નાણા મંત્રાલય

1 ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી (NCC), અમદાવાદ ખાતે ઈલેક્ટ્રોનિક બેંકિંગ અને સંબંધિત જાગૃતિ પ્રશિક્ષણ (e-BAAT)

Posted On: 30 JUN 2023 6:01PM by PIB Ahmedabad

ભારતની G20 અધ્યક્ષતા હેઠળ, નાણાં પ્રધાનો, સેંટ્રલ બેંકના ગવર્નરો (FMCBG) તેમજ ફાઈનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD)ની, ગાંધીનગરમાં 14-18 જુલાઈ, 2023 દરમિયાન નિર્ધારિત 3જી મીટિંગના ભાગરૂપે તેમજ વ્યાપક જાગૃતિ અને ભાગીદારીના ઉદ્દેશ્યથી, ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ દ્વારા 27 જૂન, 2023ના રોજ 1 ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી (NCC) ખાતે ઈલેક્ટ્રોનિક બેંકિંગ અને સંબંધિત જાગૃતિ પ્રશિક્ષણ (e-BAAT)’ પર જનભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 270 એનસીસી (NCC)ની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની અધ્યક્ષતા ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી દેવેન્દ્ર બોંડે એ કરી હતી તથા ભારતીય રિઝર્વ બેંકના અન્ય અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં એનસીસી (NCC)નાં કમાંડિંગ અધિકારી કર્નલશ્રી નરેશ કુમારએ ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓનું સ્વાગત કર્યું હતું અને ઉપસ્થિત સહભાગીઓને, સચેત રહીને ઈલેક્ટ્રોનિક બેંકિંગ અને જાગૃતિના સત્રનો લાભ લેવાની, સલાહ આપી હતી. ત્યારબાદ, ભારતીય રિઝર્વ બેંકના સહાયક મેનેજર શ્રીમતી શ્રેયા લાલાવતે, ડિજિટલ બેંકિંગ ની સરળતા અને લાભો તેમજ તેના ઉપયોગ દરમિયાન લેવી પડતી સાવચેતીઓ અંગે સંક્ષેપમાં માહિતી આપી. ડિજિટલ બેંકિંગના ફાયદા અને ડિજિટલ બેંકિંગના વિવિધ પ્રકારો જેમકે એનઇએફટી (NEFT), આરટીજીએસ (RTGS), યુપીઆઇ (UPI) વગેરેની માહિતી ઉપસ્થિત સહભાગીઓને આપવામાં આવી હતી. છેતરપિંડીની પધ્ધતિઓ જેમ કે ઓટીપી કાંડ (OTP Scam) અને બનાવટી ઈ-મેલ્સ (emails) વિષે તેમને વાકેફ કરવામાં આવ્યા હતાં તેમજ સલામત અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ માટે શું કરવું અને શું ના કરવું એ વિષે પણ સાવધાન કરવામાં આવ્યા હતાં.  ભોળી જનતાને છેતરનારી બનાવટી યોજનાઓ અને ફિશિંગ (phishing) વિષે સહભાગીઓને જાગ્રત રહેવાની સલાહ આપવામાં આવી હતી.

ત્યારબાદ, ભારતીય રિઝર્વ બેંકના મેનેજર સુશ્રી આસ્થા શર્મા દ્વારા અનાધિકૃત બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકની જવાબદારી અને એકીકૃત લોકપાલ યોજના પર ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા તરફ સહભાગીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, યુપીઆઇ123પે (UPI123pay - ફીચર ફોન માટેનું યુપીઆઇ) અને ડીજીસાથી (DigiSaathi - ડિજિટલ ચુકવણી માટેની 24*7 કલાક હેલ્પલાઇન) ની નવીનતમ જાહેરાત વિષે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

કાર્યક્રમનું સમાપન રસપ્રદ પ્રશ્નોત્તરી સાથે કરવામાં આવ્યું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 1 ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી (NCC), અમદાવાદના અધિકારીઓ તથા સહભાગીઓ દ્વારા કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી.

YP/GP/JD



(Release ID: 1936455) Visitor Counter : 111


Read this release in: English