સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ વિભાગની પહેલઃ શ્રાવણ મહિનામાં ઘરે બેસીને મેળવો શ્રી સોમનાથ આદિ જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ સ્પીડ પોસ્ટ દ્વારા
પોસ્ટલ વિભાગ શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ શ્રાવણમાં તમારા ઘરે પહોંચાડશે, આ માટે 270 રૂપિયાનો ઈ-મની ઓર્ડર કરવો પડશેઃ પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
23 JUL 2024 10:58AM by PIB Ahmedabad
શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ અને પ્રસાદ મળે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છા હોવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. ટપાલ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણે ઘરે બેસીને ગુજરાતના જૂનાગઢ જિલ્લાના પ્રભાસપાટણ સ્થિત શ્રી સોમનાથ આદિ જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ મેળવી શકશે. આ માટે પોસ્ટલ વિભાગે શ્રાવણ મહિનામાં ખાસ વ્યવસ્થા કરી છે. ઉપરોક્ત માહિતી અમદાવાદ પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે આપી હતી.
પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભક્તોને તેમના ઘરે બેસીને પ્રસાદ આપવા માટે ભારતીય ટપાલ વિભાગ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કોઈપણ ભક્ત મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત-362268નો સંપર્ક કરી શકે છે. 270 રૂપિયાનો ઈ-મની ઓર્ડર મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનો ઓર્ડર કરી શકે છે. આ ઈ-મની ઓર્ડર પર “પ્રસાદ માટે બુકિંગ”નો ઉલ્લેખ કરવાનો રહેશે ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને 400 ગ્રામ પ્રસાદનું પેકેટ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલશે.
શ્રી સોમનાથ આદિ જ્યોતિર્લિંગ મંદિરના પ્રસાદમાં સમાવિષ્ટ વસ્તુઓ
પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ પ્રસાદમાં 200 ગ્રામ ચણાના લોટના લાડુ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કી સામેલ હશે. આ પ્રસાદ ઝડપથી સ્પીડ પોસ્ટ દ્વારા ભક્તોના ઘરે પહોંચાડવામાં આવશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2035503)
Visitor Counter : 85