સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાફેલ-મરીન: ભારતની નૌકાદળની તાકાતમાં વધારો

Posted On: 30 APR 2025 11:56AM by PIB Ahmedabad

સારાંશ:

  • ભારતે એપ્રિલ 2025માં ફ્રાન્સ સાથે 26 રાફેલ-મરીન જેટ માટે ₹63,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા.
  • આ જેટ વિમાનવાહક જહાજોથી સંચાલન કરી શકે છે અને નૌકાદળના મિશન માટે બનાવવામાં આવ્યા છે.
  • આ સોદામાં તાલીમ, શસ્ત્રો, સિમ્યુલેટર અને લાંબા ગાળાના ટેકાનો સમાવેશ થાય છે.
  • રાફેલ-M ને INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે.
  • આ પહેલા ભારતે 2016માં વાયુસેના માટે 36 રાફેલ જેટ ખરીદ્યા હતા.
  • નવા સોદામાં ભારતીય સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવા માટે ટેક્નોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.
  • રાફેલ-એમ જ્યાં સુધી પોતાનું ફાઇટર જેટ તૈયાર ન થાય ત્યાં સુધી ભારતની નૌકાદળની શક્તિને મજબૂત બનાવે છે.

 

પરિચય

28 એપ્રિલ 2025ના રોજ ભારતે ફ્રાન્સ સાથે 26 રાફેલ-મરીન ફાઇટર જેટ ખરીદવા માટે મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેની કિંમત આશરે 63,000 કરોડ રૂપિયા છે. જેમાં 22 સિંગલ સીટ જેટ અને 4 ટ્વીન સીટ જેટનો સમાવેશ થાય છે. આ સોદો ભારતના રાફેલના નેવલ વેરિઅન્ટના પ્રથમ સંપાદનની નિશાની છે, જે તેને આ મોડેલનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓપરેટર બનાવે છે. આ સોદામાં પાયલોટ તાલીમ, ફ્લાઇટ સિમ્યુલેટર, શસ્ત્રો, આવશ્યક ઉપકરણો અને લાંબા ગાળાના જાળવણી સપોર્ટને પણ આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં ભારતીય વાયુસેના દ્વારા પહેલાથી જ ઉપયોગમાં લેવાતા રાફેલ જેટ માટે વધારાના ગિયરનો પણ સમાવેશ થાય છે. સરકારે 'આત્મનિર્ભર ભારત' પર ભાર મૂક્યો છે તેને અનુરૂપ આ સમજૂતીમાં ભારતમાં સ્વદેશી શસ્ત્રોનાં સંકલન માટે ટેકનોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.

