીય ગૌરવ એકીકૃત રીતે મળે છે. તેમણે કલાકારો, કારીગરો, પર્ફોર્મર્સ, સ્વયંસેવકો અને આયોજકોના આ ઉત્સવને સમાવેશી, સુરક્ષિત અને યાદગાર બનાવવાના સમર્પિત પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

પોતાના સંબોધનના સમાપનમાં ઉપરાષ્ટ્રપતિએ નાગરિકોને ભારતને એક્સપ્લોર (અન્વેષણ) કરવા, ઉજવવા અને સાથે મળીને નિર્માણ કરવાનું ચાલુ રાખવા આહ્વાન કર્યું હતું, અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત પર્વ ભારતના લોકો, પ્રદેશો અને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખશે.

આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી શ્રી સુરેશ ગોપી, પ્રવાસન મંત્રાલયના સચિવ ડૉ. શ્રીવત્સ કૃષ્ણ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, કલાકારો, કારીગરો અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2221330) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam