પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવી દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
28 JAN 2026 6:37PM by PIB Ahmedabad
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી, દેશના રક્ષામંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, દેશભરમાંથી આવેલા NCC, NSSના કેડેટ્સ, ટેબ્યુ આર્ટિસ્ટ, રાષ્ટ્રીય રંગશાળાના સાથીઓ અને મારા પ્રિય યુવા સાથીઓ. તમારી મહેનત અહીં જોવા મળી છે. તમે ખૂબ જ તાલમેલ સાથે પ્રદર્શન કર્યું છે.
પરંતુ સાથીઓ,
આજનો દિવસ આપણા માટે એક મોટું દુઃખ પણ લઈને આવ્યો છે. આજે સવારે જ મહારાષ્ટ્રમાં દુઃખદ વિમાન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજિત પવાર જી અને કેટલાક સાથીઓને આપણી પાસેથી છીનવી લીધા છે. અજિત દાદાએ મહારાષ્ટ્ર અને દેશના વિકાસમાં પોતાનું મોટું યોગદાન આપ્યું છે. ખાસ કરીને ગામડાઓના જીવનને બહેતર બનાવવા માટે તેમણે હંમેશા આગળ વધીને કામ કર્યું. હું અજિત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જે સાથીઓને આપણે આ અકસ્માતમાં ગુમાવ્યા છે, પીડાની આ ઘડીમાં આપણે સૌ તેમના પરિવારજનોની સાથે છીએ.
સાથીઓ,
દુઃખ અને સંવેદનાની આ ક્ષણો વચ્ચે હું અહીં હાજર રહેલા તમામ કેડેટ્સ, વિવિધ મિત્ર દેશોમાંથી આવેલા કેડેટ્સ અને ઓફિસર્સનું અભિનંદન પણ કરીશ. આ વખતે પણ અહીં બહુ મોટી સંખ્યામાં ગર્લ કેડેટ્સ આવી છે. હું તેમનું ખાસ કરીને અભિનંદન કરું છું.
સાથીઓ,
NCC, એક એવું સંગઠન, એક એવું આંદોલન છે, જે ભારતની યુવાશક્તિને આત્મવિશ્વાસુ બનાવે છે, શિસ્તબદ્ધ બનાવે છે, સંવેદનશીલ બનાવે છે અને રાષ્ટ્ર માટે સમર્પિત નાગરિક બનાવે છે. તમે બધા દર વર્ષે તમારી ભૂમિકાને વધુ સશક્ત કરી રહ્યા છો. વિતેલા વર્ષોમાં NCC કેડેટ્સની સંખ્યા 14 લાખથી વધીને 20 લાખ થઈ ગઈ છે. ખાસ કરીને આપણા બોર્ડર એરિયામાં, કોસ્ટલ એરિયામાં, NCC કેડેટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
મારા યુવા સાથીઓ,
NCC, યુવાનોનું મંચ છે અને આ મંચ પર પોતાના વારસાને પણ ગૌરવ સાથે જીવવામાં આવે છે. જેમ કે આ વર્ષે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી NCC એ પૂરા જોશથી મનાવી છે. તમે દેશના ખૂણે-ખૂણે આનાથી જોડાયેલા કાર્યક્રમો કર્યા છે. પરમવીર સાગર યાત્રા પણ આનું ઉત્તમ ઉદાહરણ છે. તમે બધા જાણો છો કે, થોડા વર્ષો પહેલા સરકારે આંદામાન-નિકોબારના 21 ટાપુઓને આપણા પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપ્યા હતા. આની પાછળ રાષ્ટ્રનાયકોને સન્માન આપવાનો જે ભાવ હતો, તેને તમે તમારી સેલિંગ એક્સપિડિશન (Sailing Expedition) થી આગળ વધાર્યો છે. તેવી જ રીતે, લક્ષદ્વીપમાં દ્વીપ-ઉત્સવના માધ્યમથી તમે સાગર, સંસ્કૃતિ, પ્રકૃતિ બધાને એકસાથે સેલિબ્રેટ કર્યા છે.
