સંસદીય બાબતોનું મંત્રાલય

સભ્યોએ પોતાની વાત તથ્યો સાથે રજૂ કરવી જોઇએ. પાયાવિહોણા આરોપો પર આધારિત દલીલો લોકશાહીને નબળી પાડે છે: લોકસભા અધ્યક્ષ


વિધાનસભાઓમાં ચર્ચાના સ્તરમાં ઘટાડો થવો એ ચિંતાનો વિષય છેઃ લોકસભા અધ્યક્ષ

વિપક્ષની ભૂમિકા સકારાત્મક, રચનાત્મક તેમજ શાસનમાં જવાબદારી સુનિશ્ચિત કરનારી હોવી જોઇએ: લોકસભા અધ્યક્ષ

સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહી ખોરવવી એ લોકશાહી માટે યોગ્ય નથી: લોકસભા અધ્યક્ષ

સૂત્રોચ્ચાર કરીને અને કાર્યવાહીમાં અવરોધ ઊભો કરીને કોઇ વ્યક્તિ મહાન ધારાસભ્ય ન બની શકે: લોકસભા અધ્યક્ષ

લોકસભા અધ્યક્ષે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના સભ્યો માટે યોજવામાં આવેલા ઓરિએન્ટેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 15 FEB 2023 6:45PM by PIB Ahmedabad

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે ​ ગુજરાતના ​ગાંધીનગરમાં  રાજ્યની વિધાનસભાના સભ્યો માટે યોજવામાં આવેલા ઓરિએન્ટેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ; ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

આ પ્રસંગે શ્રી બિરલાએ જણાવ્યું હતું કે, ગુજરાતની 15મી વિધાનસભા યુવા શક્તિ અને અનુભવનો અનોખો સમન્વય છે. લોકસભાના અધ્યક્ષે એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો કે, વિધાનસભામાં 82 સભ્યો એવા છે જે નવા ચૂંટાયેલા છે અને 15 મહિલાઓ ચૂંટાઇ છે, જેમાંથી 8 મહિલાઓ પ્રથમ વખત ધારાસભ્ય બની છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે, તેઓ જનપ્રતિનિધિઓ હોવાથી તેમના પર મતદારોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની મોટી જવાબદારી છે. તેથી જ વિધાનસભાઓમાં ચર્ચા અને સંવાદ થાય તે જરૂરી છે અને વિધાનસભામાં ચર્ચાનું સ્તર ઉચ્ચકક્ષાનું હોવું જોઇએ. શ્રી બિરલાએ કહ્યું હતું કે, રાજ્ય વિધાનસભાઓમાં ચર્ચા અને સંવાદનું સ્તર જેટલું ઊંચું હશે, તેટલા જ સારા કાયદાઓ ઘડી શકાશે. ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા થાય તે માટે સભ્યો વિવિધ નિયમો અને કાર્યવાહીથી વાકેફ હોય તે પણ જરૂરી છે. એટલા માટે ગૃહને ચર્ચા અને સંવાદનું અસરકારક કેન્દ્ર બનાવવું જોઇએ જેથી કરીને આપણી લોકશાહી મજબૂત બને.

પ્રેસિડિંગ અધિકારીઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં શ્રી બિરલાએ જણાવ્યું હતું કે, પ્રેસિડિંગ અધિકારીઓ જવાબદારી છે કે, તેઓ ગૃહની ગરિમા વધારવાની દિશામાં કામ કરે. ગૃહોમાં ચર્ચાના સ્તરમાં ઘટાડો અને ગૃહની ગરિમામાં ઘટાડો એ આપણા માટે ચિંતાનો વિષય છે. ઉત્કૃષ્ટ ધારાસભ્ય તે જ હોય છે જે ઉત્તમ ગુણવત્તાયુક્ત ચર્ચાઓ અને સંવાદોમાં ભાગ લે છે અને ગૃહની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. સભ્યોએ તથ્યો સાથે પોતાની વાત રજૂ કરવી જોઇએ કારણ કે પાયાવિહોણા આરોપો પર આધારિત દલીલો લોકશાહીને નબળી પાડે છે.

લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા પર પોતાના વિચારો વ્યક્ત કરતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે, વિપક્ષની ભૂમિકા સકારાત્મક, રચનાત્મક અને શાસનમાં જવાબદારી સુનિશ્ચિત કરનારી હોવી જોઇએ. પરંતુ જે પ્રકારે સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરીને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની પરંપરા પ્રસ્થાપિત થઇ રહી છે તે લોકશાહી માટે યોગ્ય નથી. ગૃહમાં ચર્ચા, સંવાદ, અસંમતિ હોય શકે છે, પરંતુ ગૃહમાં ક્યારેય અવરોધો ન ઉભા થવા જોઇએ. તેમણે સભ્યોને ગૃહના નિયમો અને પ્રક્રિયાઓ તેમજ પાછલા વર્ષોમાં થયેલા વાદ-વિવાદોનો અભ્યાસ કરવા માટે અનુરોધ કર્યો હતો. શ્રી બિરલાએ કહ્યું હતું કે, સભ્યો નિયમો, પ્રક્રિયાઓ અને વિતેલા વર્ષોમાં થયેલી ચર્ચાઓથી જેટલા વધુ પરિચિત હશે, તેમના ભાષણો એટલા જ વધુ સમૃદ્ધ હશે. શ્રી બિરલાએ એમ પણ કહ્યું હતું કે, સૂત્રોચ્ચાર કરીને અને વિધાનસભાની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરીને કોઇ પણ વ્યક્તિ સારો ધારાસભ્ય બની શકતો નથી.

