ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું પાલન ન કરતી 17 ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને નોટિસ ફટકારી
ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે 13 કેસોમાં તપાસ ચાલી રહી છે
Posted On:
13 DEC 2024 3:20PM by PIB Ahmedabad
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમાંથી 13 એકમોની હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ઉપભોક્તા અધિકારોને જાળવવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીસીપીએએ પ્રત્યક્ષ વેચાણ પ્રવૃત્તિઓના નિયમન પર અને પ્રસ્તુત કાનૂની માળખાનું અનુપાલન સુનિશ્ચિત કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ અંગે ઓથોરિટીએ આ ડાયરેક્ટ સેલિંગ કંપનીઓની વેબસાઈટ્સની કાળજીપૂર્વક તપાસ કરી હતી.
ડાયરેક્ટ સેલિંગ એ નિશ્ચિત રિટેલ પરિસરથી દૂર, સીધા જ ગ્રાહકોને માલ અથવા સેવાઓના માર્કેટિંગ, વિતરણ અને વેચાણની એક પદ્ધતિ છે. આ પદ્ધતિ એન્ટિટીના સ્વતંત્ર પ્રતિનિધિઓ પર આધાર રાખે છે, જે ડાયરેક્ટ સેલર્સ તરીકે ઓળખાય છે, જે ખાસ કરીને વ્યક્તિગત સંપર્ક, ઓનલાઇન પ્લેટફોર્મ અથવા હોમ પ્રેઝન્ટેશન દ્વારા ગ્રાહકોને ઉત્પાદનોનું સીધું વેચાણ કરે છે. નૈતિક ડાયરેક્ટ સેલિંગ વ્યવસાયો પારદર્શક રીતે કામ કરે છે, ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા વિના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને તેમના પ્રતિનિધિઓ માટે વાજબી વળતર પૂરું પાડે છે.
ભારત સરકારે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) રૂલ્સ, 2021ને નોટિફાઇડ કર્યું હતું, જેમાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓનું નિયમન કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે એક વિસ્તૃત માળખું સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ નિયમોનો હેતુ ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગમાં પારદર્શિતા, જવાબદારી અને નૈતિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે, જે ગ્રાહકોને સુમાહિતગાર નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં, આ નિયમો અન્ય નિયમનકારી માળખાને પૂરક બનાવે છે, જેમાં ગ્રાહક સુરક્ષા (ઇ-કોમર્સ) નિયમો, 2020 અને લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011 સામેલ છે, જે ગ્રાહક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે.
જો કે, કેટલીક નકલી કંપનીઓ ગેરકાયદેસર પિરામિડ અથવા મની સર્ક્યુલેશન યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે ડાયરેક્ટ સેલિંગ મોડેલનો દુરુપયોગ કરે છે. આ કંપનીઓ મોટેભાગે ઉચ્ચ કમિશન, વિદેશી પ્રવાસો, એન્ટ્રપ્રાઇઝિંગ, ઊંચું વળતર અને ભવિષ્યમાં રૂપિયા આપવાના અવાસ્તવિક વચનો આપે છે, જે અન્યની ભરતી પર આધારિત હોય છે, જે ગ્રાહકોના વિશ્વાસ અને સ્થાપિત કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને ગ્રાહકોનો કપટપૂર્ણ પિરામિડ અને મની સર્ક્યુલેશન સ્કીમ્સ માટે ઉપયોગ કરે છે. પિરામિડ યોજનાઓને છુપાવવા માટે ઉત્પાદનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા ત્રણ મુખ્ય સંકેતો આ મુજબ છે:
- મોટી જોડાણ ફી અથવા રોકાણ.
- ભરતી માટે ચૂકવવામાં આવેલું વળતર
- વળતર, બાય-બેક અથવા કૂલિંગ ઓફ પિરિયડનો કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી.
માહિતગાર નિર્ણયો લેવા અને કપટપૂર્ણ યોજનાઓનો ભોગ બનવાનું ટાળવા માટે ગ્રાહકોએ નીચેની બાબતોનો ઉપયોગ કરવો જાઇએઃ
- ડિસ્ક્લોઝર ચેક કરો: ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) રૂલ્સ, 2021માં પ્રદાન કર્યા મુજબ, તેની વેબસાઇટ, તેના ઉત્પાદનો / સેવાઓ પર કંપની વિશે સ્પષ્ટ અને સંપૂર્ણ જાહેરાતો જુઓ, જેમાં સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, પાન, જીએસટી નોંધણી, ઓફર કરેલા માલ અને સેવાઓ અનુસારના મહત્વપૂર્ણ લાઇસન્સ, ટ્રેડમાર્કના રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
- ભરતી-આધારિત આવકો ટાળોઃ એવા વ્યવસાયોથી સાવચેત રહો જે વાસ્તવિક ઉત્પાદનો અથવા સેવાઓ વેચવાને બદલે મુખ્યત્વે અન્યની ભરતી કરવાથી થતી કમાણી પર ભાર મૂકે છે.