સાથીઓ,
NCC એ ઇતિહાસને સ્મારકોમાંથી કાઢીને જન-જનના હૃદયમાં જીવંત બનાવ્યો છે. તમે બાજીરાવ પેશવા જીની વીરતા, મહાયોદ્ધા લસિત બોરફુકન જીની કુશળતા અને ભગવાન બિરસા મુંડાના નેતૃત્વને તમારી સાયકલ રેલીના માધ્યમથી જનચેતના જગાડવાનું કામ કર્યું છે. તમારા આ સાહસપૂર્ણ તમામ કાર્યો માટે હું તમારી ખૂબ-ખૂબ પ્રશંસા કરું છું. આજે જે સાથીઓને સન્માન મળ્યું છે, હું તેમને પણ શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું - આ જ સમય છે, સાચો સમય છે. આપણા દેશના યુવાનો માટે આજનો આ સમય, સૌથી વધુ તકોનો સમય છે. સરકારનો પ્રયાસ છે કે આ કાળખંડનો વધુમાં વધુ લાભ આપણા યુવાનોને મળે. તેનું એક ઉદાહરણ તમે ગઈકાલે જ જોયું છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) પર સહમતિ થઈ છે. આ પહેલા ઓમાન, ન્યુઝીલેન્ડ, બ્રિટન, UAE, ઓસ્ટ્રેલિયા અને મોરેશિયસ જેવા દેશો સાથે પણ ભારતે મુક્ત વેપાર કરાર કર્યા છે. આ તમામ કરારો આપણા લાખો-કરોડો નવયુવાનો માટે અગણિત તકો ઉભી કરનારા છે.
સાથીઓ,
આજે આખી દુનિયા યુવા ભારતના યુવાનો તરફ ખૂબ જ ભરોસા સાથે જોઈ રહી છે. અને દુનિયાના આ ભરોસાનું કારણ છે, કૌશલ્ય (સ્કિલ) અને સંસ્કાર! ભારતના યુવાનો પાસે લોકશાહીના સંસ્કાર છે, આપણા યુવાનો પાસે દરેક પ્રકારની વિવિધતાને સન્માન આપવાના સંસ્કાર છે, ભારતના યુવાનો પાસે આખી દુનિયાને એક પરિવાર માનવાના સંસ્કાર છે. અને તેથી જ, ભારતના યુવાનો ક્યાંય પણ જાય છે, તો તે દેશના લોકો સાથે સરળતાથી ભળી જાય છે, તેમના દિલ જીતી લે છે. આપણે આપણા સામર્થ્યથી તે દેશના વિકાસમાં મદદ કરીએ છીએ. આ જ આપણા સંસ્કાર છે, આ જ આપણો સ્વભાવ છે. માતૃભૂમિ પ્રત્યે અપાર શ્રદ્ધા અને કર્મભૂમિ પ્રત્યે અપ્રતિમ સમર્પણ, આ આપણો વારસો છે.
સાથીઓ,
હું દુનિયાભરના લીડર્સ સાથે જ્યારે વાત કરું છું, અને તે વાતચીતના આધારે હું કહું છું અને પૂરા દાવા સાથે કહી શકું છું કે, ભારતના યુવાનો જેટલા પરિશ્રમી હોય છે, તેટલા જ ઉત્તમ પ્રોફેશનલ પણ હોય છે. અને તેથી જ, ભારતના યુવાનોની ખૂબ જ ડિમાન્ડ રહે છે. જેમ કે ગલ્ફ દેશોમાં જુઓ, લાખો લોકો આટલા વર્ષોથી ત્યાં કામ કરી રહ્યા છે. આપણા જે ડોક્ટરો છે, એન્જિનિયરો છે, તેઓ કેટલાય દેશોમાં શાનદાર હેલ્થકેર સિસ્ટમ, શાનદાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું કરી રહ્યા છે. પહેલા આપણા ત્યાં જે શિક્ષકો હતા, તેમણે ઘણા દેશોના સમાજમાં નવી વેલ્યુ એડ (value add) કરી છે.