શ્રી બિરલાએ 'વન નેશન, વન ડિજિટલ પ્લેટફોર્મ'નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ કામ ચાલી રહ્યું છે જેથી તમામ રાજ્યોની વિધાનસભાઓ અને તેમના દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાઓ પર સંવાદ અને ચર્ચાઓને એક મંચ પર લાવી શકાય. આ સંદર્ભમાં, શ્રી બિરલાએ વિધાનસભાઓની કાર્યદક્ષતામાં સુધારો કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ અને સંશોધન કાર્યને મજબૂત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.

ભારતની G-20ની અધ્યક્ષતા વિશે બોલતા, શ્રી બિરલાએ જણાવ્યું હતું કે, ભારતની સમૃદ્ધ લોકશાહી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવવાની આ એક ઐતિહાસિક તક છે.

 

બાદમાં શ્રી બિરલાએ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એક આદર્શ રાજ્ય છે જે દેશના વિકાસના એન્જિન તરીકે વિકસિત થયું છે. તેમણે આગળ એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે અન્ય રાજ્યો અથવા વિધાનસભાઓમાં વિકાસના મુદ્દાઓની ચર્ચા થાય છે ત્યારે તેઓ ગુજરાતને એક મોડેલ તરીકે જુએ છે. જનપ્રતિનિધિઓની ફરજોનો ઉલ્લેખ કરતાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓએ લોકશાહીના મંદિર, વિધાયક સંસ્થાઓની ગરિમા જાળવવી જોઇએ.

ઓરિએન્ટેશન કાર્યક્રમના ઉદ્દેશ્યોની રૂપરેખા આપતા શ્રી પટેલે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સંસદીય લોકશાહી પ્રણાલી, કાર્યપદ્ધતિઓ અને નિયમો વિશે વિસ્તૃત માહિતી આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે એક પ્રશંસનીય પગલું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમની મદદથી ધારાસભ્યો ગૃહમાં અસરકારક રીતે ભાગ લઇ શકશે. મુખ્યમંત્રીએ સભ્યોને લોકોના કલ્યાણ માટે સર્વસંમતિથી લોક કલ્યાણના નિર્ણયોમાં સહભાગી થવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, બે દિવસીય કાર્યક્રમની ચર્ચા અને નિષ્કર્ષ સભ્યો માટે લાભદાયી સાબિત થશે અને સભ્યો તેમના કામકાજ દ્વારા સંસદીય લોકશાહીના સર્વોચ્ચ મૂલ્યો વધુ મજબૂત થાય તેની ખાતરી કરશે.

આ વર્કશોપના ઉદ્ઘાટન સમારંભમાં સ્વાગત પ્રવચન આપતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા દ્વારા ચૂંટવામાં આવેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપદ્ધતિઓ, નિયમો અને ગૃહની કાર્યવાહીથી માહિતગાર હોવા જોઇએ અને તેમની ફરજો સુચારૂ રીતે બજાવીને તેઓ લોકોની આકાંક્ષાઓમાં ખરા ઉતરવા માટે સક્ષમ હોવા જોઇએ; આ ઉદ્દેશ માટે આ ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સંસદીય કાર્યપ્રણાલીઓના વિવિધ વિષયોને વાંચવાના બદલે અનુભવો દ્વારા વધુ સારી રીતે સમજી શકાય છે અને તેથી જ એક નવી પહેલ તરીકે આ સંસદીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષે આ પહેલને આવકારી હતી, લોકસભા સ્પીકર શ્રી બિરલાએ તેમની ટીમ સાથે વર્કશોપમાં હાજરી આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ જનપ્રતિનિધિઓને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, વર્કશોપના બે દિવસ દરમિયાન વિવિધ વિષયો પર 10 જેટલા સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનુભવી વક્તાઓ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. તેમણે તમામ જનપ્રતિનિધિઓને આ સત્રોમાં હાજર રહીને કંઇક નવું શીખવા અને સંસદીય પરંપરાઓને સમજવા માટે અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડે આભાર પ્રસ્તાવ કર્યો હતો.

આ ઓરિએન્ટેશન કાર્યક્રમના ભાગરૂપે, ગુજરાત વિધાનસભાના સભ્યોને 'અસરકારક ધારાસભ્ય કેવી રીતે બનવું?'; 'સમિતિ વ્યવસ્થા અને સંસદીય પ્રશ્નો'; 'બજેટ સંબંધિત પ્રક્રિયા'; 'વિધાનસભાની પ્રક્રિયા'; 'G-20ની ભારતની અધ્યક્ષતા'; ‘ગૃહમાં તાકીદના જાહેર મહત્વના મુદ્દા ઉઠાવવાના પ્રક્રિયાગત સાધનો’; ‘વિધાનસભાઓની કામગીરી: શું કરવું અને શું ન કરવું’; ‘સંસદીય વિશેષાધિકારો અને આચાર’; અને 'લોકશાહીમાં બંધારણીય સંસ્થાઓનું મહત્વ' વિષયો પર તાલીમ આપવામાં આવશે.

આ બે દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ 16 ફેબ્રુઆરી, 2023ના રોજ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના પ્રવચન સાથે સંપન્ન થશે.

ગુજરાત વિધાનસભાના સભ્યો માટેના આ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન લોકસભા સચિવાલયની સંસદીય લોકશાહી સંશોધન અને તાલીમ સંસ્થા (PRIDE) દ્વારા ગુજરાત વિધાનસભા સચિવાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

YP/GP/JD



(Release ID: 1899595) Visitor Counter : 453


Read this release in: English