વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

મોટી કંપનીઓએ એમએસએમઇનો હાથ ઝાલવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં તેમને મદદ કરવા અને તેમને સપ્લાય ચેન ઇકોસિસ્ટમ સાથે સંકલિત કરવા માટે જવાબદારી લેવી જ જોઈએઃ બી20 ઇન્ડિયા ઈન્સેપ્શન મીટિંગનાં ચોથા પૂર્ણ સત્રમાં શ્રી ગોયલ


વૈશ્વિક વેલ્યૂ ચેન્સમાં વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક ભાગીદાર બનવા માટે સરકાર એક સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે સરળ, ઝડપી છે અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપે છેઃ શ્રી ગોયલ

ભારત-યુએઈ સીઇપીએનો સૌથી મોટો લાભ બંને દેશોના એમએસએમઇને થશેઃ શ્રી ગોયલ

સરકાર એમએસએમઇ માટે સરળ, ઝડપી અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપતી ઇકોસિસ્ટમ ઊભી કરી રહી છેઃ શ્રી ગોયલ

Posted On: 23 JAN 2023 7:49PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે, મોટી કંપનીઓએ એમએસએમઇનો હાથ ઝાલવાની જવાબદારી લેવી જ જોઈએ, તેમને શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં મદદ કરવી જોઈએ અને તેમને સપ્લાય ચેન ઇકોસિસ્ટમ સાથે સંકલિત કરવા જોઈએ. તેઓ આજે ગાંધીનગરમાં સ્થિતિસ્થાપક વૈશ્વિક મૂલ્ય સાંકળો બનાવવા પર બી ૨૦ ઇન્ડિયા સ્થાપના બેઠકનાં ચોથા પૂર્ણ સત્રમાં બોલી રહ્યા હતા.

શ્રી ગોયલે નોંધ્યું હતું કે, મોટાં એકમ કે એન્કરની આસપાસ એમએસએમઇનો વિકાસ થાય છે. એક ઉદાહરણ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, એપલનો મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવે છે ત્યારે એપલને મિનિ વેલ્યૂ ચેઇન સપ્લાયર્સ તરીકે ઇકોસિસ્ટમમાં હજારો એમએસએમઇ એકમો વિકસે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એમએસએમઇ વધારે વ્યવહારુ સમાધાનો ધરાવે છે, રોજબરોજના અનુભવો ધરાવે છે અને મુશ્કેલ માર્ગ શીખ્યા હોવાથી મોટી કંપનીઓની સરખામણીએ વધારે સારી રીતે સંજોગોમાં અનુકૂલન સાધી શકે છે. તેમણે કહ્યું હતું કે, મોટી કંપનીઓને તેમની સાથે સંકળાયેલા એમએસએમઇને હાથ પકડવા માટે સંવેદનશીલ બનાવવી જોઈએ. આપણે નાની કંપનીઓ માટે કામ કરવાનું સરળ બનાવવા, બિનજરૂરી પેપરવર્કને દૂર કરવા, કસ્ટમ પ્રક્રિયાઓને સરળ બનાવવા અને પ્રક્રિયાઓને સરળ અને સહજ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પણ પ્રયાસ કરવો જ જોઈએ.

તેમણે ધ્યાન દોર્યું હતું કે સિંગાપોર ટ્રેડિંગ હબ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને સૂચન કર્યું હતું કે સિંગાપોર શું યોગ્ય રીતે કરી રહ્યું છે તે શોધવા માટે એક અભ્યાસ કરી શકાય છે અને તેના આધારે એમએસએમઇને ટેકો આપવા માટે એક મૂળભૂત માળખું બનાવી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમાં માળખાગત વિકાસ, લોજિસ્ટિક્સના પડકારોનું સમાધાન સામેલ હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એમએસએમઇ મેજ પર વિશ્વાસ લાવે છે, જે કોઈ પણ મૂલ્ય શ્રુંખલામાં, પછી તે સ્થાનિક હોય કે આંતરરાષ્ટ્રીય, સૌથી મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે.

