વહાણવટા મંત્રાલય
વિઝિંજામ તરફથી વિઝન 2047
આર્થિક, વ્યૂહાત્મક અને ટકાઉ વિકાસ માટે બ્લુ કોરિડોરનું નિર્માણ
Posted On:
04 MAY 2025 11:50AM by PIB Ahmedabad
કેરળમાં સ્થિત વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપ વોટર મલ્ટીપર્પઝ પોર્ટ ભારતના દરિયાઈ માળખાગત ક્ષેત્રમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. 2 મે, 2025ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ રૂ. 8,800 કરોડનો આ પ્રોજેક્ટ, ભારતની બંદર ક્ષમતાઓને વધારવા અને વ્યૂહાત્મક દરિયાઈ પહેલ દ્વારા આર્થિક વિકાસને વેગ આપવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટની નજીક તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે આ બહુહેતુક બંદરના વિકાસ માટે વિઝિંજામની પસંદગી કરવામાં આવી હતી. જે જહાજો માટે પરિવહન સમયને નોંધપાત્ર રીતે ઘટાડે છે. જે તેને દરિયાઈ વેપાર માટે એક મહત્વપૂર્ણ બિંદુ બનાવે છે. ભારતના થોડા કુદરતી ઊંડા પાણીના બંદરો પૈકીના એક તરીકે આ બંદર મોટા કાર્ગો અને કન્ટેનર જહાજોને કાર્યક્ષમ રીતે સમાવી શકે છે. આમ તે આ વિકાસ માટે એક આદર્શ પસંદગી બનાવે છે.
વિઝિંજામ બંદરની વિશેષતાઓ
ભારતનું પ્રથમ સમર્પિત કન્ટેનર ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટ.
વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંથી એકની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત.
આ બંદરમાં લગભગ 20 મીટરનું કુદરતી ઊંડાણ છે, જે તેને વિશ્વના કેટલાક સૌથી મોટા કાર્ગો જહાજોને સમાવવા માટે સક્ષમ બનાવે છે.
આગામી વર્ષોમાં આ ટ્રાન્સ-શિપમેન્ટ પોર્ટની ક્ષમતા ત્રણ ગણી વધવાની અપેક્ષા છે.
વિઝિંજામ પોર્ટના ફાયદા
આ બંદરના વિકાસથી ટ્રાન્સ-શિપમેન્ટ માટે ભારતની વિદેશી બંદરો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. જે અગાઉ આવા કામકાજનો 75% હિસ્સો ધરાવતી હતી. જેનાથી દેશમાં આવક જળવાઈ રહેશે અને કેરળ અને તેના લોકો માટે નવી આર્થિક તકો ઊભી થશે.
વિઝિંજામ પ્રાદેશિક વેપારમાં એક મુખ્ય ખેલાડી બનવા માટે તૈયાર છે. જે સંભવિત રીતે દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા વચ્ચે વાણિજ્ય માટે પ્રવેશદ્વાર તરીકે સેવા આપશે.
ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી મુખ્ય પહેલ
ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અને પીએમ ગતિશક્તિ જેવા પહેલોનો ઉદ્દેશ્ય બંદર માળખાગત સુવિધાઓને વધારવા અને જળમાર્ગો, રેલવે, હાઇવે અને હવાઈ માર્ગોની આંતર-જોડાણક્ષમતામાં સુધારો કરવાનો છે. છેલ્લા દાયકામાં, જાહેર-ખાનગી ભાગીદારી હેઠળના રોકાણોએ ભારતીય બંદરોને વૈશ્વિક ધોરણો સુધી અપગ્રેડ કર્યા છે. જેનાથી જહાજોના ટર્નઅરાઉન્ડ સમયમાં 30% ઘટાડો થયો છે અને બંદર ક્ષમતા બમણી થઈ છે. આ પ્રયાસોએ ભારતને નાવિકોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વના ટોચના ત્રણ દેશોમાં અને વૈશ્વિક જહાજ નિર્માણમાં ટોચના 20 દેશોમાં સ્થાન આપ્યું છે. ભારતના દરિયાઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે, સરકાર કોચીમાં જહાજ નિર્માણ અને સમારકામ ક્લસ્ટર સ્થાપવા માટે કામ કરી રહી છે. જે રોજગારની ઘણી તકોનું સર્જન કરશે. વધુમાં, G-20 સમિટ દરમિયાન ચર્ચા કરાયેલ મેરીટાઇમ અમૃત કાલ વિઝન અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર જેવી પહેલો વૈશ્વિક વેપાર નેટવર્કમાં કેરળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ અમૃત કાલ વિઝન 2047, મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 પર આધારિત છે અને તેનો ઉદ્દેશ્ય વિશ્વ કક્ષાના બંદરો વિકસાવવા અને આંતરિક જળ પરિવહન, દરિયાકાંઠાના શિપિંગ અને ટકાઉ દરિયાઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે. આમાં લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપિંગમાં મહત્વાકાંક્ષાઓનો સમાવેશ થાય છે, જે ભારતના 'બ્લુ ઇકોનોમી'ને ટેકો આપે છે. વિવિધ હિસ્સેદારો સાથે 150થી વધુ પરામર્શ અને 50 આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કના વિશ્લેષણ દ્વારા ઘડવામાં આવેલ, આ વિઝન 2047 સુધીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોને વધારવા માટે 300થી વધુ કાર્યક્ષમ પહેલોની રૂપરેખા આપે છે.
ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) ભારતના G20 પ્રમુખપદ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય UAE, સાઉદી અરેબિયા, જોર્ડન, ઇઝરાયલ અને યુરોપિયન યુનિયન દ્વારા ભારત, યુરોપ, મધ્ય પૂર્વને એકીકૃત કરવાનો છે. આ એક મહત્વપૂર્ણ પહેલ છે જે ભારતની દરિયાઈ સુરક્ષા અને યુરોપ અને એશિયા વચ્ચે માલની ઝડપી અવરજવરમાં ફાળો આપી શકે છે. IMEC લોજિસ્ટિક્સ ખર્ચમાં 30% સુધી અને પરિવહન સમયમાં 40% સુધી ઘટાડો કરશે. તાજેતરમાં, 16 એપ્રિલ, 2025ના રોજ નવી દિલ્હીમાં કનેક્ટિવિટી અને આર્થિક વિકાસ પર IMEC ઉચ્ચ-સ્તરીય ગોળમેજી બેઠક યોજાઈ હતી.
એક રાષ્ટ્ર એક બંદર
‘વન નેશન વન પોર્ટ પ્રોસિજર (ONOP)’ પહેલ બંદર પ્રક્રિયાઓ અને દસ્તાવેજીકરણના મેપિંગ અને માનકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં તમામ મુખ્ય બંદરોમાં પોર્ટ મૂલ્ય શૃંખલામાં વિનિમય કરાયેલી હાલની પ્રક્રિયાઓ અને દસ્તાવેજોની વ્યાપક સમીક્ષાનો સમાવેશ થાય છે, જેમાં કન્ટેનર, ડ્રાય બલ્ક અને લિક્વિડ બલ્ક સહિત વિવિધ કાર્ગો પ્રકારો તેમજ નિકાસ-આયાત, ટ્રાન્સ-શિપમેન્ટ અને દરિયાકાંઠાની કામગીરી જેવી વિવિધ હિલચાલ શ્રેણીઓનો સમાવેશ થાય છે. ONOP પહેલના અમલીકરણથી કન્ટેનર કામગીરી અને બલ્ક કાર્ગો બંને માટે કાગળકામમાં લગભગ 25% ઘટાડો થવાની અપેક્ષા છે, જેનાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.
મેગા પોર્ટ્સના વિકાસ માટે માસ્ટર પ્લાન
છ બંદર ક્લસ્ટર જેમાંથી ચાર બંદર ક્લસ્ટર, કોચીન-વિઝિંજામ પોર્ટ ક્લસ્ટર, ગલાથિયા સાઉથ બે પોર્ટ, ચેન્નાઈ-કમરાજર-કુડ્ડલોર પોર્ટ ક્લસ્ટર, પારાદીપ અને અન્ય બિન-મુખ્ય બંદર ક્લસ્ટરો જે વાર્ષિક 300 મિલિયન ટન (MTPA)થી વધુ ક્ષમતા ધરાવે છે અને બે બંદર ક્લસ્ટર, જેમ કે દીનદયાળ અને ટુના ટેકરા પોર્ટ ક્લસ્ટર, જવાહરલાલ નેહરુ-વાઢવણ પોર્ટ ક્લસ્ટર જે 500 MTPA થી વધુ ક્ષમતા ધરાવે છે. તેને 2047 સુધીમાં મેગા પોર્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ મેરીટાઇમ અમૃત કાલ વિઝન, 2047માં સમાવવામાં આવી છે. મુખ્ય બંદરોમાં માળખાગત સુવિધાઓ વધારવા અને ક્ષમતા વધારા માટેના કામો પહેલાથી જ જાહેર ખાનગી ભાગીદારી (PPP) મોડ અને આંતરિક ઉપાર્જન દ્વારા પ્રગતિમાં છે.
નિષ્કર્ષ
વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટનું ઉદ્ઘાટન ભારતની દરિયાઈ યાત્રામાં એક પરિવર્તનશીલ ક્ષણ છે, જે વૈશ્વિક વેપાર અને લોજિસ્ટિક્સ હબ બનવાની રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તેના વ્યૂહાત્મક સ્થાન, અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને સાગરમાલા, પીએમ ગતિશક્તિ અને સમુદ્ર અમૃત કાલ વિઝન 2047 જેવી મુખ્ય સરકારી પહેલો સાથે જોડાણ સાથે, વિઝિંજમ ભારતના આર્થિક વિકાસ, પ્રાદેશિક જોડાણ અને વૈશ્વિક શિપિંગ સ્પર્ધાત્મકતાને નોંધપાત્ર રીતે વેગ આપવા માટે તૈયાર છે. ભારત ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર જેવા સંકલિત પરિવહન કોરિડોર દ્વારા આકાર પામેલા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વિઝિંજામ બંદર દેશના દરિયાઈ પુનરુજ્જીવનમાં પ્રગતિ, ટકાઉપણું અને વ્યૂહાત્મક દૂરંદેશીનાં એક પ્રકાશસ્તંભ તરીકે ઊભું છે.
સંદર્ભ
Rajya Sabha Unstarred Question No. 3515 Dated April 1, 2025
Rajya Sabha Unstarred Question No. 3513 Dated April 1, 2025
https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2032811
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2126080
https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2052486
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2122299
https://x.com/sarbanandsonwal/status/1918238937346396507
https://shipmin.gov.in/sites/default/files/Annual%20Report%202024-25%20-%20English.pdf
pdf ફાઈલ માટે મહેરબાની કરીને અહીં ક્લીક કરો
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2126688)
Visitor Counter : 31