શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)નો 74મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો
આઈએલઓના મહાનિદેશક ગિલ્બર્ટ એફ. હુંગબોએ સોશિયલ પ્રોટેક્શન કવરેજને બમણું કરીને 49 ટકા કરવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
24 FEB 2025 8:05PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન હેઠળ સામાજિક ન્યાય પર સૌપ્રથમ બે દિવસીય પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના ડાયરેક્ટર જનરલ શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંવાદમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર સચિવ સુશ્રી સુમિતા દાવરા તેમજ અન્ય મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)ના 74માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે તેની સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવવાનો એવોર્ડ સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.

2023 માં શરૂ થયેલ, ગ્લોબલ કોએલિશન ફોર સોશિયલ જસ્ટિસ યોગ્ય કાર્ય, સામાજિક સુરક્ષા, જવાબદાર વ્યવસાયિક આચરણ અને ન્યાયી કાર્યને પ્રોત્સાહન આપવા માટે સહયોગી અભિગમ અને પ્રતિબદ્ધતા માટે કહે છે. ગ્લોબલ કોએલિશનમાં સરકારો, શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર, નાણાકીય સંસ્થાઓ વગેરે સહિત વૈશ્વિક ગઠબંધનના લગભગ 340 સભ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડૉ. મનસુખ માંડવિયાએ એશિયા પેસિફિક કોઓર્ડિનેટિંગ ગ્રૂપના ગૌરવશાળી સભ્ય તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, જેણે પ્રથમ પ્રાદેશિક સંવાદનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ગઠબંધનના ચાવીરૂપ હસ્તક્ષેપને સમર્થન આપતાં આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, "ભારતને ટકાઉ અને સર્વસમાવેશક સમાજો માટે જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસીસ પર પહેલનું નેતૃત્વ કરવાનો લહાવો મળ્યો છે." કેન્દ્રીય મંત્રીએ બીએમએસ અને સીઆઇઆઇ-ઇએફઆઇની નૈતિક અને સ્થાયી વ્યાવસાયિક પદ્ધતિઓ, કામદારોના અધિકારો પ્રત્યે આદર અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિ પ્રત્યેની સહિયારી કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી. "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ ભારતે આર્થિક પરિવર્તનની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષ 'સબ કા વિકાસ'નાં અમારાં વિઝનને સાકાર કરવાની વિશિષ્ટ તક પ્રસ્તુત કરશે – તમામ પ્રદેશો અને સમુદાયો માટે સંતુલિત વૃદ્ધિ.

આ પ્રસંગે ડો.માંડવિયાએ ઈ-શ્રમ મોબાઈલ એપ લોન્ચ કરી હતી, જે સરકારી કલ્યાણકારી યોજનાઓ, ઈન્ટેલિજન્ટ બેનિફિટ ફિલ્ટરિંગ, વપરાશકર્તાઓના કૌશલ્ય અને સ્થાન સાથે સુસંગત ક્યુરેટેડ જોબ લિસ્ટિંગ અને બહુભાષીય સપોર્ટ ઓફર કરીને સામાજિક લાભ પહોંચાડવાની દિશામાં એક મહત્વનું પગલું છે.
