કૃષિ મંત્રાલય

કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે કેન્દ્ર સરકારની નીતિગત પહેલ, કેન્દ્રીય કૃષિ મંત્રીએ કોન્ફરન્સમાં સંખ્યાબંધ જાહેરાતો કરી


કૃષિ સ્ટાર્ટઅપ્સની સફળ પહેલને આગળ વધારવા માટે રૂ. 500 કરોડનો એક્સિલરેટર પ્રોગ્રામ - શ્રી તોમર

ઇકોસિસ્ટમને માર્ગદર્શન પૂરું પાડવા માટે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સંચાલન સમિતિની રચના કરવામાં આવશે

કૃષિ સચિવની અધ્યક્ષતામાં એક કાર્યકારી સમિતિની રચના કરવામાં આવશે, કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે કૃષિ મંત્રાલય અંતર્ગત એક અલગ વિભાગ તૈયાર કરવામાં આવશે

Posted On: 18 OCT 2022 7:27PM by PIB Ahmedabad

કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે મુખ્ય નીતિગત પહેલો હાથ ધરતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે સંખ્યાબંધ મહત્વની જાહેરાતો કરી હતી. દિલ્હીના પુસામેલા ગ્રાઉન્ડ ખાતે પીએમ કિસાન સમ્માન સંમેલનના બીજા દિવસે યોજવામાં આવેલી કૃષિ સ્ટાર્ટઅપ કોન્ફરન્સમાં શ્રી તોમરે માહિતી આપી હતી કે કૃષિ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકંદરે માર્ગદર્શન પૂરું પાડવા માટે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સંચાલન સમિતિની રચના કરવામાં આવશે. કૃષિ સ્ટાર્ટઅપ્સની સફળ પહેલને આગળ વધારવા અને તેને લોકપ્રિય બનાવવા માટે રૂ. 500 કરોડનો એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FIDO.jpg

કૃષિ સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓના વિશાળ સંમેલન વચ્ચે, શ્રી તોમરે જાહેરાત કરી કે સચિવ કૃષિની અધ્યક્ષતામાં એક કાર્યકારી સમિતિની રચના કરવામાં આવશે, જેમાં DARE, DPIIT જેવી સંબંધિત એજન્સીઓ, કૃષિ ઇન્ક્યૂબેટર્સ અને નોલેજ ભાગીદારો, કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, ટોચના રોકાણકારો અને અન્ય હિતધારકો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે કૃષિ મંત્રાલય અંતર્ગત સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં એક અલગ વિભાગની રચના કરવામાં આવશે. પ્રમાણીકરણ એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટીઓ વગેરે સાથે જરૂરી તમામ જોડાણોની સુવિધા માટે કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે સિંગલ વિન્ડો એજન્સી તરીકે કામ કરવા માટે પણ એક સેલની રચના કરવામાં આવશે. શ્રી તોમરે માહિતી આપી હતી કે, કૃષિ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા ઉત્પાદનોની બજાર જરૂરિયાતોને પૂરી કરવા માટે, ઈ-નામ (e-NAM) અને નાફેડ જેવી સંસ્થાઓ સાથે માર્કેટિંગ લિંકેજ તૈયાર કરવામાં આવશે. તમામ કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે ડેટાબેઝ બનાવવા અને તેમના વિકાસ પર નજર રાખવા માટે એક પોર્ટલ પણ વિકસાવવામાં આવશે. શ્રી તોમરે વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે કૃષિ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IUPM.jpg