Image

રાફેલ-મરીન: ભારતીય નૌકાદળનું નેક્સ્ટ જનરેશનનું ફાઇટર જેટ

રાફેલ-મરીન (રાફેલ-એમ) એક શક્તિશાળી, અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ છે. જેને સમુદ્રમાં વિમાનવાહક જહાજોથી સંચાલિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નિયમિત લડાકુ વિમાનો કે જે જમીન પરથી ઉડાન ભરે છે તેનાથી વિપરીત, આ વિમાન દરિયાઇ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ, ગતિશીલ જહાજો પરથી પ્રક્ષેપણ કરી શકે છે અને તેના પર ઉતરાણ કરી શકે છે. તે ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ પહેલાથી જ ફ્રેન્ચ નેવી દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ભારતીય નૌકાદળ હાલમાં બે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને INS વિક્રમાદિત્યનું સંચાલન કરે છે. ફ્રાન્સ પાસેથી 26 રાફેલ-એમ વિમાન ખરીદવાના તાજેતરના સોદાથી નૌકાદળના કાફલામાં વધારો થશે. કારણ કે આ જેટ વિમાનો બંને વાહકોથી સંચાલન કરી શકશે. રાફેલ-એમ જેટનો ઉપયોગ એર ડિફેન્સ, મેરિટાઇમ સ્ટ્રાઇક, રિકોનિસન્સ અને કોસ્ટ સ્ટ્રાઇક જેવા મિશન માટે કરવામાં આવશે. આ વિમાન નૌકાદળને દુશ્મનના ફાઇટર એરક્રાફ્ટને નિશાન બનાવવામાં મદદ કરશે, કાફલાની હવાઈ સંરક્ષણ ક્ષમતા સુનિશ્ચિત કરશે અને નૌકાદળને દુશ્મનના શસ્ત્રોની રેન્જથી બહાર રહીને સમુદ્ર પર નિયંત્રણ જાળવી રાખવામાં મદદ કરશે. રાફેલ-એમ જેટ દુશ્મનોને દરિયાઈ ક્ષેત્રની માહિતી મેળવવાથી રોકવા માટે નૌકાદળની ક્ષમતામાં પણ સુધારો કરશે. જેનાથી અન્ય પ્લેટફોર્મને લક્ષ્ય માહિતી પૂરી પાડવાની તેમની ક્ષમતા નબળી પડશે. આ વિમાનોના સમાવેશથી નૌકાદળની એકંદર કામગીરીની પહોંચ અને શક્તિમાં ઘણો વધારો થશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IO3X.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005NEU8.jpg

મુખ્ય લાક્ષણિકતાઓ:

  • વાહક સુસંગતતાઃ રિઇન્ફોર્સ્ડ લેન્ડિંગ ગીયર અને ટેઇલ હૂક વિમાનવાહક જહાજો પર સુરક્ષિત ટેકઓફ અને લેન્ડિંગને સક્ષમ બનાવે છે.
  • અદ્યતન એવિઓનિક્સ: થેલ્સ RBE2 AESA રડાર અને સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટથી સજ્જ છે, જે પરિસ્થિતિજન્ય જાગૃતિ અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે.
  • મલ્ટિરોલ ક્ષમતા: હવાની શ્રેષ્ઠતા, ગ્રાઉન્ડ એટેક, રિકોનિસન્સ અને એન્ટી-શિપ મિશન માટે સક્ષમ.
  • આર્મમેન્ટ: વિવિધ પ્રકારના શસ્ત્રો લઈ જઈ શકે છે, જેમાં એર-ટુ-એર મિસાઇલ્સ (MICA, Meteor), એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલ્સ (SCALP-EG) અને એન્ટિ-શિપ મિસાઇલ્સ (Exocet AM39) નો સમાવેશ થાય છે.
  • પ્રદર્શનઃ મેક 1.8ની મહત્તમ ઝડપ (આશરે 1,912 કિમી/કલાક) અને 50,000 ફૂટની સર્વિસ ટોચમર્યાદા.

ભારત દ્વારા રાફેલ ડીલ

રાફેલ ફાઇટર જેટ સાથે ભારતની સફર 2016માં શરૂ થઈ હતી. જ્યારે સરકારે 36 જેટ ખરીદવા માટે ફ્રાંસ સાથે સોદો કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય દેશની રક્ષાને મજબૂત કરવાનો અને ભારતીય વાયુસેના (IAF)ની ક્ષમતાઓ વધારવાનો હતો. પહેલા પાંચ રાફેલ જેટ જુલાઈ 2020માં ભારત આવ્યા હતા અને એરફોર્સ સ્ટેશન અંબાલા ખાતે તૈનાત હતા. જે બાદમાં પશ્ચિમ બંગાળના 101 સ્ક્વોડ્રનમાં જોડાયા હતા. આ જેટનો ઉપયોગ IAFમાં સામેલ થતાં પહેલાં ફ્રાન્સમાં ભારતીય પાઇલટ્સ અને ટેકનિશિયનોને તાલીમ આપવા માટે શરૂઆતમાં કરવામાં આવતો હતો.

