સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પોસ્ટ વિભાગે શરૂ કરી 'જ્ઞાન પોસ્ટ' સેવા, ઓછી કિંમતે મોકલી શકાશે શૈક્ષણિક પુસ્તકો અને સામાજિક-સાંસ્કૃતિક સાહિત્ય


'જ્ઞાન પોસ્ટ' સેવા 'ઘરે ઘરે જ્ઞાન, દરેક સપનાને ઉડાન' ની સંકલ્પના સાથે પોસ્ટ વિભાગની દર્શાવે છે પ્રતિબદ્ધતા - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Posted On: 01 MAY 2025 8:33PM by PIB Ahmedabad

ભારતીય પોસ્ટ વિભાગે પુસ્તકો અને અભ્યાસ સામગ્રીને ઓછી કિંમતમાં મોકલવા માટે 1 મે, 2025થી 'જ્ઞાન પોસ્ટ સેવા'ની શરૂઆત કરી. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, 'જ્ઞાન પોસ્ટ' અંતર્ગત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ, યુનિવર્સિટીઓ, સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓને લગતા પુસ્તકો, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો દ્વારા ઉપયોગમાં લેવાતા પાઠ્યપુસ્તકો તથા દેશના સંબંધિત કાયદા અનુસાર પ્રકાશિત સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રકૃતિને લગતા સાહિત્યને પોસ્ટ મારફતે મોકલી શકાય તેવી સુવિધા મળશે. આવા તમામ પેકેટ પર "જ્ઞાન પોસ્ટ" લખેલું હોવું આવશ્યક રહેશે. 'જ્ઞાન પોસ્ટ' હેઠળ મોકલવામાં આવતી પુસ્તકો અને મુદ્રિત શૈક્ષણિક સામગ્રીને ટ્રેક કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે અને ઓછી કિંમતમાં અસરકારક વિતરણ સુનિશ્ચિત કરવા માટે તેને જમીન માર્ગે મોકલવામાં આવશે. આ સેવામાં બુકિંગ માટેના પેકેટનું ન્યૂનતમ વજન 300 ગ્રામ અને મહત્તમ 5 કિલોગ્રામ રહેશે. આ માટેનો શુલ્ક રૂ. 20થી શરૂ થઈને મહત્તમ રૂ. 100 (લાગુ કર મુજબ) રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે 'જ્ઞાન પોસ્ટ' સેવા 'ઘરે ઘરે જ્ઞાન, દરેક સપનાને ઉડાન’ જેવી સંકલ્પનાને આધારે દેશના દરેક ખૂણામાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શિક્ષાર્થીઓ સુધી પહોંચી જવા માટે પોસ્ટ ઓફિસની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શિક્ષણ એ સશક્ત ભવિષ્ય માટેનો આધાર છે, પરંતુ શીખવા માટેના સાધનો સુધી પહોચવા ભૌગોલિક સ્થિતિ કે વ્યક્તિગત સામર્થ્ય પર આધારિત ન હોવી જોઈએ. 'જ્ઞાન પોસ્ટ' આ મક્કમ માન્યતાને ધ્યાનમાં રાખીને રચવામાં આવી છે કે એક પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા અથવા સાંસ્કૃતિક પુસ્તિકા જ્યારે ઓછી કિંમતે પોસ્ટ ઓફિસ મારફતે અંતિમ વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે તે લોકોને સશક્ત બનાવે છે અને જીવનમાં બદલાવ લાવે છે.

ઉલ્લેખનીય છે કે 'જ્ઞાન પોસ્ટ' અંતર્ગત માત્ર બિન-વાણિજ્યિક, શૈક્ષણિક સામગ્રી જ મોકલી શકાય છે. આ સેવાની હેઠળ કોઈપણ વ્યવસાયિક અથવા વાણિજ્યિક પ્રકાશન, તેમજ જાહેરાતો ધરાવતા પ્રકાશનો (આકસ્મિક જાહેરખબરો અથવા પુસ્તકોની યાદી સિવાય) સ્વીકારવામાં આવશે નહીં. દરેક પુસ્તિકા પર નિર્ધારિત શરતો મુજબ મુદ્રક અથવા પ્રકાશકનું નામ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત હોવું આવશ્યક રહેશે.

'જ્ઞાન પોસ્ટ' શરૂ થતાં જ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અભ્યાસ પ્રેમીઓએ તેના વિશે માહિતી એકત્રિત કરવા માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાનું શરૂ કર્યું. ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલું 'જ્ઞાન પોસ્ટ' પાર્સલ મહેસાણા જિલ્લાની કડવા પટેલ બી.એડ. કોલેજ, વિસનગર દ્વારા મહેસાણા હેડ પોસ્ટઓફિસ માંથી બુક કરાયું. તે જ રીતે, ગાંધીનગર હેડ પોસ્ટઓફિસમાંથી પ્રથમ વખત શ્રી પ્રિન્સ મકવાણાએ 'જ્ઞાન પોસ્ટ' હેઠળ બુકિંગ કરાવ્યું. આ સાથે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ મંડળોએ પણ આ નવી સેવાના પ્રચાર-પ્રસારની શરૂઆત કરી છે અને લોકોને આ કિફાયતી અને ઉપયોગી સેવાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યાં છે.

AP/IJ/GP/JD


(Release ID: 2125931) Visitor Counter : 32
Read this release in: English