વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

WIPOના વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 40મા ક્રમે પહોંચ્યું; 7 વર્ષમાં 41 સ્થાનની વિરાટ છલાંગ લગાવી


ભારત આજે GII ઇન્ડેક્સમાં આપણા રેન્કિંગને ટોચના 25માં લઇ જવાની આકાંક્ષા રાખે છે: શ્રી પીયૂષ ગોયલ


સરકાર અને ઉદ્યોગો દ્વારા હાથથી હાથ મિલાવીને કરવામાં આવેલા પ્રગતિશીલ પગલાંને લીધે GII એ વર્ષોથી ભારતના નિરંતર વિકાસને માન્યતા આપી છે: શ્રી પીયૂષ ગોયલ

‘નોલેજ ઇકોનોમી’નું મહત્વ ઘણું વધી રહ્યું હોવાથી, ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતમાં વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે: શ્રી પીયૂષ ગોયલ


ઇન્ક્યુબેશન, હેન્ડહોલ્ડિંગ, ફંડિંગ, ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારી અને માર્ગદર્શિતાએ સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાને ઉત્તેજન આપ્યું છે: શ્રી પીયૂષ ગોયલ


ભારત ઝડપી ગતિએ જ્ઞાન અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે; છેલ્લા 5 વર્ષમાં પેટન્ટની સ્થાનિક ફાઇલિંગમાં 46% વૃદ્ધિ નોંધાઇ છે: શ્રી પીયૂષ ગોયલ

Posted On: 29 SEP 2022 9:29PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ (GII)માં 2015માં ભારત 81મા ક્રમે હતું ત્યાંથી પ્રગતિ કરીને આજે 2022માં 40મા સ્થાને આવી ગયું છે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘છેલ્લી વખત જ્યારે રેન્કિંગ કરવામાં આવ્યું ત્યારે આપણે 46મા ક્રમે હતા. આપણે વર્ષોથી ICT સેવાઓની નિકાસમાં પણ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે’. શ્રી ગોયલ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા વૈશ્વિક આવિષ્કાર ઇન્ડેક્સ, 2022ના લોન્ચિંગને અંકિત કરવા માટે વર્ચ્યુઅલ માધ્યમથી સંદેશો આપ્યો ત્યારે આ વાત કરી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, GII એ સમગ્ર દુનિયાની સરકારો માટે નીતિઓ અને તેની અસર પર પ્રતિબિંબિત કરવા માટેના એક સાધન તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “સરકાર અને ઉદ્યોગો દ્વારા હાથથી હાથ મિલાવીને લેવામાં આવેલા પ્રગતિશીલ પગલાંને કારણે GIIએ વર્ષોથી ભારતના નિરંતર વિકાસને માન્યતા આપી છે”. તેમણે 1.3 બિલિયન ભારતીયો વતી WIPO નો આભાર પણ વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે, ભારત આજે GII ઇન્ડેક્સમાં ટોચના 25માં અમારું રેન્કિંગ મેળવાની આકાંક્ષા રાખે છે.

શ્રી ગોયલે આગળ કહ્યું હતું કે, અર્થતંત્ર અને સમાજ માટે ઇનોવેશન એક ઉત્પ્રેરક બળ છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઇનોવેશનનો મતલબ ભલે નવીનતા થતો હોય તો પણ, ભારતમાં અમારા માટે પરંપરામાં તેના મૂળિયા છે. વેદ અને પરંપરાગત દવા સહિત પ્રાચીન વૈજ્ઞાનિક જ્ઞાન એ ભારતની ઇનોવેટીવ ભાવનાનો પૂરાવો છે.”

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતે WHO સાથે મળીને પરંપરાગત દવાઓ માટે પોતાની રીતે સૌ પ્રથમ એવા વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરી છે, જે ભારતના પ્રાચીન વૈજ્ઞાનિક શ્રેષ્ઠ કૌશલ્યને રજૂ કરે છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, અત્યારે ‘નોલેજ ઇકોનોમી’નું મહત્વ ઘણું વધી રહ્યું હોવાથી, ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતમાં વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇનોવેશનને આપણા રાષ્ટ્રનું મિશન બનાવવાનું સ્પષ્ટ આહ્વાન કરીને તેને વિસ્તૃત કરવાનું કહ્યું હોવાથી અમે તમામ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”

મંત્રીશ્રીએ સંબોધન દરમિયાન ટાંક્યું હતું કે, આપણા યુવાનોની ચપળતા, ઉત્સાહ અને ઉર્જા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને તાકાત પૂરી પાડે છે. તેમણે એ બાબતનું અવલોકન કર્યું હતું કે, ભારત આજે 3જી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ છે અને 100 કરતાં વધારે યુનિકોર્નનું ઘર છે. તેમણે કહ્યું હતું કે, “સ્ટાર્ટ અપ ક્રાંતિ સમગ્ર ભારતમાં પ્રસરી ગઇ છે. અડધાથી વધુ સ્ટાર્ટ-અપ્સ તો દૂરના નાના શહેરોના છે.”

શ્રી ગોયલે અભિપ્રાય આપ્યો હતો કે, ઇન્ક્યુબેશન, હેન્ડહોલ્ડિંગ, ફંડિંગ, ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારી અને માર્ગદર્શકતાએ સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકતા ભાવનાને ઉત્તેજન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતે 2015માં ‘ડિજિટલ ઇન્ડિયા’ની સફરનો પ્રારંભ કર્યો હતો અને આગામી કેટલાક વર્ષોમાં ટ્રિલિયન ડૉલરની ડિજિટલ અર્થવ્યવસ્થાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “સરકારી પહેલો અને જાહેર સેવાઓના ડિજિટાઇઝેશન પર અમારું સતત ધ્યાન રહ્યું છે.”

મંત્રીશ્રીએ GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને મૂડી અસ્કયામતોના મેપિંગથી માંડીને UPI મારફતે ચુકવણીમાં ક્રાંતિ લાવવા સુધીના સંખ્યાબંધ એવા ક્ષેત્રોને રેખાંકિત કર્યા હતા જેમાં ડિજિટલ ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાસ્તવમાં, ગયા વર્ષે સમગ્ર દુનિયામાં વાસ્તવિક સમયમાં થયેલા કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 40% વ્યવહારો માત્ર ભારતમાં થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “ઇનોવેશનને  હજુ પણ વધુ મજબૂત કરવા માટે, અમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજૂ કરી છે, જે ઇન્ક્યુબેશન અને ટેકનોલોજી વિકાસ કેન્દ્રો સ્થાપીને પૂછપરછની ભાવનાને પ્રોત્સાહન આપે છે. 9000 કરતાં વધુ અટલ ટિંકરિંગ લેબ્સની મદદથી, અમે યુવાનોને સમાજની સમસ્યાઓના ઉકેલો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”

શ્રી ગોયલે એ બાબતે પણ ભાર મૂક્યો હતો કે, ભારતે તેની IPR શાસનપ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે માળખાકીય સુધારાઓ હાથ ધર્યા છે જેમાં IP ઓફિસનું આધુનિકીકરણ, કાયદાકીય અનુપાલનમાં ઘટાડો અને સ્ટાર્ટ-અપ્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, નાના ઉદ્યોગો અને અન્યો માટે IP ફાઇલિંગની સુવિધાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા 5 વર્ષમાં પેટન્ટની સ્થાનિક ફાઇલિંગમાં 46% વૃદ્ધિ નોંધાઇ છે. આપણે હવે જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ.”



(Release ID: 1863556) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi