ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર લાઇટ એન્ડ સાઉન્ડ શો 'જય હિન્દ'નું ઉદ્ઘાટન કર્યું
આ શોનાં માધ્યમથી ભારતના હજારો વર્ષોના ઈતિહાસને સામંજસ્ય સાથે સમાવી લેવાનું કામ કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષમાં શરૂ થઈ રહ્યો છે અને ભારતનાં ઐતિહાસિક સ્થળોને પ્રેરણા સ્થળ બનાવવાની આ યાત્રા આજથી અહીંથી શરૂ થઈ રહી છે
‘સોને કી ચીડિયા’ કહેવાતા ભારતને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર અસંખ્ય શહીદોથી આપણી યુવા પેઢીને પરિચિત કરાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વતંત્રતાનાં અમૃત વર્ષમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે
ભારતે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ક્યાં પહોંચવાનું છે, એ માટે મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવથી લઈને આઝાદીની શતાબ્દી સુધીનો સમય અમૃત કાલનાં નામે આપણા સૌની સામે સંકલ્પબદ્ધ કરાવ્યો છે
આ યાત્રા આઝાદીનાં 75 વર્ષથી લઈને આઝાદીની શતાબ્દી સુધીના સંકલ્પો લેવાની યાત્રા પણ છે અને તે સમયે દેશ ક્યાં હશે તે સંકલ્પ લેવાનો પણ સમય છે
ભારતના 130 કરોડ લોકોના સામૂહિક પુરુષાર્થથી દેશને વિશ્વમાં પ્રથમ બનાવવાનો સંકલ્પ આપણે સિદ્ધ કરવાનો છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વીતેલાં 8 વર્ષોમાં સમગ્ર દેશની જનતામાં આત્મવિશ્વાસ, ઊર્જા અને વિશ્વાસ સાથે એક દિશામાં ચાલવાનો સંકલ્પ જોવા મળી રહ્યો છે
ભારત સર્વપ્રથમ અને ભારત સૌથી પ્રથમ આ બે સંકલ્પો સાથે ભારત આગળ વધે
Posted On:
10 JAN 2023 9:36PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર લાઇટ એન્ડ સાઉન્ડ શો 'જય હિન્દ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, રાજ્ય કક્ષાનાં સાંસ્કૃતિક મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વી કે સક્સેના સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, આ લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ભારતના હજારો વર્ષના ઇતિહાસને સામંજસ્ય સાથે સામેલ કરવાનું કામ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષમાં આ કાર્યક્રમનો પ્રારંભ થઇ રહ્યો છે અને ભારતનાં ઐતિહાસિક સ્થળોને પ્રેરણા સ્થળ બનાવવાની આ યાત્રા આજથી અહીંથી શરૂ થઇ રહી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સોને કી ચીડિયા કહેવાતા ભારતને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર અસંખ્ય શહીદો સાથે આપણી યુવા પેઢીને પરિચિત કરાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીનાં અમૃત વર્ષમાં અનેક કાર્યક્રમો યોજ્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ક્યાં પહોંચવાનું છે, મોદીજીએ એ માટે આઝાદીના અમૃત મહોત્સવથી લઈને આઝાદીની શતાબ્દી સુધીનો સમય અમૃત કાલના નામે આપણા સૌની સામે સંકલ્પબદ્ધ કરાવ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ યાત્રા આઝાદીનાં 75 વર્ષથી માંડીને આઝાદીની શતાબ્દી સુધીના સંકલ્પ લેવાની પણ યાત્રા છે અને તે સમયે દેશ ક્યાં હશે એ સંકલ્પ લેવાનો પણ સમય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 8 વર્ષમાં સમગ્ર દેશની જનતામાં આત્મવિશ્વાસ, ઊર્જા અને વિશ્વાસ સાથે એક દિશામાં ચાલવાનો સંકલ્પ દેખાઇ રહ્યો છે અને ભારતની 130 કરોડની જનતાના સામૂહિક પુરુષાર્થથી દેશને વિશ્વમાં સર્વપ્રથમ બનાવવાનો સંકલ્પ આપણે સિદ્ધ કરવાનો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારત સર્વપ્રથમ અને ભારત સૌથી પહેલાં, આ બેઉ સંકલ્પો લઈને ભારતે આગળ વધવાનું છે.
YP/GP/JD
(Release ID: 1890140)