સાથીઓ,
દુનિયામાં તેમના આ યોગદાનની સાથે, આપણા દેશમાં યુવાનોની જે સિદ્ધિઓ છે, તેને પણ આખી દુનિયા વખાણી રહી છે. આ યુવાનોને કારણે જ ભારત દુનિયામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની બેકબોન બની ગયું છે. અને હવે આ જ નવયુવાનોની શક્તિથી સ્ટાર્ટઅપમાં, સ્પેસમાં, ડિજિટલ ટેકનોલોજીમાં, દરેક ડોમેનમાં એક નવું રિવોલ્યુશન શરૂ થયું છે.
સાથીઓ,
હવે યુરોપિયન યુનિયન સાથે જે એગ્રીમેન્ટ પર સહમતિ બની છે, દુનિયા તેની, “મધર ઓફ ઓલ ડીલ્સ” (Mother of All Deals) તરીકે પ્રશંસા કરી રહી છે, તેને દુનિયા માટે ગેમચેન્જર ડીલ બતાવવામાં આવી રહી છે. આ FTA તમારા માટે ફ્રીડમ ટુ એસ્પાયર (Freedom To Aspire) છે. આ એગ્રીમેન્ટ, દુનિયાની ચોથા ભાગની GDP અને ત્રીજા ભાગના ગ્લોબલ ટ્રેડને રિપ્રેઝન્ટ કરે છે.
સાથીઓ,
યુરોપિયન યુનિયન, એટલે કે દુનિયાના સત્તાવીસ દેશો સાથે ભારતનો આ એગ્રીમેન્ટ થયો છે. આનો ફાયદો ભારતના સ્ટાર્ટઅપ્સને થશે. ભારતીય સ્ટાર્ટઅપ્સની ફંડિંગ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ સુધીની પહોંચ વધુ સરળ બનશે. આ સમજૂતીથી આપણી ક્રિએટિવ ઇકોનોમી જેવી કે ફિલ્મ, ગેમિંગ, ફેશન, ડિજિટલ કન્ટેન્ટ, મ્યુઝિક અને ડિઝાઇનને પણ ઘણો ફાયદો થશે. અને સાથે જ ભારતના નવયુવાનો માટે રિસર્ચ અને એજ્યુકેશનથી લઈને, IT અને અન્ય પ્રોફેશનલ સર્વિસીસમાં પણ અગણિત નવી તકો બનશે.
સાથીઓ,
આ એગ્રીમેન્ટને “મધર ઓફ ઓલ ડીલ્સ” એટલા માટે પણ કહેવામાં આવી રહ્યો છે, કારણ કે તે ખૂબ જ વ્યાપક છે, ઘણો ઊંડો છે, નવી-નવી ઊંચાઈઓને સ્પર્શનારો છે, અને ફાયદાઓની યાદી તો બહુ મોટી છે. આનાથી આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ મળશે. આનાથી મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના સંકલ્પને બળ મળશે. કારણ કે આ સમજૂતી હેઠળ, ભારતની 99 ટકાથી વધુ નિકાસ પર ટેરિફ કાં તો ઝીરો હશે અથવા તો ખૂબ જ ઓછો થઈ જશે. અને આનાથી ટેક્સટાઇલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, ફૂટવેર અને એન્જિનિયરિંગ ગુડ્સ, એવા દરેક ભારતીય ઉદ્યોગને, MSMEs ને ઘણો ફાયદો થશે. આપણા વણકરો, હસ્તશિલ્પીઓ અને નાના ઉદ્યોગ સાહસિકોને સીધી 27 યુરોપિયન દેશોના વિશાળ બજાર સુધી પહોંચ પણ મળશે.
સાથીઓ,
આ ડીલનો બીજો એક મજબૂત પક્ષ છે. આનાથી ભારતમાં વધુ રોકાણ આવશે. દેશમાં નવા એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, ફાર્મા અને અન્ય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થશે. આનાથી કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને ફિશરીઝ (મત્સ્યઉદ્યોગ) માં પણ નવા રોકાણ માટે એક અશ્યોર્ડ માર્કેટ (assured market) તૈયાર થશે. આ ખેડૂતો, માછીમારો અને ગ્રામીણ યુવાનો માટે ખૂબ મોટી તક છે.
