કૃષિ મંત્રાલય
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુજરાતના જૂનાગઢ ખાતે નાળિયેર વિકાસ બોર્ડના 6મા રાજ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું
ભારતમાં નારિયેળની ખેતી, પ્રોસેસિંગ, બજાર અને નિકાસમાં વૃદ્ધિ - શ્રી તોમર
જૂનાગઢમાં વિશ્વ નાળિયેર દિવસની ઉજવણીનો પ્રારંભ, નેશનલ એવોર્ડ અને એક્સપોર્ટ એક્સેલન્સ એવોર્ડની જાહેરાત
Posted On:
02 SEP 2022 5:05PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે આજે જૂનાગઢ (ગુજરાત) ખાતે નાળિયેર વિકાસ બોર્ડના 6ઠ્ઠા રાજ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી તોમરે 24મા વિશ્વ નાળિયેર દિવસની ઉજવણીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી તોમરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતમાં નારિયેળની ખેતી સાથે પ્રોસેસિંગ અને માર્કેટ પણ વધી રહ્યું છે અને આપણો દેશ નિકાસની બાબતમાં પણ અગ્રેસર સ્થાને આવી ગયો છે. બોર્ડ દ્વારા નાળિયેરની ખેતી કરતા ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને તેમની આવકમાં વધારો થવાની સાથે તેઓ દેશના અર્થતંત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય કોકોનટ કોમ્યુનિટી (ICC) ના સ્થાપના દિવસની યાદમાં દર વર્ષે 2 સપ્ટેમ્બરે વિશ્વ નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ નાળિયેર દિવસની મુખ્ય થીમ છે - સુખી ભવિષ્ય અને જીવન માટે નારિયેળની ખેતી કરો. આ પ્રસંગે શ્રી તોમરે નાળિયેર વિકાસ બોર્ડના રાષ્ટ્રીય પુરસ્કાર અને નિકાસ ઉત્કૃષ્ટતા પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને વર્ચ્યુઅલ મોડમાં વિશ્વ નાળિયેર દિવસના સંદર્ભમાં કોચી (કેરળ)માં એકત્ર થયેલા ખેડૂતોને પણ સંબોધિત કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી શ્રી તોમરે જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી નારિયેળનો ઉપયોગ પૂજા અને તેલ બનાવવા માટે કરવામાં આવે છે અને હવે પ્રોસેસર્સ દ્વારા વિવિધ પ્રકારના ઉત્પાદનો બનાવવામાં આવે છે. દેશમાં તેમનું બજાર વધી રહ્યું છે અને આપણો દેશ પણ વિશ્વમાં નિકાસની દ્રષ્ટિએ અગ્રણી સ્થાને આવી ગયો છે. કેન્દ્ર સરકાર નારિયેળની ખેતી અને પ્રક્રિયામાં સતત વધારો કરવા માટે રાજ્યો સાથે સતત કામ કરી રહી છે. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા યોજનાઓનો ગંભીરતાથી અમલ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે નાળિયેરની ખેતી ખૂબ જ સારી ખેતી છે. તે જેટલી વધશે તેટલી જ ખેડૂતોને તેમજ દેશને ફાયદો થશે. ગુજરાતમાં શરૂ થયેલા નવા રાજ્ય કેન્દ્રનો લાભ ખેડૂતોને મળશે, તેમની આવકમાં વધુ વધારો થશે અને નાળિયેરનું વાવેતર પણ વધશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. શ્રી તોમરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર કૃષિ ક્ષેત્રે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે તેની પ્રશંસા કરી હતી. રાજ્યમાં વરસાદ સારો થયો છે, કૃષિ વિકાસને લગતી યોજનાઓથી ખેડૂતો પણ ખુશ છે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1856336)
Visitor Counter : 224