યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

BIMSTEC યુવા સમિટ 2025 7 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થશે


કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા BIMSTEC યુવા સમિટ 2025નું ઉદ્ઘાટન કરશે

BIMSTEC યુવા સમિટમાં મેરા યુવા ભારત પહેલને પ્રકાશિત કરવામાં આવશે

BIMSTEC સમિટમાં યુવા નેતાઓ વૈશ્વિક પડકારો અને યુવા-નેતૃત્વ પહેલ પર છણાવટ કરશે

Posted On: 07 FEB 2025 6:38PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોનો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં 7 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. જેમાં BIMSTEC યૂથ સમિટનો શુભારંભ થશે.

30થી 31 ઓગસ્ટ, 2018નાં રોજ કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ દરમિયાન ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રીએ ત્રણ દિવસનાં BIMSTEC યુવા શિખર સંમેલનનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ BIMSTEC દેશોનાં યુવાનોને સંગઠિત મંચ પર લાવવાનો છે.

BIMSTEC યુવા શિખર સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે અનુભવોના આદાન-પ્રદાન અને યુવાનોની આગેવાની હેઠળની પહેલોના આદાન-પ્રદાનને સુલભ બનાવવાનો છે. "યુથ એઝ અ બ્રિજ ફોર ઇન્ટ્રા-BIMSTEC એક્સચેન્જ"ની થીમ પર કેન્દ્રિત આ સમિટનો ઉદ્દેશ આ ક્ષેત્રના સહિયારા લક્ષ્યાંકોને આગળ વધારવા માટે યુવા નેતાઓની સામૂહિક ઊર્જાનો ઉપયોગ કરવાનો છે. ભારત સરકારનો ઉદ્દેશ આ યુવા ઊર્જાને વર્ષ 2030 સુધીમાં સંયુક્ત રાષ્ટ્રનાં સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી) હાંસલ કરવાની દિશામાં વાળવાનો છે.

આ સમિટ એસડીજીની પ્રગતિ અને પ્રગતિ પર સંવાદ માટે અમૂલ્ય મંચ પ્રદાન કરશે, જેમાં BIMSTEC દેશોના 70 પ્રતિનિધિઓને એકમંચ પર લાવવામાં આવશે. દરેક સભ્ય દેશનું પ્રતિનિધિત્વ 10 યુવા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે. જેમને મુખ્ય ક્ષેત્રોમાં તેમની કુશળતા માટે પસંદ કરવામાં આવશે, જે લક્ષિત ચર્ચાઓને પ્રોત્સાહન આપશે અને સમિટમાંથી અર્થપૂર્ણ પરિણામોમાં ફાળો આપશે.

BIMSTEC યુવા શિખર સંમેલનના ઉદ્ઘાટનના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છેઃ

a. સભ્ય દેશોના યુવા નેતાઓને વૈશ્વિક પડકારો, આર્થિક અને સામાજિક મુદ્દાઓ તથા યુવાનો સાથે સંબંધિત વિકાસ એજન્ડાઓ પર ભાર મૂકવા સક્રિયપણે જોડાવા માટે પ્રેરિત કરવા.

b. યુવાનોને સશક્ત બનાવતા વ્યૂહાત્મક મુદ્દાઓ પર દ્રષ્ટિકોણના રચનાત્મક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવું

c. નવીન વિચારો અને સમાધાનોનું સર્જન કરવું, જે આ ક્ષેત્ર અને તેનાથી આગળ ઉજ્જવળ અને વધારે સ્થાયી ભવિષ્યનું નિર્માણ કરવામાં પ્રદાન કરે.

"વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ X BIMSTEC" વિષય પર એક સત્ર પણ યોજાશે, જેમાં યુવા નેતાઓને તેમના સંબંધિત દેશોમાંથી યુવા વિકાસની મુખ્ય પહેલો પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત આ સમિટમાં મેરા યુવા ભારત (MyBharat) પર એક સત્ર યોજાશે. જે ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી પહેલ છે. આ પહેલ યુવા વિકાસ અને યુવાનોની આગેવાની હેઠળની પ્રગતિ માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત એક વ્યાપક સંસ્થાકીય વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. મેરા યુવા ભારતનો ઉદ્દેશ યુવાનો માટે સમાન તકો ઉપલબ્ધ કરાવવાનો, તેમને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ કરવાનો અને વર્ષ 2047 સુધીમાં અમૃત ભારતનાં નિર્માણમાં પ્રદાન કરવાનો છે. આ સત્ર એ પણ દર્શાવશે કે ભારત સરકાર કેવી રીતે યુવાનોના કલ્યાણને ટેકો આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. જે અન્ય BIMSTEC દેશોના પ્રતિનિધિઓને મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

પ્રતિનિધિઓને મુખ્ય સાંસ્કૃતિક અને આધુનિક સીમાચિહ્નોનું અન્વેષણ કરવાની તક પણ મળશે. તેઓ મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશોને સમર્પિત ભારતનું સૌથી મોટું અને એકમાત્ર મ્યુઝિયમ દાંડી કુટીર તેમજ મહાત્મા ગાંધીના ભૂતપૂર્વ નિવાસસ્થાન સાબરમતી આશ્રમ અને તેમના અહિંસા અને આત્મનિર્ભરતાના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટેના કેન્દ્રની મુલાકાત લેશે. તેઓ સાબરમતી રિવરફ્રન્ટ અને ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)ની પણ મુલાકાત લેશે. જે ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) છે. ગિફ્ટ સિટીની રચના વૈશ્વિક નાણાકીય સેવાઓ, ટેકનોલોજી અને નવીનતાને વેગ આપવા માટે કરવામાં આવી છે. ગિફ્ટ સિટીની મુલાકાત યુવા પ્રતિનિધિઓને વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજીનું કેન્દ્ર બનવાની ભારતની આકાંક્ષાઓનો પ્રત્યક્ષ અનુભવ પ્રદાન કરશે, જેમાં અત્યાધુનિક સ્માર્ટ સિટી નવીનતાઓ અને વૈશ્વિક વાણિજ્યનાં પ્રેરક પરિદ્રશ્યને પ્રદર્શિત કરવામાં આવશે. આ અનુભવ પ્રતિનિધિઓને તેમની પોતાની અર્થવ્યવસ્થા અને સમુદાયોના ભાવિને આકાર આપવા માટે પ્રેરિત કરશે.

ધ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC) એક પ્રાદેશિક સંસ્થા છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂતાન એમ સાત સભ્ય દેશોનો સમાવેશ થાય છે. BIMSTEC જળવાયુ પરિવર્તન, ગરીબી અને સ્થાયી વિકાસ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે બંગાળની ખાડીની સરહદે આવેલા દેશો વચ્ચે રાજકીય, સુરક્ષા અને આર્થિક સહકારને મજબૂત કરે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2100798) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi , Tamil