માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2023ના રોજ 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ - પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો' પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે

Posted On: 03 MAR 2023 2:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2023ના રોજ 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ – પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક્સ કાર્યદક્ષતામાં સુધારો' પર બજેટ પછીના વેબિનારને સંબોધન કરશે. અંદાજપત્રીય જાહેરાતોનાં અમલીકરણ માટે વિચારો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત બજેટ પછીના 12 વેબિનાર્સનો આ એક ભાગ છે.

કેન્દ્રીય અંદાજપત્રમાં સાત અગ્રતાઓને અપનાવવામાં આવી છે જે એકબીજાની પૂરક છે અને સમગ્ર "અમૃત કાલ"માં આપણને માર્ગદર્શન આપતા 'સપ્તર્ષિ' તરીકે કાર્ય કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ એ સરકારનાં પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોમાંનું એક છે.

આ વેબિનારનું આયોજન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ) દ્વારા મુખ્ય મંત્રાલય તરીકે, સહ-મુખ્ય મંત્રાલય તરીકે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીપીઆઇઆઇટી સાથે સંકલનમાં કરવામાં આવ્યું છે. વેબિનારનું માળખું સંપૂર્ણ ઉદ્‌ઘાટન અને સમાપન સત્રોનાં બંધારણમાં કરવામાં આવશે અને ત્રણ સમાંતર બ્રેકઆઉટ સત્રોમાં વહેંચવામાં આવશે. બ્રેકઆઉટ સત્રોમાં માળખાગત સુવિધા અને રોકાણ સાથે સંબંધિત બજેટની જાહેરાતો, તેનાં અમલીકરણ અને આગળ વધવાના માર્ગ પરનાં સૂચનોને આવરી લેવામાં આવશે.

ત્રણ સમાંતર બ્રેકઆઉટ સત્રો હશે – "બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત મહત્ત્વપૂર્ણ માળખાગત ઊણપોને ભરવી અને મલ્ટિ-મોડાલિટી મારફતે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો"; ડીપીઆઈઆઈટી દ્વારા સંચાલિત "પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પર આયોજન" અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત "માળખાગત વિકાસ અને રોકાણની તકો".

ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આર્થિક વૃદ્ધિ અને વિકાસનું આવશ્યક ઘટક છે, કારણ કે તે બિઝનેસીસને વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતે કામ કરવા માટે સક્ષમ બનાવે છે, રોજગારીનું સર્જન કરે છે, અને વ્યક્તિઓ અને સમુદાયો માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો આર્થિક વૃદ્ધિ માટે ઉચ્ચ ગુણાકારની અસર ધરાવે છે. સરકાર છેલ્લાં થોડાં વર્ષોમાં દેશભરમાં વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓનું નિર્માણ સુનિશ્ચિત કરવા વધારે અંદાજપત્રીય ફાળવણી કરી રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ, સરકારે વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓ વિકસાવવાની પોતાની કટિબદ્ધતાને અનુરૂપ માળખાગત મંત્રાલયોની અંદાજપત્રીય ફાળવણીમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ આ વિઝનનું પ્રતિબિંબ છે, જેમાં માળખાગત વિકાસ પર કેન્દ્રિત મૂડીગત ખર્ચની નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે. આ ખર્ચની અંદર, માર્ગ પરિવહન અને રાજમાર્ગો તથા રેલવે મુખ્ય લક્ષિત ક્ષેત્રો છે, જ્યાં ફાળવણી અનુક્રમે 25 ટકા અને 15 ટકા વધીને અનુક્રમે 2.7 લાખ કરોડ અને 2.4 લાખ કરોડ થઈ ગઈ છે. (ચાર્ટ જુઓ) ફાળવણીમાં નોંધપાત્ર વધારો ભારત સરકારને અગાઉ જાહેર કરવામાં આવેલા લાંબા ગાળાના કાર્યક્રમો અને વિવિધ પહેલનાં અમલીકરણને આગળ ધપાવવાનું ચાલુ રાખવા સક્ષમ બનાવશે તેવી અપેક્ષા છે, જેથી વૈશ્વિક અવરોધો વચ્ચે ભારતના જીડીપી વિકાસને ટેકો મળશે.

કેન્દ્ર સરકારનાં સંલગ્ન મંત્રાલયોના મંત્રીઓ અને સચિવો ઉપરાંત રાજ્યો, ઉદ્યોગો, સંગઠનો, રોકાણ જૂથો, સવલત/છૂટ ધારકો વગેરેમાંથી સંખ્યાબંધ હિતધારકો સામેલ થશે તથા અંદાજપત્રીય જાહેરાતોનાં વધારે સારાં અમલીકરણ માટે સૂચનો મારફતે યોગદાન આપશે. ઉત્પાદકો, ખાનગી ઓપરેટરો, અમલીકરણ એજન્સીઓ, એનજીઓ, સ્વતંત્ર નિષ્ણાતો વગેરે પાસેથી વક્તાઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેથી કેન્દ્રીય બજેટની અસરનાં વિવિધ પરિમાણો પર તેમના વિચારો શેર કરી શકાય અને તેનાં અમલીકરણ અંગે ચર્ચા કરી શકાય.

આ પ્રસંગે ઉદ્યોગ જગતના કેટલાક અગ્રણીઓ અને નિષ્ણાતો જેઓ સંબોધન કરે તેવી અપેક્ષા છે, જેમાં શ્રી ધ્રુવ કોટક (એમડી, જેએમ બક્ષી ગ્રૂપ), શ્રી આર દિનેશ (એમડી, ટીવીએસ લોજિસ્ટિક્સ એન્ડ સીઆઇઆઇના પ્રેસિડેન્ટ ડેઝિગ્નેટ), શ્રી અશોક સેઠી (ચેરમેન, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ), શ્રી મનુ ભલ્લા (પ્રમુખ, વેરહાઉસિંગ એસોસિયેશન ઑફ ઇન્ડિયા), શ્રી અજિત ગુલાબચંદ (સીએમડી, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ), શ્રી દવિન્દર સંધુ (ચેરમેન, પ્રાઇમસ પાર્ટનર્સ), શ્રી વિનાયક પાઇ (એમડી, ટાટા પ્રોજેક્ટ્સ), શ્રી શશાંક શ્રીવાસ્તવ (ઇડી, મારુતિ સુઝુકી)નો સમાવેશ થાય છે.

આ વેબિનાર વર્ચ્યુઅલ મોડમાં હાથ ધરવામાં આવશે અને આમંત્રિતોમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, તકનીકી સંસ્થાઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, એનજીઓ, સ્વતંત્ર નિષ્ણાતો સહિત અન્ય લોકો સામેલ હશે.

YP/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1903897) Visitor Counter : 210


Read this release in: Marathi , Assamese