36 રાફેલ જેટનો સોદો 126 વિમાન ખરીદવાની અગાઉની યોજનાથી અલગ હતો. મૂળ યોજનામાં ભારતમાં 108 વિમાનોનું નિર્માણ કરવાની હતી. પરંતુ નવા કરારમાં 36 જેટને ફ્રાન્સથી સીધી ડિલિવરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સોદામાં વધુ સારી કિંમત, જાળવણીની શરતો અને શસ્ત્રો અને સિમ્યુલેટર જેવા વધારાના ટેકાનો સમાવેશ થતો હતો. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સહયોગ સબમરીન જેવા અન્ય સંરક્ષણ પ્રોજેક્ટ્સ સુધી પણ વિસ્તર્યો છે.

2030 સુધીમાં ભારત પાસે કુલ 62 રાફેલ જેટ સેવામાં હશે. જેમાં 26 રાફેલ-એમ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. જે ફ્રાન્સ પછી રાફેલ વિમાનના બંને સંસ્કરણોને સંચાલિત કરનાર પ્રથમ દેશ બનશે. રાફેલ-એમના ઉમેરાથી ભારતની હવાઈ અને નૌકાદળની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. જે આકાશ અને સમુદ્ર બંનેમાં પ્રભુત્વ સુનિશ્ચિત કરશે, જ્યારે રાષ્ટ્રની સાર્વભૌમત્વને મજબૂત બનાવશે.

ભારત માટે વ્યૂહાત્મક મહત્વ

નૌકાદળની ક્ષમતાઓમાં વધારોઃ રાફેલ-મરીનનો સમાવેશ ભારતીય નૌકાદળની, ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં, કાર્યકારી ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. તે હાલના MiG-29K કાફલાની મર્યાદાઓને સંબોધે છે અને વિવિધ મિશન માટે આધુનિક, વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડે છે.

સ્વદેશી સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું: આ સોદામાં ટેકનોલોજી ટ્રાન્સફર માટેની જોગવાઈઓ અને ભારતમાં જાળવણી અને ઉત્પાદન સુવિધાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ પહેલથી હજારો રોજગારીનું સર્જન થવાની અને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.રાફેલ મરીન એરક્રાફ્ટને સામેલ કરવાથી નેવીની તાકાતમાં અનેકગણો વધારો થશે અને આ લડાકુ વિમાનો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પર તૈનાત કરવામાં આવશે. રાફેલ અદ્યતન શસ્ત્ર પ્રણાલીઓ અને મિસાઇલોથી સજ્જ હશે.

ભવિષ્યના વિકાસ માટે વચગાળાનો ઉકેલ: જ્યારે ભારત પોતાનું ટ્વીન એન્જિન ડેક આધારિત ફાઇટર (TEDBF) વિકસાવી રહ્યું છે, ત્યારે રાફેલ-મરીન સ્વદેશી પ્લેટફોર્મ તૈનાત કરવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી નૌકાદળની હવાઈ શક્તિને જાળવવા અને વધારવા માટે વચગાળાના ઉકેલ તરીકે કામ કરે છે.

નિષ્કર્ષ

રાફેલ-મરીન એક અત્યાધુનિક લડાકુ વિમાન છે. જે જહાજો પર ઉડાન ભરી શકે છે અને ઉતરી શકે છે. જે તેને મજબૂત, આધુનિક નૌકાદળ માટે યોગ્ય બનાવે છે. ફ્રાન્સ સાથે ભારતના સોદાથી નૌકાદળને માત્ર મોટું અપગ્રેડ જ નથી મળતું, પરંતુ ભારતની અંદર કૌશલ્ય, નોકરીઓ અને ક્ષમતાઓનું નિર્માણ કરવામાં પણ મદદ મળે છે. દેશની વિશાળ દરિયાઈ સરહદોની રક્ષા કરવામાં ભારતીય નૌકાદળને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.

સંદર્ભો:

રાફેલ-મરીન: ભારતની નૌકાદળની તાકાતમાં વધારો

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2125375) Visitor Counter : 39