મારા યુવા સાથીઓ,
આ FTA, ભારતના યુવાનોને સીધા યુરોપના જોબ માર્કેટ સાથે જોડે છે. ખાસ કરીને એન્જિનિયરિંગ, ગ્રીન ટેક, ડિઝાઇન, લોજિસ્ટિક્સ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં અનેક તકો બનશે. આનો અર્થ એ છે કે ભારતના યુવાનો માટે, તમારા માટે 27 દેશોમાં નવી-નવી તકો ખૂલી રહી છે.
સાથીઓ,
આ તમામ વૈશ્વિક તકોને સરકાર વ્યાપક સુધારાઓ (રિફોર્મ્સ) થી વધુ વ્યાપક બનાવી રહી છે. આજે દેશ જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે, તે યુવાશક્તિ સામેના દરેક અવરોધને દૂર કરી રહ્યો છે. અને દેશ સામે વધતી આ તકો, NCC સાથે જોડાયેલા તમે તમામ યુવાનોમાં આ સંસ્કાર, આ અનુશાસન, તમારા માટે તો આ સોનામાં સુગંધ ભળવા જેવું છે.
સાથીઓ,
તમે અહીં ઓપરેશન સિંદૂર પર શાનદાર ઝાંખી કાઢી છે. ઓપરેશન સિંદૂર સમયે તમારા પ્રયત્નોની હું ખાસ કરીને પ્રશંસા કરીશ. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી તે મહત્વની ઘડીમાં આપણા NCC કેડેટ્સે પોતાની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી છે. કોઈએ આપણી સેનાઓની તૈયારીઓમાં સહયોગ આપ્યો, કોઈએ બ્લડ ડોનેશન કેમ્પ લગાવ્યા, કોઈએ ફર્સ્ટ-એડ કેમ્પના માધ્યમથી સેવા કરી, તમે એ બતાવી દીધું કે NCC માં પરેડ ગ્રાઉન્ડની ટ્રેનિંગની સાથે જ 'નેશન ફર્સ્ટ' (Nation First) ના વિચાર પ્રવાહની પણ ટ્રેનિંગ હોય છે. NCC માંથી મળેલી આ જ દેશભક્તિ છે, આ જ એ નેતૃત્વ છે, જે મુશ્કેલ સમયમાં દેશ પ્રત્યે પૂરી શક્તિથી કામ કરવાની પ્રેરણા આપે છે. અને આ જ તો NCC આપણને શીખવે છે, આપણે ત્યાંથી શીખીએ છીએ. જ્યારે હું NCC માં હતો, ત્યારે મારો પણ નેશન ફર્સ્ટનો ભાવ આ રીતે જ મજબૂત થયો હતો, અને આજે હું તમને પણ NCC માં આ જ શીખતા જોઈ રહ્યો છું, ગર્વ અનુભવી રહ્યો છું.
સાથીઓ,
ઓપરેશન સિંદૂર એ ભારતના સામર્થ્યને, આપણી સેનાના શૌર્યને ફરી એકવાર સ્થાપિત કર્યું છે. ઓપરેશન સિંદૂર એ એ પણ બતાવ્યું કે આપણા સ્વદેશી હથિયારો કેટલા એડવાન્સ અને હાઈટેક છે.
સાથીઓ,
આજકાલના આધુનિક યુદ્ધમાં યુવા કૌશલ્યની ભૂમિકા ઘણી વધી ગઈ છે. હવે યુદ્ધ માત્ર સીમા પર ટેન્ક, બંદૂક અને ગોળાઓ સુધી સીમિત નથી રહ્યું. આજે લડાઈ અનેક મોરચે લડાય છે. આજની લડાઈ કોડ (code) માં પણ થાય છે, ક્લાઉડ (cloud) માં પણ થાય છે. જે દેશ ટેકનોલોજીમાં પાછળ છે, તે ઇકોનોમીમાં જ નહીં, સિક્યુરિટીમાં પણ નબળા હોય છે.
