શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

સ્ટાર્ટ-અપ અને એમએસએમઈ 2025 સંમેલન–વિચારથી અમલ સુધી

Posted On: 04 AUG 2025 4:51PM by PIB Ahmedabad

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા આજે અમદાવાદ ખાતે "સ્ટાર્ટ-અપ અને એમએસએમઈ 2025 સંમેલન – વિચારથી અમલ સુધી"નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન ગુજરાત તેમજ સમગ્ર ભારતના સ્ટાર્ટઅપ્સ અને માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) માટે નવીનતા, ઉદ્યોગસાહસ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપતી એક મહત્વપૂર્ણ સ્ટેજ સાબિત થયું હતું.

આ પરિષદનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન શ્રી જગદીશ વિશ્વકર્મા, ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં આર્થિક વિકાસ અને રોજગાર સર્જનમાં MSMEના નોંધપાત્ર યોગદાન પર ભાર મૂક્યો. તેમણે પ્રગતિશીલ નીતિઓ અને પહેલ દ્વારા સ્ટાર્ટઅપ્સ અને નાના વ્યવસાયોને ટેકો આપવા માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

સંમેલનમાં ઉદ્યોગ નિષ્ણાતોના નેતૃત્વ હેઠળ અનેક પેનલ ચર્ચાઓ યોજાઇ, જેમાં નાણાંકીય વ્યવસ્થા, અનુપાલન અને વ્યવસાયના વિસ્તરણ જેવી મુખ્ય બાબતો પર ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ "ઇકોસિસ્ટમ પાર્ટનર દ્વારા વિશેષ સંબોધન" સત્ર રહ્યું, જેમાં શ્રી હેમંતકુમાર પાંડે, પ્રાદેશિક નિર્દેશક, ગુજરાતે સંબોધન કર્યું હતું. તેમણે કર્મચારી રાજ્ય વીમા (ESI) યોજના તથા તેના નોકરદાતાઓ અને કર્મચારીઓ માટેના ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપી। તેમણે કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) દ્વારા શરૂ કરાયેલ બે અનોખી પહેલો – SPREE-2025 યોજના અને એમનેસ્ટી યોજના – 2025નો પરિચય આપ્યો, જે અનુક્રમે ESICમાં દંડમુક્ત નોંધણી, સામાજિક સુરક્ષા અનુપાલનને પ્રોત્સાહન આપવું અને લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદોનો ઉકેલ લાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો, એમએસએમઈ માલિકો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ હાજરી આપી, જેમાં સજીવ ચર્ચાઓ અને નેટવર્કિંગ માટેના ઉત્તમ અવસરો પ્રાપ્ત થયા! આઈસીએઆઈની આ પહેલે નવીન વિચારો અને તેમના સફળ અમલ વચ્ચેનો ફાસલો ઓગાળવાની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત રીતે દર્શાવી હતી.

 


(Release ID: 2152136)
Read this release in: English