પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 28 JAN 2026 7:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, રામ મોહન નાયડુજી, મુરલીધર મોહોલજી, વિશ્વભરમાંથી આવેલા માનનીય મંત્રીઓ (Honourable Ministers), ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીના લીડર્સ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન્સના રિપ્રેઝન્ટેટિવ્સ, પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ (Distinguished Delegates), દેવીઓ અને સજ્જનો!

નમસ્કાર!

વિંગ્સ ઈન્ડિયા (Wings India)ના આ પ્લેટફોર્મ પર હું તમામ ઉદ્યોગ જગતના નેતાઓ, નિષ્ણાતો, રોકાણકારોનું અભિનંદન કરું છું. તમે બધા જાણો છો કે, એવિએશન ઈન્ડસ્ટ્રીનો આગામી યુગ ઘણી આકાંક્ષાઓ (Aspirations) થી ભરેલો છે. અને ભારત તેનો એક મોટો પ્લેયર બનતું જઈ રહ્યું છે. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, પાઇલટ ટ્રેનિંગ, એડવાન્સ્ડ એર મોબિલિટી, એરક્રાફ્ટ લીઝિંગ, આ એવા ક્ષેત્રો છે, જેને લઈને ભારત અનેક સંભાવનાઓ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત છે. અને તેથી જ, વિંગ્સ ઈન્ડિયાની આ સમિટ, આપણા બધા માટે આટલી મહત્વની બની ગઈ છે.

મિત્રો,

છેલ્લા એક દાયકામાં, ભારતના સમગ્ર એવિએશન સેક્ટરમાં એક ઐતિહાસિક પરિવર્તન (Historic Transformation) થયું છે. ક્યારેક ભારત દુનિયાના એવા દેશોમાં હતું, જ્યાં એર ટ્રાવેલ એક એક્સક્લુઝિવ ક્લબ સુધી મર્યાદિત હતું. પરંતુ આજે સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. આજે ભારત, દુનિયાનું ત્રીજું મોટું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ છે. આપણો પેસેન્જર ટ્રાફિક ખૂબ ઝડપથી વધ્યો છે. ભારતીય એરલાઈન્સનો કાફલો (fleet) પણ ઝડપથી વિસ્તરી રહ્યો છે. વિતેલા વર્ષોમાં ભારતની એરલાઈન્સ દ્વારા 1500 થી વધુ એરપ્લેનનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

સાથીઓ,

ભારતના એવિએશન સેક્ટરમાં આ તેજી એટલા માટે આવી કારણ કે અમારી સરકાર એક લોન્ગ ટર્મ વિઝન સાથે કામ કરી રહી છે. ભારતમાં એર-ટ્રાવેલ હવે એક્સક્લુઝિવ (Exclusive) નહીં, ઈન્ક્લુઝિવ (Inclusive) બની રહ્યું છે. ભારતનો નાગરિક સરળતાથી એર ટ્રાવેલ કરી શકે, તે અમારું મિશન છે. તેથી, અમે ટિયર-2, ટિયર-3 શહેરોને એરપોર્ટ્સ સાથે જોડ્યા છે. વર્ષ 2014 માં ભારતમાં 70 એરપોર્ટ્સ હતા. આજે ભારતમાં એરપોર્ટ્સની સંખ્યા વધીને 160 થી વધુ થઈ ગઈ છે. એટલે કે માત્ર એક જ દાયકામાં ભારતમાં બમણાથી વધુ એરપોર્ટ્સ બનાવવામાં આવ્યા છે. અમે દેશમાં સો થી વધુ એર ડોમ્સને એક્ટિવેટ કર્યા છે. અને તેની સાથે જ, આપણા નાગરિકો માટે સસ્તું ભાડું (Affordable Fare) ધરાવતી ઉડાન (UDAN) સ્કીમ લોન્ચ કરી છે. ઉડાન સ્કીમના કારણે, 15 મિલિયન પેસેન્જરોએ એટલે કે અંદાજે દોઢ કરોડ પેસેન્જરોએ તે રૂટ્સ પર મુસાફરી કરી છે, જેમાંથી ઘણા પહેલા અસ્તિત્વમાં પણ નહોતા.

