માહિતી અને પ્રસારણ મંત્રાલય

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે


મન કી બાતના 100મા એપિસોડની ઊજવણી નિમિત્તે આવતીકાલે રાજભવન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે

Posted On: 29 APR 2023 2:20PM by PIB Ahmedabad

ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડ નિમિત્તે આવતીકાલે ગાંધીનગરના રાજભવન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાર ભારતી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને અગાઉના મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખિત ગુજરાતના પ્રતિષ્ઠિત લોકો સાથે મન કી બાતનો 100મો એપિસોડ સાંભળશે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા ઉલ્લેખિત વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા ગુજરાતના 18 નાગરિકોનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે પદ્મ પુરસ્કારોથી સન્માનિત નાગરિકો ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક, કલા, ઉદ્યોગ, આરોગ્ય, મીડિયા અને કૃષિ ક્ષેત્રના વિશેષ આમંત્રિતો પણ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સેન્ટ્રલ બ્યુરો ઑફ કોમ્યુનિકેશન, અમદાવાદ દ્વારા લોકોની સફળતાના અનુભવો અને તેમના કાર્યને દર્શાવતું એક વિશેષ પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવશે, જેનો મન કી બાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મન કી બાત કાર્યક્રમના ઓડિયો અંશો ચલાવવામાં આવશે.

મોઢેરાના સૂર્ય મંદિર ખાતે એક સ્ટેટ ઓફ આર્ટ પ્રોજેક્શન મેપિંગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે દેશના ઈતિહાસ અને વારસાને વિસ્તૃત કરશે. આ શો મન કી બાતની થીમ સાથે સ્મારકના ઐતિહાસિક અને આર્કિટેક્ચરલ અજાયબીને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે પ્રકાશિત કરશે.

ઓલ ઈન્ડિયા રેડિયો પર લોકપ્રિય કાર્યક્રમ, પ્રધાનમંત્રીની મન કી બાત 3 ઓક્ટોબર, 2014ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડીયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર પ્રસારિત થાય છે. 30 મિનિટનો કાર્યક્રમ 30મી એપ્રિલ 2023ના રોજ 100 એપિસોડ પૂરો કરી રહ્યો છે. ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા અંગ્રેજી સિવાય 22 ભારતીય ભાષાઓ, 29 બોલીઓ અને 11 વિદેશી ભાષાઓમાં મન કી બાતનો અનુવાદ કરવામાં આવે છે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1920732) Visitor Counter : 254


Read this release in: English