તેથી સાથીઓ,
એક યુવા તરીકે આપણે આપણા દેશ માટે કયું નવું ઇનોવેશન કરીએ છીએ, આ જુસ્સો પણ દેશભક્તિને મજબૂત કરે છે, દેશની સુરક્ષામાં મોટું યોગદાન આપે છે. તમે બધા જાણો છો કે, આજે ટેક (tech) થી ઇનોવેટિવ નવયુવાનો માટે સેનાઓમાં નવી તકો બની રહી છે. આજે આપણા યુવાનોના ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ કમાલ કરી રહ્યા છે. આજે મેડ ઇન ઇન્ડિયા ડ્રોન્સ પર કામ થઈ રહ્યું છે, AI અને ડિફેન્સ ઇનોવેશન હવે આપણી ફોર્સિસને આધુનિક બનાવી રહી છે. એટલે કે તમારા યુવા સાથીઓ માટે સંભાવનાઓનો ઘણો વિસ્તાર થઈ રહ્યો છે. અને હું આજે ઈચ્છું છું કે, માત્ર અહીં બેઠેલા જ નહીં, દેશના કોટિ-કોટિ યુવાનો આનો લાભ લે.
સાથીઓ,
દેશે હમણાં ત્રણ દિવસ પહેલા જ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવ્યો છે. આ દિવસે મેં દેશવાસીઓને પત્ર પણ લખ્યો. રાષ્ટ્રીય મતદાતા દિવસ, તે જવાબદારીના ભાવનો, તે અધિકારનો ઉત્સવ છે, જે આપણા બંધારણે દરેક નાગરિકને સોંપ્યો છે. આજે ભારત દુનિયાના એવા દેશોમાં છે, જ્યાં યુવા મતદારોની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે આ યુવાનો મતદાર બનવા યોગ્ય બને છે, 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કરે છે, તો તેમને રાષ્ટ્રનું ભાગ્ય બનાવવાની તાકાત મળી જાય છે. તેથી હવે આપણે દેશમાં એક નવી પરંપરા શરૂ કરવાની જરૂર છે. હું ઈચ્છું છું કે NCC-NSS અને મારા યુવા ભારત સંગઠનમાં, mybharat સંગઠનમાં, 25 જાન્યુઆરીએ દર વખતે એક મોટું આયોજન કરવામાં આવે. આ દિવસે ફર્સ્ટ ટાઈમ વોટર્સ (First time voters) ના સન્માનનો ભવ્ય કાર્યક્રમ હોય. મને પૂરો વિશ્વાસ છે કે, આ પ્રયાસ આપણી યુવા પેઢીમાં જવાબદારીના બોધની ભાવનાને વધુ મજબૂત કરશે, આપણી લોકશાહીને મજબૂત કરશે.
સાથીઓ,
વિકસિત ભારતનો અર્થ માત્ર આર્થિક સમૃદ્ધિ સુધી સીમિત નથી. એક નાગરિક તરીકે આપણું આચરણ કેવું હોય, એ પણ વિકસિત ભારતનું મહત્વનું પાસું છે. એક નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપવાની છે. જેમ કે તમે જુઓ, સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં ભલે સરકારનું યોગદાન હોય, પરંતુ તેને આગળ જો કોઈએ વધાર્યું છે, તો હું ગર્વથી કહી શકું છું કે તેને આગળ વધારવાનું કામ આપણા દેશના નાગરિકોએ કર્યું છે, યુવાનોએ કર્યું છે, નાના-નાના બાળકોએ કર્યું છે. ઘરની અંદર પણ અને ઘરની બહાર પણ સ્વચ્છતા એક આદત છે, જીવનશૈલી છે, એક સંસ્કાર છે. નાગરિક કર્તવ્યના આ ભાવને આપણે આપણા જીવનનો હિસ્સો બનાવવાનો છે. જે સુંદરતા આપણે આપણા આંગણામાં જોવા ઈચ્છીએ છીએ, આપણા શહેરને પણ આપણે તે જ ભાવથી સુંદર બનાવવાનું પણ છે, સુંદર રાખવાનું પણ છે. હું અહીં ઉપસ્થિત દરેક યુવા સાથીને કહીશ કે તેઓ અઠવાડિયામાં કોઈ એક દિવસે, એક કલાક સ્વચ્છતા સાથે જોડાયેલું કોઈને કોઈ અભિયાન જરૂર ચલાવે. NCC-NSS આને બહુ સરસ રીતે કરી શકે છે. પોતાના કોઈ સ્થાન પર, કોઈને કોઈ એક્ટિવિટી જરૂર પ્લાન કરે.
