માહિતી અને પ્રસારણ મંત્રાલય
ગુજરાતની મુલાકાતે આવશે કેરળનાં મહિલા પત્રકારો
PIB, તિરુવનંતપુરમ દ્વારા આ મીડિયા ટૂરનું આયોજન
Posted On:
16 DEC 2024 4:45PM by PIB Ahmedabad
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) તિરુવનંતપુરમ તા. 16 થી 23 ડિસેમ્બર, 2024 દરમિયાન કેરળનાં મહિલા પત્રકારો સાથે ગુજરાતની મીડિયા ટૂરનું આયોજન કર્યું છે. આ પ્રવાસમાં કેરળના અગ્રણી અખબારો, પ્રિન્ટ અને ઓનલાઈન પ્લેટફોર્મના 10 પત્રકારોનું ઓલ-વુમન ડેલિગેશન છે.
આ પ્રતિનિધિમંડળ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય નવીનતામાં ગુજરાતની પ્રગતિની ઓળખ જેવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી અને અમૂલ ફેક્ટરી જેવા મહત્વના સ્થળોની મુલાકાત લેશે. સાથે જ તેઓ રાજ્યનો પુરાતન વારસો જેમાં રાણી કી વાવ, મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર અને વડનગર જેવા હેરિટેજ સ્થળોની મુલાકાત લઈને રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિની જાણકારી મેળવશે.
મીડિયા પ્રતિનિધિઓ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત કરશે અને સાથે રાજ્યની વિકાસલક્ષી પહેલો અંગે જાણકારી પણ મેળવશે. તેઓ ધોરડો ખાતે રણ ઉત્સવનો અનુભવ કરવા અને સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના સ્થળ ધોળાવીરાનું અન્વેષણ કરવા કચ્છની પણ મુલાકાત લેશે. ઉપરાંત તેઓ ધરતીકંપમાં થયેલા કચ્છનાં બેહાલ અને ત્યાર બાદ તેણે કરેલા વિકાસની વિગત સ્મૃતિવનની મુલાકાત દરમિયાન મેળવશે. સરહદનાં પ્રહરીઓની જિંદગી અને સીમા સુરક્ષા માટે બીએસએફ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની જાણકારી મેળવવા તેઓ નડાબેટ બીએસએફ કેમ્પની મુલાકાત પણ કરશે.
આ પ્રવાસ કેરળના પત્રકારોને ગુજરાતના વિકાસ અને વારસાની વ્યાપક સમજણ તેમજ રૂબરૂ અનુભવ મેળવવાની તક આપશે.
AP/IJ/GP/JD
(Release ID: 2084853)
Visitor Counter : 70