આઈએલઓના મહાનિદેશક શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબોએ ભારતનું સામાજિક રક્ષણ 24.4 ટકાથી વધારીને 48.8 ટકા કરવા માટેના પ્રયાસો માટે ભારત સરકારને અભિનંદન પાઠવ્યા હતા, જેમ કે વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ (ડબલ્યુએસપીઆર) 2024માં જણાવાયું છે. આઈએલઓના નેતૃત્વમાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવતાં ડીજી આઈએલઓએ નોંધ્યું હતું કે, સામાજિક સુરક્ષાની સાથે સાથે વેપાર-વાણિજ્યમાં વૃદ્ધિમાં ભારતનાં પ્રયાસો સમગ્ર વિશ્વમાં પરિવર્તનને પ્રેરિત કરવા અને સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવા માટે એક સારું ઉદાહરણ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ નોંધપાત્ર સિદ્ધિ છેલ્લાં થોડાં વર્ષોમાં સામાજિક સુરક્ષાનાં વિસ્તરણમાં કેન્દ્ર સરકારે લીધેલાં નિર્ણાયક પગલાંનું પરિણામ છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રીમતી શોભા કરંદલાજેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વન-સાઈઝ-ફિટ-ઓલ અભિગમ મારફતે સામાજિક ન્યાય પ્રાપ્ત ન થઈ શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય ભારતની બંધારણીય પ્રતિબદ્ધતાઓમાં જડિત છે. ડબલ્યુએસપીઆરમાં નોંધાયેલી ભારતની નોંધપાત્ર પ્રગતિનું પુનરાવર્તન કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાજિક સુરક્ષામાં સુધારો કરવાના ભારતના પ્રયાસોએ વૈશ્વિક સામાજિક સુરક્ષા કવરેજમાં 5 ટકાનો વધારો કર્યો છે. ઇએસઆઇસીને તેના 74માં સ્થાપના દિવસ પર અભિનંદન આપતાં તેમણે સામાજિક સુરક્ષાને મજબૂત કરવામાં તેની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો અને અસંગઠિત, કૃષિ, બાંધકામ, ગિગ અને પ્લેટફોર્મ કામદારોને આવરી લેવાની સરકારની યોજનાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા એમઓએલના સચિવ શ્રીમતી સુમિતા દાવરાએ વૈશ્વિક સહયોગને મજબૂત કરવા બદલ આઈએલઓના સામાજિક ન્યાય માટેના વૈશ્વિક ગઠબંધનની પ્રશંસા કરી હતી. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં વિઝન સાથે ભારતને સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર ગણાવતાં તેમણે સામાજિક ન્યાયનાં સિદ્ધાંતો પર દેશનાં પાયા, 35 વર્ષથી ઓછી ઉંમરની 65 ટકા વસતિ સાથે મજબૂત જનસાંખ્યિક ડિવિડન્ડ અને રોજગારીનાં સર્જન, સમાનતા અને કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે વર્ષ 2047 સુધીમાં આર્થિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી 70 ટકા મહિલાઓ હાંસલ કરવાનાં ભારતનાં લક્ષ્યાંકનો પુનરોચ્ચાર કર્યો હતો તથા યુવા કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને મહિલા કર્મચારીઓની સહભાગીદારી સહિત જવાબદાર વ્યાવસાયિક પદ્ધતિઓ અપનાવવા બદલ ઉદ્યોગજગતનાં અગ્રણીઓની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે, ભારતનું સૌથી મોટું કામદાર સંગઠન, ભારતીય મજદૂર સંઘ (બીએમએસ) ગ્લોબલ કોએલિશન ફોર સોશિયલ જસ્ટિસમાં જોડાયું હતું. ભારતીય મઝદૂર સંઘ (બીએમએસ) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી-એમ્પ્લોયર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (સીઆઇઆઇ-ઇએફઆઇ) દ્વારા પ્રસ્તુત જવાબદાર વ્યવસાયિક આચરણ પર સંયુક્ત નિવેદન મારફતે આ સંસ્થાઓએ આ એજન્ડા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ ઉપરાંત કેટલાંક મુખ્ય પ્રકાશનોનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતમાં જવાબદાર બિઝનેસ કન્ડક્ટ પર શ્રેષ્ઠ પદ્ધતિઓ, ડેટા પૂલિંગ મારફતે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાઝ સોશિયલ પ્રોટેક્શન લેન્ડસ્કેપ પર પોઝિશન પેપર, કોમ્પેન્ડિયમ ઓફ સોશિયલ પ્રોટેક્શન ઇન ઇન્ડિયા, અનૌપચારિક કામદારો માટે સોશિયલ સિક્યોરિટીઃ રિફ્લેક્શન્સ એન્ડ લર્નિંગ્સ ફ્રોમ આઇએસએસએ-ઇએસઆઇસી ઇન્ટરનેશનલ સેમિનાર, 2025 અને શ્રમ સમર્થઃ અ જર્ની ટુ એક્સેલન્સ સામેલ છે.