સાથીઓ,

આજે જ્યારે ભારત વિકસિત થવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે આપણી એર-એક્ટિવિટીનું અનેક ગણું વિસ્તરણ થવાનું નક્કી છે. અંદાજ છે કે 2047 સુધીમાં ભારતમાં ચારસોથી વધુ એરપોર્ટ્સ હશે, આ એક બહુ મોટું નેટવર્ક હશે. એટલું જ નહીં, અમારી સરકાર ઉડાન સ્કીમના નેક્સ્ટ ફેઝ (Next Phase) પર પણ કામ કરી રહી છે. આ પોલિસીથી, પ્રાદેશિક (Regional) અને સસ્તી એર કનેક્ટિવિટી (Affordable Air Connectivity) વધુ મજબૂત થશે. આ બધાની સાથે, સીપ્લેન (Seaplane) ઓપરેશન્સનું પણ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અમારો પ્રયાસ એ જ છે કે ભારતના ખૂણે-ખૂણે એર-કનેક્ટિવિટી વધુ સારી બને.

સાથીઓ,

આજે ભારત સરકારનો ઘણો ભાર પોતાના ત્યાં ટુરીઝમ સેક્ટરના વિકાસ પર પણ છે. દેશભરમાં ટૂરિસ્ટ પ્લેસિસ વિકસિત થઈ રહી છે અને આ જગ્યાઓ પર જવા માટે મોટી સંખ્યામાં લોકોની પહેલી પસંદગી એર ટ્રાવેલ જ છે. આવનારા સમયમાં, એર ટ્રાવેલની માંગમાં હજુ પણ અભૂતપૂર્વ વિસ્તરણ થવાનું છે. એટલે કે તમારા બધા માટે ઇન્વેસ્ટમેન્ટની વધુ તકો બનશે.

સાથીઓ,

આજે જ્યારે ભારત, એક મોટું ગ્લોબલ એવિએશન હબ બની રહ્યું છે, ત્યારે એ પણ જરૂરી છે કે આપણે એવિએશન સાથે જોડાયેલી જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર ન રહીએ. આપણે આત્મનિર્ભરતાનો રસ્તો મજબૂત કરવો જ પડશે. આ ભારતમાં ઇન્વેસ્ટ કરવા આવી રહેલી કંપનીઓ માટે પણ મદદરૂપ થશે. આ જ વિચાર સાથે ભારત એરક્રાફ્ટ ડિઝાઇન, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અને એરક્રાફ્ટ MRO ઇકોસિસ્ટમ પર ઘણો ભાર આપી રહ્યું છે. આજે પણ ભારત, એરક્રાફ્ટ પાર્ટ્સનું એક મોટું મેન્યુફેક્ચરર અને સપ્લાયર છે. અમે મિલિટરી અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દેશમાં બનાવવાનું શરૂ કરી રહ્યા છીએ. ભારત સિવિલ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગની દિશામાં પણ આગળ વધી રહ્યું છે અને તમે બધા રોકાણકારો જાણો છો, ભારત પાસે ઘણા ફાયદાઓ (Advantages) પણ છે. ગ્લોબલ એર કોરિડોર્સમાં ભારતની ભૌગોલિક સ્થિતિ (Geographic Position), આપણું અજોડ ડોમેસ્ટિક ફીડર નેટવર્ક અને ભવિષ્યમાં થનાર લોન્ગ હોલ ફ્લીટ્સ (Long Haul Fleets) નું વિસ્તરણ, આ આપણી બહુ મોટી શક્તિ છે.

સાથીઓ,

તે દિવસો દૂર નથી, જ્યારે ભારતમાં ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરવામાં આવેલા ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ એરક્રાફ્ટ (Electric Vertical Take-Off and Landing Aircraft) સમગ્ર એવિએશન સેક્ટરને નવી દિશા આપશે. આ ટેકનોલોજી આપણા ટ્રાવેલ ટાઈમને ઘણો ઓછો કરી શકે છે. આ સિવાય અમે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (Sustainable Aviation Fuel) પર પણ મોટું કામ કરી રહ્યા છીએ. આગામી થોડા વર્ષોમાં ભારત ગ્રીન એવિએશન ફ્યુઅલ (Green Aviation Fuel) નું એક મોટું પ્રોડ્યુસર અને એક્સપોર્ટર બનવા તરફ અગ્રસર છે.

