માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભુજમાં બે દિવસીય કોમ્યુનિટી રેડિયો જાગૃતિ વર્કશોપનું આયોજન


ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. કે. કે. નિરાલા ગેસ્ટ ઓફ ઓનર તરીકે વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા

Posted On: 20 AUG 2025 4:27PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે, વિશ્વાસ જ્ઞાન પ્રબોધિની અને સંશોધન સંસ્થા, નાસિક, મહારાષ્ટ્રના સહયોગથી, ભુજ, ગુજરાત ખાતે કોમ્યુનિટી રેડિયો જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું છે.

આ વર્કશોપ 20 ઓગસ્ટ 2025ના રોજ શરૂ થયો હતો અને 21 ઓગસ્ટ, 2025 ના રોજ બપોરે પૂર્ણ થશે. આ વર્કશોપમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના સહભાગીઓ હાજર રહ્યા હતા.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. કે. કે. નિરાલાએ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વર્કશોપમાં હાજરી આપી હતી, જેમાં અંડર સેક્રેટરી મહેન્દ્ર કુમાર મીણા, IIMC દિલ્હીના પ્રો. સંગીતા પરવેન્દ્ર, પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી અમિત દ્વિવેદી, વિશ્વાસ જ્ઞાન પ્રબોધિનીના સીઈઓ ડૉ. હરિ કુલકર્ણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સંબોધનમાં, ડૉ. નિરાલાએ વિકાસ કાર્ય સંબંધિત માહિતી, આરોગ્ય, શિક્ષણ, ચૂંટણી વગેરે જેવી સરકારી યોજનાઓ વિશે જાગૃતિ લાવવા માટે કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર ભાર મૂક્યો હતો. તેમણે સહભાગીઓ સાથે વ્યક્તિગત વાતચીત પણ કરી હતી. તેમણે પોતાના કાર્ય અનુભવ શેર કર્યા હતા અને પોતાના કાર્યસ્થળ પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન કેવી રીતે સ્થાપિત કરવા અંગે ઊંડો રસ દાખવ્યો હતો. ડૉ. નિરાલાએ એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે માહિતી અને પ્રસારણ મંત્રાલય "ભારતમાં કોમ્યુનિટી રેડિયો ચળવળને ટેકો આપવો" નામની એક યોજના પણ ચલાવી રહ્યું છે. આ યોજનામાં CRS સ્થાપવા માટે મહત્તમ રૂ. 21 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવાની જોગવાઈ છે. ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટે તે રૂ. 24 લાખ છે. આનો હેતુ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોને મજબૂત બનાવવાનો છે.

શ્રી અમિત દ્વિવેદીએ નીતિ માર્ગદર્શિકા તેમજ કોમ્યુનિટી રેડિયો મેળવવા માટે કેવી રીતે અરજી કરવી તે વિશે જાણકારી આપી હતી. પ્રો. સંગીતાએ કોમ્યુનિટી રેડિયો માટે ગુણવત્તાયુક્ત સામગ્રી કેવી રીતે બનાવવી વગેરે વિશે માહિતી આપી હતી. વિશ્વાસ જ્ઞાન પ્રબોધિની અને સંશોધન સંસ્થાના ડૉ. કુલકર્ણી, સુશ્રી રુચિતાએ આ વર્કશોપના એકંદર હેતુ વિશે જણાવ્યું હતું અને રેડિયો વિશ્વાસની સફળતાની વાર્તાઓના ઉદાહરણો આપ્યા હતા. આ સેમિનારનો હેતુ નાણાકીય સ્થિરતા, સાધનોની તકનીકી જાળવણી વગેરે પર પણ હતું.


(Release ID: 2158421)
Read this release in: English