- રિટર્ન અને રિફંડ નીતિઓને સમજોઃ એ સુનિશ્ચિત કરો કે એન્ટિટી પારદર્શક વળતર, રિફંડ અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા પૂરી પાડે છે.
- કરારો કાળજીપૂર્વક વાંચો: કોઈ પણ નાણાકીય પ્રતિબદ્ધતાઓ સહિત તમામ નિયમો અને શરતોની વિગતવાર સમીક્ષા કરો.
- પ્રત્યક્ષ વેચાણકર્તાઓની ખરાઈઃ માન્ય ઓળખપત્ર ધરાવતાં પ્રત્યક્ષ વેચાણકર્તાઓ સાથે જ વાતચીત કરો, યોગ્ય વેચાણ નિદર્શન પૂરું પાડો અને અસમર્થિત દાવાઓ અને વચનો આપવાનું ટાળો.
લાગુ પડતા કાનૂની માળખાનું અનુપાલન સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં નીચેની 17 ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને કથિત ગેરવાજબી વેપાર પદ્ધતિઓ, સેવાની ખામીઓ અને ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021ના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છેઃ
- વિહાન ડાયરેક્ટ સેલિંગ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (ક્યુનેટ ગ્રૂપ, હોંગકોંગની પેટા ફ્રેન્ચાઇઝી)
- ટ્રિપટેલ્સ પ્રા.લિ.
- ઓરિન્સ ગ્લોબલ માર્કેટિંગ પ્રા.લિ.
- ઝેન્નેસા વેલનેસ પ્રા.લિ.
- ઓર્ગોલાઇફ સોલ્યુશન્સ પ્રા.લિ.
- ઓરિફ્લેમ ઇન્ડિયા પ્રા.લિ.
- જંક્શન માર્કેટિંગ પ્રા.લિ.
- વોલ્ટે માર્કેટિંગ પ્રા.લિ.
- પ્રીત લાઇફ કેર પ્રા.લિ.
- એનરૂટ્સ હોરાઇઝન પ્રાઇવેટ લિ.
- ઇ બાયોટોરિયમ નેટવર્ક પ્રા.લિ.
- મેઘદૂત માર્કેટિંગ પ્રા.લિ.
- સુઇ ધાગા લાઇફસ્ટાઇલ પ્રા.લિ.
- વિનમાર્ગ બિઝનેસ પ્રા.લિ.
- આયુસરત્ના નેચરલ હર્બલ પ્રા.લિ.
- બાયોથોન લાઇફકેર પ્રા.લિ.
- ઓકફ્લિપ ઈન્ડિયા પ્રા.લિ.
હાલ આમાંથી 13 કેસની તપાસ ચાલી રહી છે, જ્યારે ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. આ પગલાંનો ઉદ્દેશ ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગમાં છેતરામણી અને શોષણકારી પદ્ધતિઓ વિશેની ચિંતાઓને દૂર કરવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે રચાયેલા નિયમનકારી માળખાનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.
વિભાગ તમામ ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને નિયમનકારી માળખાનું કડક પાલન કરવા અને તેમની કામગીરીમાં ગ્રાહક કલ્યાણને પ્રાધાન્ય આપવા વિનંતી કરે છે. સરકાર એક વાજબી, પારદર્શી અને ગ્રાહકને અનુકૂળ બજારની ઇકોસિસ્ટમ ઊભી કરવાના તેના મિશનમાં મક્કમ છે.
ગ્રાહકોને જાગૃત રહેવાની અને યોગ્ય અધિકારીઓને સીધા વેચાણથી સંબંધિત કોઈપણ શંકાસ્પદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા ઉલ્લંઘનની જાણ કરવાની સલાહ આપવામાં આવે છે. સંયુક્તપણે આપણે તમામ માટે એક સુરક્ષિત અને ભરોસાપાત્ર બજારને સુનિશ્ચિત કરી શકીએ છીએ.
AP/IJ/GP/JD
(Release ID: 2084167)
Visitor Counter : 93