શ્રી તોમરે જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક રાજકીય મંચ પર મજબૂત રીતે ઉભરી આવે તેના માટે છેલ્લાં આઠ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિરંતર પ્રયાસો કર્યા છે. જો લક્ષ્યો પર નજર રાખીને આપણા દેશના ખેડૂતો, યુવાનો, સ્ટાર્ટઅપ્સ વગેરેની શક્તિને આયોજનબદ્ધ રીતે કામે લગાડવામાં આવે તો, એ દિવસો દૂર નથી જ્યારે ભારત દરેકને માર્ગદર્શન આપવા માટે વિશ્વના રાજકીય મંચ પર ઊભું રહેશે. જ્યારે પણ પ્રધાનમંત્રી શ્રી મોદી વિદેશ ગયા છે, ત્યારે તેમણે નિર્ધારિત બેઠકો ઉપરાંત NRI સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા છે. આપણને આપણા ભાઇઓ અને બહેનો પર ગૌરવ છે જેમની પાસે વિશ્વનું પાલનપોષણ કરવાની ક્ષમતા છે. શ્રી મોદીએ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે અને સ્થાનિક લોકો માટે વોકલ ફોર લોકલ માટે આહ્વાન કર્યું છે; આવી સ્થિતિમાં, જેઓ એક સમયે તેમના શર્ટના ખિસ્સામાં બ્રાન્ડેડ વિદેશી પેન લગાવતા હતા, તેઓ આજે સ્વ-સહાય સમૂહો દ્વારા બનાવવામાં આવેલી વાંસના લાકડાની પેન લઇને ગૌરવ અનુભવે છે. અગાઉ, વિદેશમાં જઇને નોકરી મેળવવાની હોડ જામતી હતી, પરંતુ આજે આપણા અનેક યુવાન સાથીદારો વિદેશમાં આકર્ષક નોકરીઓ છોડીને ભારતમાં જ એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં અથવા આજીવિકા શોધવામાં ગૌરવ અનુભવી રહ્યા છે. આ પરિવર્તનો સારા સંકેત છે. આઠ વર્ષ પહેલાં માત્ર 80થી 100 કૃષિ સ્ટાર્ટઅપ હતા, જ્યારે શ્રી મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી તેમણે હાથ ધરેલા અથાક પ્રયાસોના પરિણામે આજે કૃષિ સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2,000 થી વધુ થઇ ગઇ છે, જેમાંથી સેંકડોને કૃષિ મંત્રાલયની યોજના હેઠળ તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક આ આંકડો વધારીને 10,000 સુધી લઇ જવાનો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PFHH.jpg

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ટેકનોલોજીનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર ઇચ્છે છે કે આપણા સ્ટાર્ટઅપ હાલના પડકારોનો ઉકેલ લાવીને દેશ અને દુનિયા માટે ઉપયોગી બને. આ દિશામાં, કૃષિ મંત્રાલય દ્વારા કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE) અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) સહિતની અન્ય સંસ્થાઓ સાથે મળીને અત્યંત પ્રતિબદ્ધતા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. શ્રી તોમરે જણાવ્યું હતું કે, ટેકનોલોજીને લોકપ્રિય બનાવવી જરૂરી છે, તો જ તેનો વાસ્તવિક લાભ લોકોને પ્રાપ્ત થશે, સાથે સાથે ટેકનોલોજી સામાન્ય માણસને પરવડે તેવી પણ હોવી જોઇએ. સ્ટાર્ટઅપ્સે તેમનું ધ્યાન અને ક્ષેત્ર નક્કી કરીને કામ કરવું જોઇએ, જેથી ખેડૂતો તેમના ઉત્પાદનનો સંપૂર્ણ લાભ મેળવી શકે. દેશ અને દુનિયાની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને, જેમાં ખાસ કરીને જળવાયુ પરિવર્તનના પડકારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષા માટે પણ કામ કરવું જોઇએ. સ્ટાર્ટઅપ્સે દૃષ્ટિ અને નિશ્ચય સાથે આવિષ્કાર કરવા જોઇએ. પ્રધાનમંત્રીએ કરેલા આહ્વાનને અનુસરીને આપણે આપણી આઝાદીના શતાબ્દી વર્ષ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સફળ થવાનું છે. શ્રી તોમરે જણાવ્યું હતું કે, ભારત સરકાર આ લક્ષ્યની દિશામાં આગળ વધવા માટે સ્ટાર્ટ અપ્સ સાથે ખભાથી ખભો મિલાવીને ઉભી છે અને તેમની સાથે કદમતાલ મિલાવીને આગળ વધી રહી છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી અને સુશ્રી શોભા કરંડલાજે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ સચિવ શ્રી મનોજ આહુજા અને ICAR ના મહાનિદેશક ડૉ. હિમાંશુ પાઠકે પણ કોન્ક્લેવમાં સંબોધન આપ્યું હતું. શરૂઆતમાં, દેશભરમાંથી આવેલા સેંકડો સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓએ તેમના મુખ્ય સૂચનો મંત્રીઓ સમક્ષ રજૂ કર્યા હતા. તે અગાઉ, કેન્દ્રીય મંત્રી શ્રી તોમરે બંને રાજ્ય મંત્રીઓ સાથે મળીને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સ્ટાર્ટઅપ્સ વિશે પૂછપરછ કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048M9K.jpg

 

YP/GP/JD

(Release ID: 1869016) Visitor Counter : 213


Read this release in: English , Urdu