માહિતી અને પ્રસારણ મંત્રાલય
સાત દિવસ સંસ્કૃતિ અને વિકાસ દર્શનના: રાજસ્થાનના પત્રકાર પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાત કરી થયાં અભિભૂત
પીઆઈબી જયપુર દ્વારા આયોજિત પ્રેસ ટુર દરમિયાન પત્રકારોએ ગુજરાતના વિકાસ મોડેલ અને સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કર્યો
Posted On:
30 SEP 2025 8:55PM by PIB Ahmedabad
પત્ર સૂચના કાર્યાલય (પીઆઈબી), જયપુર દ્વારા રાજસ્થાનના પત્રકારો માટે એક વિશેષ પ્રેસ ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 7-દિવસીય પ્રવાસનો મુખ્ય હેતુ પત્રકારોને ગુજરાતના વિકાસ મોડેલ, ઔદ્યોગિક પ્રગતિ અને રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાનો હતો. 15 પત્રકારોના પ્રતિનિધિમંડળે તા. 24 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ગુજરાતના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી.

પ્રવાસના પ્રથમ દિવસે, તા. 24-09-2025ના રોજ, પત્રકારોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મોઢેરા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિરની સ્થાપત્ય કલા નિહાળી હતી. સાંજે, અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત લઈ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમા ગરબાની રમઝટ માણી હતી.

બીજા દિવસે પ્રતિનિધિમંડળે કેવડીયા ખાતે રાષ્ટ્રના શિલ્પી સરદાર પટેલને સમર્પિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લીધી, જે માત્ર એક પ્રતિમા જ નહીં, પરંતુ એક સંકલિત પ્રવાસન સ્થળ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. રાત્રે વડોદરા ખાતે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાનો લ્હાવો લીધો હતો. બીજા દિવસે તેમણે આણંદ ખાતે અમૂલ કંપની અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA)ની મુલાકાત લઈ શ્વેત ક્રાંતિ દ્વારા ગ્રામીણ સશક્તિકરણ અને સહકારી માળખાની વૈશ્વિક સફળતાની ગાથાનો અભ્યાસ કર્યો.

આણંદથી પરત આવી અમદાવાદ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ની મુલાકાત દરમિયાન, પત્રકારોએ ઇસરોની કામગીરી અને સિદ્ધિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી. આ મુલાકાત દરમિયાન, પત્રકારોએ ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશનોની સફળતા વિશે જાણીને ગૌરવ અનુભવ્યું. અને ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઇ સાથે સંવાદ કર્યો. બપોર બાદ, તેઓએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી, જ્યાં મ્યુનિસિપલ કમિશનર અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રી બંછાનિધી પાની સાથે પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી અને અટલ બ્રિજની મુલાકાત લીધી. સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત દરમિયાન, તેમણે શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓના ઉત્કૃષ્ટ મોડેલને નિહાળ્યું.

ત્યાર પછી રવિવારના રોજ, પ્રતિનિધિમંડળે ધોલેરા ખાતે નિર્માણાધીન સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો. ત્યારબાદ, તેઓએ લોથલ ખાતે હડપ્પન સંસ્કૃતિના અવશેષો નિહાળ્યા અને ત્યાં વિકાસ પામી રહેલા પ્રવાસન પ્રોજેક્ટનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.

બીજા દિવસે પત્રકારોએ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી એવા ગિફ્ટ સિટીની મુલાકાત લઈ તેના અત્યાધુનિક માળખા અને કાર્યપ્રણાલીને સમજી હતી.
પ્રવાસના અંતિમ દિવસે, તા. 30-09-2025ના રોજ, સવારે કોચરબ આશ્રમની મુલાકાત લીધા બાદ, પ્રતિનિધિમંડળ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી તેમજ ડાયરેક્ટરને મળ્યું હતું. સાંજે, તેમણે રાજભવન ખાતે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
આ 7-દિવસીય પ્રેસ ટુરમાં રાજસ્થાનના પત્રકારોએ ગુજરાતના વિકાસ મોડેલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને અહીંના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત જાણકારી મેળવી, જે બાદ તેઓ રાજસ્થાન પરત થયાં. આ પ્રવાસ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે માહિતી અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે એક મહત્વપૂર્ણ સેતુ સાબિત થયો હતો.
SM/NP/JD
(Release ID: 2173371)
Visitor Counter : 42