કાર્યક્રમની સાથે સાથે એક પ્રદર્શનમાં શ્રમ કલ્યાણ, સામાજિક સુરક્ષા, તબીબી સંભાળ, કર્મચારી વ્યવસ્થાપન, ઔદ્યોગિક સલામતી અને અન્ય બાબતોમાં ટેકનોલોજીના નવીન ઉપયોગને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સહભાગીઓએ દર્શાવ્યું હતું કે કેવી રીતે ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે, સેવાઓમાં વધારો કરી રહી છે અને કામદારો માટે પહોંચમાં વધારો કરી રહી છે.

યુવા સશક્તિકરણ, સામાજિક ન્યાય અને સર્વસમાવેશકતા પર ચર્ચાને આગળ વધારવા માટે શ્રેણીબદ્ધ સમજદાર ટેકનિકલ સત્રો વૈશ્વિક નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને ઔદ્યોગિક અગ્રણીઓને એકમંચ પર લાવ્યા હતા. આ સત્રોમાં શિક્ષણ-થી-રોજગારના અંતરને દૂર કરવા, અનૌપચારિક કામદારો માટે સામાજિક સુરક્ષાને વિસ્તૃત કરવા અને કાર્યબળમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચનાઓની શોધ કરવામાં આવી હતી. ભારત, ફિલિપાઇન્સ, નામિબિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે આઇએલઓ અને યુએન વિમેન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં મુખ્ય હિતધારકોએ ડિજિટલ કૌશલ્ય સંવર્ધન પ્લેટફોર્મ, સામાજિક સુરક્ષા માળખું અને લિંગ-રિસ્પોન્સિવ વર્કપ્લેસ નીતિઓ સહિત શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કર્યું હતું. સહયોગ અને નવીનીકરણ પર ભાર મૂકીને ચર્ચાઓએ સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને તમામ માટે સમાન તકો સુનિશ્ચિત કરવામાં સરકારી-ખાનગી ભાગીદારીનાં મહત્ત્વને પ્રતિપાદિત કર્યું હતું.
આજનો આ કાર્યક્રમ વૈશ્વિક કેન્દ્ર સ્થાને ભારતે કરેલી પ્રગતિને પ્રદર્શિત કરે છે. ભારતની સામાજિક ન્યાયની વૃદ્ધિની સફર, જેમાં 3.2 ટકા બેરોજગારી દર, આધુનિક શ્રમ સંહિતાઓ, 48.8 ટકા સામાજિક સુરક્ષા કવચ, જીવન નિર્વાહ વેતન નક્કી કરવા પર આઇએલઓ સાથે ભાગીદારી, જવાબદાર વ્યવસાયિક આચારનું નિર્માણ, એશિયા પેસિફિકમાં પ્રાદેશિક એજન્ડાનું નેતૃત્વ કરતા સફળતાના બિઝનેસ કેસ સ્ટડીઝનું પ્રદર્શન સામેલ છે, જે ભારતના આત્મવિશ્વાસ અને નિર્ણાયક સ્થિતિનું પ્રતીક છે.
ભારતના સામાજિક સંરક્ષણના વ્યાપને વધુ મજબૂત કરવા, વ્યવસાયોના જી20 આંતરરાષ્ટ્રીય સંદર્ભ વર્ગીકરણને વિકસાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરવા અને જીવનધોરણ, એઆઈ અને ફ્યુચર ઓફ વર્ક અને ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશને યોગ્ય કાર્યક્રમ દ્વારા આગળ વધારવા માટે સહયોગી અભિગમ અપનાવીને, બે દિવસનું સમિટ એક પથપ્રદર્શક પહેલ અને મજબૂત સહકાર માટે વૈશ્વિક ચળવળ સાબિત થશે.
AP/IJ/GP/JD
(Release ID: 2105952)
Visitor Counter : 60