અંતરિક્ષ વિભાગ
azadi ka amrit mahotsav

પીઆરએલ, અમદાવાદ ખાતે સમાંતર કમ્પ્યુટિંગ અને એઆઈ પર વર્કશોપ

Posted On: 04 JUL 2024 1:39PM by PIB Ahmedabad

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), અમદાવાદની 1પેટા ફ્લોપ પરમ વિક્રમ 1000 હાઈ-પર્ફોર્મન્સ ક્લસ્ટર (એચપીસી) સુવિધાની પહેલી વર્ષગાંઠ મનાવવા માટે 01-03 જુલાઈ, 2024 દરમિયાન પીઆરએલમાં એચપીસીનો ઉપયોગ કરીને "સમાંતર પ્રોગ્રામિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ” પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, ઇજનેરો, સંશોધકો અને શિક્ષણવિદો વચ્ચે નેટવર્કિંગ અને સહયોગ માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

પી.આર.એલ.ના નિયામક પ્રો. અનિલ ભારદ્વાજે તેમના પ્રારંભિક મુખ્ય વક્તવ્યમાં જટિલ આધુનિક સંશોધન સમસ્યાઓના નિરાકરણમાં એચપીસી સુવિધાની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, એચપીસી પર એઆઈનો ઉપયોગ કેવી રીતે નવા સંશોધનના માર્ગો ખોલી શકે છે. પીઆરએલના પ્રો. બિજયા કુમાર સાહુ અને પ્રો. વરુણ શીલે પણ સંશોધનની સમસ્યાઓનો સમયબદ્ધ રીતે ઉકેલ લાવવા અને કમ્પ્યુટેશનલ સીમાઓને દૂર કરવા માટે બહુવિધ પ્રોસેસર્સ / કોરની શક્તિનો ઉપયોગ કરવા માટે એચપીસીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રો. ડી. પલ્લમરાજુ, ડીન પ્રો. આર. ડી. દેશપાંડે, રજિસ્ટ્રાર અને પીઆરએલના અન્ય સિનિયર ફેકલ્ટી મેમ્બર્સ પણ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

આમંત્રણના આધારે પીઆરએલ તેમજ અન્ય યુનિવર્સિટીઓ/કોલેજોના 45 જેટલા સહભાગીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ સમાંતર પ્રોગ્રામિંગની ઝીણીમાં ઝીણી વિગત સમજવા માટે પ્રયોગશાળા અભ્યાસ કર્યો. વર્કશોપની વ્યવસ્થા કરવા અને વ્યવહારિક સત્રોના સંચાલનમાં પીઆરએલના સીએનઆઈટી ડિવિઝનના વડા શ્રી જીગર રાવલ અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2030657) Visitor Counter : 78


Read this release in: English