સાથીઓ,
મને એ જાણીને આનંદ થયો કે NCC એ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ અંદાજે 8 લાખ વૃક્ષો વાવ્યા છે. જે વૃક્ષો આપણે વાવ્યા છે, તે સરખી રીતે મોટા પણ થાય, એ જોવું પણ આપણું કર્તવ્ય છે.
સાથીઓ,
આપણી યુવાશક્તિનો બહુ મોટો ટેસ્ટ એ છે કે આપણે આવનારા સમયમાં કેટલા વધુ ફિટ હોઈશું. ફિટનેસ માત્ર થોડી મિનિટોની કસરત સુધી સીમિત નથી. એ પણ આપણા સ્વભાવમાં આવવી જોઈએ. આપણા ખાન-પાનથી લઈને આપણી દિનચર્યા સુધી એક શિસ્તબદ્ધ જીવનશૈલી પણ આવશ્યક છે. મારા માટે એ જાણવું સુખદ રહ્યું કે તમે ફિટ ઇન્ડિયા કેમ્પેઇનને આગળ વધારી રહ્યા છો. NCC ના કેડેટ્સે, સ્પોર્ટ્સમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.
સાથીઓ,
આજે હું આપ યુવાનો વચ્ચે ઓબેસિટી, મેદસ્વીપણાનો વિષય ફરીથી ઉઠાવી રહ્યો છું. અભ્યાસ કહે છે કે આવનારા સમયમાં, ભારતમાં દર ત્રીજી વ્યક્તિ મેદસ્વીપણાથી, ઓબેસિટીથી પરેશાન હોઈ શકે છે. મેદસ્વીપણાની આ સમસ્યાથી દેશમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને એવી ઘણી બીમારીઓના જોખમો પણ ઉભા થઈ રહ્યા છે. આનો સૌથી વધુ પ્રભાવિત વર્ગ, આપણો યુવા હોઈ શકે છે. તેથી આવશ્યક છે કે આપણે અત્યારથી જ સતર્ક રહીએ, આપણે આપણા તેલના વપરાશ (Oil Intake) ને ઓછો કરવાનો પ્રયાસ કરીએ. મેં થોડા સમય પહેલા ખોરાકમાં તેલની માત્રા 10 ટકા ઓછી કરવાનો આગ્રહ કર્યો હતો. આજે આપ સૌ યુવાનોને હું ફરી તે આગ્રહ દોહરાવીશ.
સાથીઓ,
NCC તમને માત્ર કદમતાલ નથી શીખવતી, આ સંગઠન તમને એક નાગરિક તરીકે જવાબદારી સાથે જીવતા શીખવે છે. અહીં તમે તે કૌશલ્ય, તે મૂલ્યો શીખો છો, જે તમને એક બહેતર નાગરિક બનાવવામાં મદદ કરે છે. તમને પ્રજાસત્તાક દિવસના સમારોહમાં જે અનુભવો મળે છે, તે તમારા વ્યક્તિત્વને વધુ નિખારે છે. તમે જીવનની દરેક પરીક્ષામાં સફળ થાઓ, વિકસિત ભારતના નિર્માણમાં તમારું યોગદાન સતત નિખરે. આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
ભારત માતાની જય ! ભારત માતાની જય !
અને દેશ જ્યારે આજે વંદે માતરમ 150 માં લીન થઈ ચૂક્યો છે, ત્યારે આવો- વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ !
ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2219784)
आगंतुक पटल : 6