વૈશ્વિક વેલ્યૂ ચેન સાથે ભારતને સંકલિત કરવા અંગે શ્રી ગોયલે જણાવ્યું હતું કે, જો આપણે આપણી વેલ્યૂ ચેનને બાકીની દુનિયા સાથે સુસંગત નહીં કરીએ, અથવા જો આપણે સરળ અને ઝડપી લોજિસ્ટિક્સનું સર્જન નહીં કરીએ, તો આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ભારતને તેની વેલ્યૂ ચેનમાં સ્થાપિત કરવાનું મુશ્કેલ બનશે. વૈશ્વિક મૂલ્ય શ્રુંખલામાં વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક ભાગીદાર બનવા માટે, શ્રી ગોયલે જણાવ્યું હતું કે, સરકાર એક સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે સરળ, ઝડપી છે અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ- વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, સરકારનું ધ્યાન આપણા દેશને ભારતની સફળતાની ગાથામાં ગુણવત્તાને સૌથી મહત્વપૂર્ણ પરિબળ તરીકે સ્વીકારવાના પ્રયાસ પર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક માપદંડો સ્થાપિત કરવા, વૈશ્વિક માપદંડો સાથે ભારતીય ધોરણો વચ્ચે સુમેળ સાધવો અને ઉપભોક્તાઓ ગુણવત્તાની વધારે માગ ધરાવતા બને એ ભારત માટે વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ ખેલાડી બનવા માટે આવશ્યક છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ભારતે અનુકરણીય સ્થિતિસ્થાપકતા સાથે કોવિડ કટોકટીનો સામનો કર્યો હતો, જેને સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ મળી છે. તેમણે કહ્યું હતું કે, ભારત એવા દેશોમાંથી એક છે, જેણે કોવિડ મહામારીના સંપૂર્ણ સમયગાળા દરમિયાન ક્યારેય એક પણ વ્યાવસાયિક પ્રતિબદ્ધતાને નિરાશ કરી નથી. તેમણે ઉમેર્યું હતું કે, સેવાની દરેક પ્રતિબદ્ધતા કોઈ પણ વિક્ષેપ વિના પૂરી કરવામાં આવી હતી, એક પણ દિવસ વીજળી ગુલ થઈ ગઈ નથી, ઊર્જાની અછત નથી, કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નથી.

ભારત અને યુએઈ સીઇપીએ સમજૂતી પર શ્રી ગોયલે જણાવ્યું હતું કે, આ સમજૂતીનો સૌથી મોટો લાભ બંને દેશોના એમએસએમઇને થશે. બંને દેશો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે અને એકબીજાના દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા તકો શોધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારત સીઇપીએમાંથી શ્રેષ્ઠ લાભ લેવા યુએઈની કેટલીક મોટી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે.

સરકારની નિકાસના કેન્દ્ર તરીકે વન ડિસ્ટ્રીક્ટ પહેલ અંગે શ્રી ગોયલે જણાવ્યું હતું કે, આ પ્રધાનમંત્રીના વિચારથી પ્રેરિત છે કે, દરેક જિલ્લાને તેમનાં વિશિષ્ટ ઉત્પાદનો માટે માન્યતા આપવી અને કયો જિલ્લો કયાં ઉત્પાદનોની નિકાસ કરે છે તેની જાણકારી મેળવીને જિલ્લાઓની વિશેષતાને ઓળખવી. તેમણે જણાવ્યું હતું કે, આજે આ પહેલ હેઠળ દેશના દરેક જિલ્લામાંથી નિકાસનું મૅપિંગ કરવામાં આવે છે અને દરેક જિલ્લામાંથી નિકાસના આંકડા જાણવા મળે છે. દરેક જિલ્લાના આ ડેટાબેઝનો ઉપયોગ હવે વિશ્વભરમાં આ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે મોરબીને સિરામિકની નિકાસ માટે ઓળખ આપવામાં આવી છે, ત્રિપુરા અનાનસની નિકાસ કરે છે અને બિહાર લીચીની નિકાસ કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે સરકાર દરેક જિલ્લા અને નિકાસ કેન્દ્ર તરીકે ઉભરી આવવાની તેની સંભાવના તરફ ધ્યાન આપી રહી છે. તે જિલ્લા અને રાજ્ય સ્તરે સંકલન કરી રહી છે કે, દરેક જિલ્લાને મૂલ્ય સાંકળોમાં તેમની ભૂમિકાનો અહેસાસ કરાવીને વેપાર-વાણિજ્યને વિશ્વનાં બજારો સાથે કેવી રીતે જોડી શકાય.

શ્રી ગોયલે ઉદ્યોગને આબોહવામાં ફેરફારને પહોંચી વળવાના વૈશ્વિક પ્રયાસોને માન્યતા આપવા અને તેમની વ્યાવસાયિક પદ્ધતિઓમાં સભાન અને સ્થાયી બનવાની જવાબદારી અદા કરવા અનુરોધ કર્યો હતો.

YP/GP/JD



(Release ID: 1893112) Visitor Counter : 221


Read this release in: English , Urdu , Hindi