કાપડ મંત્રાલય

ટેક્સટાઇલ મંત્રાલય અને ગુજરાત સરકારે નવસારી જિલ્લામાં વાંસી ખાતે પ્રધાનમંત્રી મિત્ર પાર્ક માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા


કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મિત્ર પાર્કનું ધ્યાન ટેક્સટાઇલ ક્ષેત્રમાં ગુણવત્તા, વ્યાપ અને સ્થિરતા લાવવા પર કેન્દ્રિત છે

આ પાર્કથી 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત થવાની અને 3 લાખ લોકો માટે રોજગારીનું સર્જન થવાની સંભાવના છે

Posted On: 13 JUL 2023 8:39PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રીનાં 5F વિઝન – ફાર્મ ટુ ફાઇબર ટુ ફેબ્રિક ટુ ફેશન ટુ ફોરેનથી પ્રેરિત થઈને ગુજરાત ભારત સરકાર પાસેથી ઔપચારિક મંજૂરી મેળવ્યા બાદ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનાં વાંસી ગામમાં પીએમ મિત્ર પાર્કની સ્થાપના કરી રહ્યું છે. ભારત સરકાર (ટેક્સટાઇલ મંત્રાલય) અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવાનો કાર્યક્રમ તા.13/07/2023ના રોજ ગુજરાતના સુરતમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ટેક્સટાઇલ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ, માનનીય કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ, ગુજરાતના માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ તકે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, સુરતનો સર્વાંગી વિકાસ જોઇને મને કોઇ શંકા નથી કે પીએમ મિત્ર પાર્ક માટે તેની પસંદગી થઇ છે. પ્રધાનમંત્રી મોદીની સરકારનાં 9 વર્ષના ટૂંકા ગાળામાં આજે આપણે વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ છીએ. કારણ કે આ બધા માટે પીએમની પોતાની વિચારસરણી છે કે તેઓ સમસ્યાનાં મૂળમાં જઈને કોઈ સમાધાન શોધે. આ સાથે જ આ તમામ માટે વિવિધ નીતિઓ અને યોજનાઓ પણ બનાવવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક્સપોર્ટ ઇન્ડેક્સ, લોજિસ્ટિક્સ, ગુડ ગવર્નન્સ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત આગળ છે. આ પીએમ મિત્ર પાર્કની કલ્પના ટેક્સટાઇલ સેક્ટરમાં ગુણવત્તા, સ્કેલ અને ટકાઉ ટેક્સટાઇલ્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ગુજરાતના નવસારીમાં આ પાર્ક આવવાથી લાખો લોકોને રોજગારી મળશે.

આ મેગા પાર્ક ગુજરાતના નવસારી જિલ્લાના વાંસી ગામમાં 1142 એકર જમીન પર બનાવવામાં આવી રહ્યો છે. જમીન જી.આઈ.ડી.સી.ના કબજા હેઠળ છે. આ સ્થળ સુરત ટેક્સટાઇલ્સ ક્લસ્ટરની નજીકમાં છે. તે સુરતથી 55 કિલોમીટરનાં અંતરે આવેલું છે. આ પાર્ક સુરત એરપોર્ટથી 55 કિલોમીટર, નજીકનાં બંદર હજીરાથી 66 કિલોમીટર, નજીકનાં રેલવે સ્ટેશન નવસારીથી 19 કિલોમીટરનાં અંતરે આવેલું છે. આ પાર્ક ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર (ડીએફસી)ના પ્રસ્તાવિત રૂટ મારફતે મુંબઈ અને દિલ્હી સુધી ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી ધરાવશે.

આ પાર્કમાં રસ્તાઓ અને પાર્કિંગ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજ સિસ્ટમ, પાણી પુરવઠા વ્યવસ્થા, સુએઝ કલેક્શન અને ટ્રીટમેન્ટ સિસ્ટમ, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાઇનેજ અને લેન્ડસ્કેપિંગ અને એડમિનિસ્ટ્રેશન કોમ્પ્લેક્સ જેવી સામાન્ય માળખાગત સુવિધાઓ હશે. તેમાં સેન્ટર ઑફ એક્સલન્સ, કોમન પ્રોસેસિંગ સુવિધા, મટિરિયલ હેન્ડલિંગ સુવિધાઓ, સ્ટીમ જનરેશન પ્લાન્ટ અને વર્કર્સ હોસ્ટેલ અને હાઉસિંગ જેવી વિશેષ માળખાગત સુવિધાઓ પણ હશે. તદુપરાંત, ઊંડા સમુદ્રમાં ટ્રીટેડ ગંદાં પાણીને છોડવાં માટે ઊંડા સમુદ્રની પાઇપલાઇનની દરખાસ્ત કરવામાં આવી છે, જે નદી અને જમીનનું પ્રદૂષણ ઘટાડીને સ્વચ્છ પર્યાવરણ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ માળખાગત સુવિધાઓની હાજરીથી ઉત્પાદનનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે અને ઉદ્યોગોને રાષ્ટ્રીય અને વૈશ્વિક બજાર માટે સ્પર્ધાત્મક ભાવો હાંસલ કરવામાં મદદ મળશે.

આ પીએમ મિત્ર પાર્કથી 3,00,000થી વધુ લોકો માટે કુલ રોજગારીનું સર્જન થશે, જેનો સીધો લાભ સમગ્ર ગુજરાતને મળશે. તદુપરાંત, તે ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્રની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને વિશ્વભરના અગ્રણી રોકાણકારોને આકર્ષિત કરશે. આ પાર્ક ભારતભરના અગ્રણી કાપડ અને ગારમેન્ટ જૂથો પાસેથી આશરે રૂ. 10,00,000 કરોડનાં રોકાણની અપેક્ષા રાખે છે.

ગુજરાતને ભારતનાં ટેક્સટાઇલ હબ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય તેનાં વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ અને રોકાણને ટેકો આપતી પહેલ માટે પણ જાણીતું છે. ક્ષેત્રીય વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમાં વિવિધ બારીક રીતે ટ્યુન કરેલી નીતિઓ છે. ટેક્સટાઇલ સેક્ટરમાં ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી, 2019 હેઠળ વ્યાજ સબસિડી, પાવર ટેરિફમાં રાહત, ટેક્નૉલોજી અપગ્રેડેશન અને અન્ય ઘણાં પ્રોત્સાહનો પ્રદાન કરવામાં આવે છે. તદુપરાંત, ટેક્સટાઇલ ક્ષેત્રને આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 હેઠળ "થ્રસ્ટ સેક્ટર" તરીકે ઓળખવામાં આવ્યું છે, જે ઉદ્યોગપતિઓને વધારાના આકર્ષક લાભો પ્રદાન કરે છે.

કેન્દ્ર સરકારે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન્સ એન્ડ એપરલ (પીએમ મિત્ર) યોજના હેઠળ સાત મેગા ટેક્સટાઇલ પાર્ક્સ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી. ગુજરાત ઉપરાંત તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ આ પાર્ક્સ સ્થપાઇ રહ્યા છે.

YP/GP/JD



(Release ID: 1939330) Visitor Counter : 197


Read this release in: English