રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કામની સમીક્ષા કરી


નવું સ્ટેશન અમદાવાદના વારસાને પ્રતિબિંબિત કરશે: અશ્વિની વૈષ્ણવ

Posted On: 01 MAR 2025 12:50PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસની પહેલોની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે તેમની મુલાકાત દરમિયાન માહિતી આપી હતી કે, નવા સ્ટેશન પરિસરની ડિઝાઇન અમદાવાદનાં સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરશે.

શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, "અમદાવાદ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું શહેર છે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં શહેરની ધરોહરથી પ્રેરિત આર્કિટેક્ચરલ તત્વો જેવા કે શહેરમાં ઝૂલતા મિનારા, તોરણ પ્રવેશ દ્વાર, પતંગોત્સવ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ અભિગમ આધુનિક ભારતનાં સાંસ્કૃતિક તાણાવાણાને જાળવવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને અનુરૂપ છે. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારતીય રેલવેના મહત્ત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ દેશભરનાં 1,300થી વધારે રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાનો છે.

શ્રી વૈષ્ણવે નવા પ્રોજેક્ટની પરિકલ્પના પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે, અપગ્રેડેડ સ્ટેશનથી અમદાવાદને ગ્લોબલ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો આપવાની સાથે-સાથે વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. મંત્રીની આ મુલાકાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સાંસ્કૃતિક જાળવણી સાથે આધુનિકીકરણને સંતુલિત કરવા માટેના સરકારના સમર્પણને રેખાંકિત કરે છે.

મંત્રીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 97 ટકા રેલવે લાઈનનું વિદ્યુતીકરણ થઈ ગયું છે અને ગુજરાતમાં ખૂબ જ ટૂંક સમયમાં 100 ટકા વિદ્યુતીકરણ  થઈ જશે. ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને રેલવે વિકાસ માટે રૂ.17155 કરોડનું વિક્રમી બજેટ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતમાં રેલવેમાં 1 લાખ 27 હજાર કરોડનું રોકાણ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે દાહોદની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો, ત્યાં એન્જિનનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે એવી જાણકારી મંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંપૂર્ણ પુનર્વિકાસ પ્રોજેક્ટ મુસાફરોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કાર્યના વિવિધ તત્વોને એકીકૃત કરશે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ફાસ્ટ ટ્રેક પર છે, તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2107198) Visitor Counter : 98


Read this release in: English