સાથીઓ,

અમે દેશના એવિએશન સેક્ટરમાં ઘણા બધા સુધારા (Reforms) પણ કરી રહ્યા છીએ. અને આવા દરેક પ્રયાસના કારણે, ભારત ગ્લોબલ સાઉથ અને દુનિયા વચ્ચે એક મોટું એવિએશન ગેટવે બનાવી રહ્યું છે. આ એવિએશન સેક્ટર સાથે જોડાયેલા રોકાણકારો માટે, ઉત્પાદકો માટે બહુ મોટી તક છે.

મિત્રો,

આજે ભારત દેશના અલગ અલગ પ્રદેશોની સાથે સાથે ત્યાંના માર્કેટ્સને પણ પરસ્પર જોડી રહ્યું છે. આપણા શહેરો, અલગ-અલગ ટ્રાન્સપોર્ટ માધ્યમોથી બંદરો (Ports) સાથે જોડાઈ રહ્યા છે. ભારતનું એવિએશન વિઝન, એર કાર્ગો (Air Cargo) પર પણ એટલું જ ફોકસ્ડ (Focused) છે. કાર્ગો મૂવમેન્ટને ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે, જે પણ રેગ્યુલેટરી સુધારા જરૂરી છે, સરકાર તે તમામ પર કામ કરી રહી છે. આની સાથે-સાથે, આપણા ડિજિટલ કાર્ગો પ્લેટફોર્મ્સ, સમગ્ર પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવી રહ્યા છે. ઓફ-એરપોર્ટ પ્રોસેસિંગની વ્યવસ્થાના કારણે આપણા એરપોર્ટ્સ પર પડનારો લોડ પણ ઓછો થઈ રહ્યો છે. અમે એવા આધુનિક વેરહાઉસ (Modern Warehouses) પણ બનાવી રહ્યા છીએ, જેનાથી કાર્ગો હેન્ડલિંગનું કામ વધુ ઝડપથી અને વધુ સારી રીતે થાય. આવનારા ભવિષ્યમાં આનાથી કાર્ગોનો ડિલિવરી ટાઈમ અને લોજિસ્ટિક્સ કોસ્ટ બંને ઓછા થશે. ભવિષ્યમાં ભારત એક મોટું અને કોમ્પિટિટિવ ટ્રાન્સશિપમેન્ટ હબ (Transshipment Hub) બનીને ઉભરશે.

સાથીઓ,

હું તમામ રોકાણકારોને કહીશ કે તમે ભારતના વેરહાઉસિંગ સેક્ટરમાં, ફ્રેટ ફોરવર્ડિંગમાં, એક્સપ્રેસ લોજિસ્ટિક્સમાં અને ઈ-કોમર્સમાં, આ તમામ સેક્ટર્સમાં પણ તકોને જરૂર એક્સપ્લોર કરો.

સાથીઓ,

આજે દુનિયાના એવા કેટલાક જ દેશો છે, જ્યાં એવિએશન ઇન્ડસ્ટ્રી માટે આવડો મોટો સ્કેલ છે, આવી પોલિસી સ્ટેબિલિટી છે અને આવી ટેકનોલોજીકલ મહત્વાકાંક્ષા છે. હું દુનિયાના દરેક દેશને, દરેક ઇન્ડસ્ટ્રી લીડરને, દરેક ઇનોવેટરને કહીશ કે તેઓ આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીનો પૂરો લાભ ઉઠાવે. આપણી આ ડેવલપમેન્ટ જર્નીમાં એક લોન્ગ ટર્મ પાર્ટનર બનીને વર્લ્ડના એવિએશન સેક્ટરની ગ્રોથ માટે કામ કરે. હું દુનિયાભરના રોકાણકારોને ભારતની ઉડાનના કો-પાયલોટ (Co-Pilot) બનીને અમારી સાથે આવવા માટે આમંત્રિત કરું છું. ફરી એકવાર, વિંગ્સ ઈન્ડિયાના આ સફળ આયોજન માટે આપ સૌને મારી ઘણી બધી શુભેચ્છાઓ.

ખૂબ-ખૂબ ધન્યવાદ!

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2219788) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी