પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું

“અમે અમૃતકાળનું નામ ‘કર્તવ્યકાળ’ રાખ્યું છે. નિશ્ચયોમાં આપણા આધ્યાત્મિક મૂલ્યોનું માર્ગદર્શન તેમજ ભવિષ્ય માટેના સંકલ્પોનો સમાવેશ થાય છે”


"ભારતમાં આધ્યાત્મિક મહત્વ ધરાવતા સ્થળોનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે, તો સાથે સાથે ટેકનોલોજી અને અર્થતંત્રમાં પણ દેશ અગ્રેસર રહ્યો છે"


"દેશમાં જે પરિવર્તન જોવા મળી રહ્યું છે, તે દરેક સામાજિક વર્ગે આપેલા યોગદાનનું પરિણામ છે"


"ભારતમાં હજારો વર્ષોથી તમામ સંતોએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાનું જતન કર્યું છે"


"ભારત જેવા દેશમાં, ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓ હંમેશા સામાજિક કલ્યાણના કેન્દ્રમાં રહી છે"


"આપણે સત્ય સાઇ જિલ્લાને સંપૂર્ણ ડિજિટલ બનાવવાનો નિશ્ચય કરવો જોઇએ"


"પર્યાવરણ અને ટકાઉક્ષમ જીવનશૈલી જેવા ક્ષેત્રોમાં ભારતના ઉભરતા નેતૃત્વ માટે આવા તમામ પ્રયાસોમાં સત્ય સાઇ ટ્રસ્ટ જેવી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્થાઓની ભૂમિકા ઘણી મોટી છે"

Posted On: 04 JUL 2023 12:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં નિર્માણ પામેલા સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં સમગ્ર વિશ્વમાંથી અગ્રણી મહાનુભાવો અને ભક્તોની હાજરી જોવા મળી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ બદલ દરેક લોકોને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં અતિ વ્યસ્તતાના કારણે તેઓ પ્રત્યક્ષરૂપે હાજર રહી શક્યા ન હતા. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, શ્રી સત્ય સાઇના આશીર્વાદ અને પ્રેરણા આજે આપણી સાથે છેઅને ખુશી વ્યક્ત કરી હતી કે, આજે તેમનું મિશન વિસ્તરણ પામી રહ્યું છે અને દેશને સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટર નામનું નવું પ્રાઇમ કન્વેન્શન સેન્ટર પ્રાપ્ત થઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, નવું કેન્દ્ર આધ્યાત્મિકતા અને આધુનિકતાના વૈભવનો અનુભવ કરાવશે. તેમણે કહ્યું હતું કે, આ કેન્દ્રમાં સાંસ્કૃતિક વિવિધતા અને વૈચારિક ભવ્યતાનો સમાવેશ થાય છે અને તે આધ્યાત્મિકતા તેમજ શૈક્ષણિક કાર્યક્રમો પર ચર્ચા કરવા માટેનું એવું કેન્દ્રબિંદુ બનશે જ્યાં વિદ્વાનો અને નિષ્ણાતો ભેગા થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઇપણ વિચાર ક્રિયાના સ્વરૂપમાં આગળ વધે છે ત્યારે તેની અસરકારકતા સૌથી વધુ હોય છે. તેમણે એ બાબત પણ નોંધી હતી કે આજે, સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરના સમર્પણ ઉપરાંત, શ્રી સત્ય સાઇ ગ્લોબલ કાઉન્સિલના અગ્રણીઓની પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની થીમ - 'અભ્યાસ અને પ્રેરણા' રાખવામાં આવી છે જેની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી અને તેને અસરકારક તેમજ પ્રાસંગિક ગણાવી હતી. શ્રી મોદીએ સમાજના આગેવાનો દ્વારા અનુસરવામાં આવતા આચરણના મહત્વ પર ભાર મૂક્યો હતો કારણ કે, સમાજ આવા અગ્રણી લોકોનું જ અનુસરણ કરતો હોય હોય છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી સત્ય સાઇનું જીવન તે બાબતનું જીવંત દૃશ્ટાંત છે. તેમણે આગળ કહ્યું હતું કે, આજે ભારત તેની ફરજોને પ્રાથમિકતા આપવાની સાથે સાથે આગળ પણ વધી રહ્યું છે. આઝાદીની સદી તરફની દિશામાં આગેકૂચ કરતા અમે અમૃતકાળનું નામ કર્તવ્યકાળરાખ્યું છે. આ નિશ્ચયોમાં આપણા આધ્યાત્મિક મૂલ્યોનું માર્ગદર્શન તેમજ ભવિષ્ય માટેના સંકલ્પોનો સમાવેશ થાય છે. તેમાં વિકાસ અને વિરાસત (વારસો) બંને છે.

પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ ચાલુ રાખતા જણાવ્યું હતું કે, ભારતમાં આધ્યાત્મિક મહત્વ ધરાવતા સ્થળોનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે, તો સાથે સાથે ટેકનોલોજી અને અર્થતંત્રમાં પણ દેશ અગ્રેસર રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હવે સમગ્ર વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓ પૈકી એક બની ગયું છે, જેનાથી ભારતની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો મળે છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ડિજિટલ ટેક્નોલોજી અને 5G જેવા ક્ષેત્રોમાં વિશ્વના અગ્રણી દેશો સાથે સ્પર્ધા કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વમાં વાસ્તવિક સમયમાં થઇ રહેલા કુલ ઑનલાઇન વ્યવહારોમાંથી 40 ટકા વ્યવહારો માત્ર ભારતમાં જ થઇ રહ્યા છે અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો કે તેઓ પુટ્ટપર્થીના સમગ્ર જિલ્લાને ડિજિટલ અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરે. તેમણે સૂચન કર્યું હતું કે, જો આ સંકલ્પને પૂરો કરવા માટે બધા લોકો એકજૂથ થઇ જાય તો શ્રી સત્ય સાઇ બાબાની આગામી જન્મજયંતિ સુધીમાં સમગ્ર જિલ્લો ડિજિટલ અર્થવ્યવસ્થામાં પરિવર્તિત થઇ જશે.

ગ્લોબલ કાઉન્સિલ જેવી સંસ્થાઓ ભારત વિશે વધુ જાણવા અને વિશ્વ સાથે જોડાવા માટેનું એક અસરકારક માધ્યમ છે તેવું રેખાંકિત કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "દેશમાં જે પરિવર્તન જોવા મળી રહ્યું છે, તે દરેક સામાજિક વર્ગે આપેલા યોગદાનનું પરિણામ છે". પ્રાચીન શાસ્ત્રોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંતોના જીવનને વહેતા પાણી જેવું માનવામાં આવે છે કારણ કે તેઓ ક્યારેય પોતાના વિચારોને બાંધી રાખતા એટલે કે સિમિત રાખતા નથી અને પોતાના આચરણથી તેઓ ક્યારેય થાકતા નથી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, "સંતોના જીવનને તેમના નિરંતર પ્રવાહ અને પ્રયત્નો દ્વારા પરિભાષિત કરવામાં આવે છે". તેમણે આગળ કહ્યું હતું કે, સંતના જન્મસ્થળના આધારે તેમના અનુયાયીઓ નક્કી નથી થતા. પ્રધાનમંત્રીએ આગળ ચાલુ રાખતા કહ્યું હતું કે, કોઇપણ સાચા સંત ભક્તો માટે તો, તેમના પોતાના બની જાય છે અને તેઓ તેમની માન્યતાઓ અને સંસ્કૃતિના પ્રતિનિધિ બની જાય છે. તેમણે કહ્યું હતું કે, તમામ સંતોએ ભારતમાં હજારો વર્ષોથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું જતન કર્યું છે. શ્રી સત્ય સાઇ બાબાનો જન્મ પુટ્ટપર્થીમાં થયો હોવા છતાં, તેમના અનુયાયીઓ સમગ્ર દુનિયામાં મળી શકે છે અને ભારતના દરેક રાજ્યમાં તેમની સંસ્થાઓ તેમજ આશ્રમો સુલભ છે. તેમણે જણાવ્યું હતું કે, તમામ ભક્તો ભાષા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખ્યા વગર પ્રશાંતિ નિલયમ સાથે જોડાયેલા છે અને આ જ ઇચ્છા સમગ્ર ભારતને એક જ તાતણે બાંધીને તેને અમર બનાવે છે.

પ્રધાનમંત્રીએ સેવાની તાકાત અંગે સત્ય સાઇનું અવતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ સત્ય સાઇ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો તે અંગે તેમજ તેમની નિશ્રામાં તેમના આશ્રયમાં રહેવાની તક મળી તે બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરીને તે પ્રસંગને યાદ કર્યો હતો. શ્રી સત્ય સાઇ જે સરળતા સાથે ઊંડી સમજણ આપતા સંદેશાઓ આપતા હતા તેને શ્રી મોદીએ યાદ કર્યા હતા. તેમણે સૌને પ્રેમ, સૌની સેવા’; 'હેલ્પ એવર હર્ટ નેવર' (સદા સહાય કરવી, ક્યારેય કોઇનું દિલ ન દુભાવવું); ‘ઓછી વાત વધુ કામ’; 'દરેક અનુભવ એ એક બોધપાઠ છે - દરેક નુકસાન એક લાભ છે' વગેરે કાલાતીત ઉપદેશોને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ ઉપદેશોમાં સંવેદનશીલતાની સાથે સાથે જીવનનું ઊંડું તત્વચિંતન પણ રહેલું છે". પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ભૂકંપ દરમિયાન તેમની પાસેથી મળેલા માર્ગદર્શન અને મદદને યાદ કર્યા હતા. શ્રી મોદીએ શ્રી સત્ય સાઇના ખૂબ જ કરુણાપૂર્ણ આશીર્વાદને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમના માટે માનવજાતની સેવા એ જ પ્રભૂની સેવા છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત જેવા દેશમાં ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓ હંમેશા સામાજિક કલ્યાણના કેન્દ્રમાં રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે જ્યારે આપણે અમૃતકાળના સંકલ્પો સાથે વિકાસ અને વારસાને વેગ આપી રહ્યા છીએ, ત્યારે સત્ય સાઇ ટ્રસ્ટ જેવી સંસ્થાઓની તેમાં મુખ્ય ભૂમિકા છે.

સત્ય સાઇ ટ્રસ્ટની આધ્યાત્મિક શાખા દ્વારા બાળ વિકાસ જેવા કાર્યક્રમોના માધ્યમથી નવી પેઢીમાં સાંસ્કૃતિક ભારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રનિર્માણ અને સમાજના સશક્તિકરણમાં સત્ય સાઇ ટ્રસ્ટના પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ પ્રશાંત નિલયમમાં વર્ષોથી કાર્યરત હાઇટેક હોસ્પિટલ અને વિનામૂલ્યે શિક્ષણ માટે ચલાવવામાં આવતી શાળાઓ તેમજ કોલેજોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહેલી સત્ય સાઇ સાથે સંકળાયેલી સંસ્થાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, દેશ દરેક ગામને જલ જીવન મિશનહેઠળ સ્વચ્છ પાણી પુરવઠા સાથે જોડી રહ્યો છે તેવા સમયમાં સત્ય સાઇ સેન્ટ્રલ ટ્રસ્ટ દૂરના ગામડાઓને વિનામૂલ્યે પાણી પહોંચાડવાના માનવતાવાદી કાર્યમાં સહભાગી બન્યું છે.

પ્રધાનમંત્રીએ મિશન LiFE જેવી તેની આબોહવા સંબંધિત પહેલ અને G-20ની પ્રતિષ્ઠિત અધ્યક્ષતાને મળેલી વૈશ્વિક સ્વીકૃતિનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની થીમ પર પ્રકાશ પાડ્યો હતો. સમગ્ર વિશ્વને ભારતમાં વધી રહેલી રુચિનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના વડામથકમાં સૌથી વધુ સંખ્યામાં વિભિન્ન રાષ્ટ્રીયતા ધરાવતા લોકોએ યોગ કરવાથી જે વિશ્વ વિક્રમ રચાયો તે વિશે વાત કરી હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, યોગની સાથે લોકો ભારતમાંથી આયુર્વેદ તેમજ ટકાઉ જીવનશૈલી પણ અપનાવી રહ્યા છે. તેમણે ભારતમાંથી ચોરાયેલી કલાકૃતિઓને તાજેતરમાં સ્વદેશ પરત લાવવામાં આવી તે બાબત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતના આ પ્રયાસો અને નેતૃત્વ પાછળ આપણી સાંસ્કૃતિક વિચારસરણી એ આપણી સૌથી મોટી તાકાત છે. તેથી, સત્ય સાઇ ટ્રસ્ટ જેવી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્થાઓએ આવા તમામ પ્રયાસોમાં ઘણી મોટી ભૂમિકા ભજવવાની છે.

પ્રધાનમંત્રીએ પ્રેમ તરુ (વૃક્ષ પ્રત્યે પ્રેમ) પહેલ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં આગામી 2 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શ્રી મોદીએ, વૃક્ષારોપણની વાત હોય કે પછી પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ હોય, આવી તમામ પહેલોને સમર્થન આપવા માટે આગળ આવવાનો દરેક લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે લોકોને સૌર ઉર્જા અને સ્વચ્છ ઉર્જાનાં વિકલ્પોથી પ્રેરિત થવાની પણ વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના લગભગ 40 લાખ વિદ્યાર્થીઓને શ્રી અન્ન રાગી-જાવામાંથી રાંધવામાં આવેલું ભોજન પીરસવાની સત્ય સાઇ સેન્ટ્રલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રી અન્નના આરોગ્યલક્ષી લાભોને રેખાંકિત કરતાં કહ્યું હતું કે, જો અન્ય રાજ્યો પણ આવી પહેલ સાથે જોડાય તો દેશને ઘણો ફાયદો થશે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી અન્નમાં આરોગ્ય છે, અને સંભાવનાઓ પણ છે. આપણા તમામ પ્રયાસો વૈશ્વિક સ્તરે ભારતના સામર્થ્યમાં વધારો કરશે અને ભારતની ઓળખને મજબૂત કરશે.

પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા જણાવ્યું હતું કે, સત્ય સાઇના આશીર્વાદ આપણા સૌની સાથે છે. આ શક્તિથી આપણે વિકસિત ભારતનું નિર્માણ કરીશું અને સમગ્ર વિશ્વની સેવા કરવાના આપણા સંકલ્પને સાકાર કરીશું”.

પૃષ્ઠભૂમિ

શ્રી સત્ય સાઇ સેન્ટ્રલ ટ્રસ્ટે પુટ્ટપર્થીના પ્રશાંતિ નિલયમ ખાતે સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટર નામથી એક નવી સુવિધાનું નિર્માણ કર્યું છે. પ્રશાંતિ નિલય એ શ્રી સત્ય સાઇ બાબાનો મુખ્ય આશ્રમ છે. પરોપકારી શ્રી ર્યુકો હીરા દ્વારા દાન સ્વરૂપે આપવામાં આવેલું આ કન્વેન્શન સેન્ટર સાંસ્કૃતિક આદાનપ્રદાન, આધ્યાત્મિકતા અને વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાની દૂરંદેશીનો પુરાવો છે. તે વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકોને એકજૂથ કરવા, તેમને એકબીજા સાથે જોડાવા અને શ્રી સત્ય સાઇ બાબાના ઉપદેશોનું અન્વેષણ કરવા માટે પોષક માહોલ પૂરો પાડે છે. આ સેન્ટરમાં ઉપલબ્ધ વિશ્વ કક્ષાની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિષદો, પરિસંવાદો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો જીવનના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓ વચ્ચે સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપશે. વિરાટ ક્ષેત્રફળમાં ફેલાયેલા આ પરિસંકુલમાં ધ્યાન હોલ, શાંતિનો અહેસાસ કરાવતા બગીચા અને રહેવાની સુવિધાઓ પણ છે

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1937251) Visitor Counter : 322