વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

ધોલેરા-SIR વિશ્વનો સૌથી મોટો અને શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઝોન બનશેઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું, આગામી 25 વર્ષમાં ભારત વિકસિત દેશ બનીને રહેશેઃ શ્રી ગોયલ

લોજિસ્ટિક કોસ્ટ ઘટાડીને ઉત્પાદકતા વધારી આત્મનિર્ભર ભારત બનશેઃ કેન્દ્રીય મંત્રી

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નેશનલ લોજિસ્ટિક પોલીસી જાહેર કરશે

Posted On: 20 AUG 2022 5:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના નાગરિકોને જન્માષ્ટમી પર્વના સવિશેષ અભિનંદન આપતા કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તાજેતરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશભરમાં સફળ રહ્યું પ્રત્યેક દેશવાસીઓએ તિરંગો લહેરાવી એક જૂથ બની સમગ્ર વિશ્વને દેશની એકતાનો સંદેશો આપ્યો છે જેની વિશ્વએ નોંધ લીધી છે એ સૌ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વિકસિત દેશના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે અને દેશવાસીઓ સંકલ્પબદ્ધ બન્યા છે ત્યારે દુનિયાની કોઈ તાકાત ભારતને વિકસિત દેશ બનવામાં રોકી શકશે નહીં એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્રષ્ટિવંત આયોજન અને વિવિધ નીતિઓના કારણે આજે ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને વિકસિત રાજ્ય બન્યું છે એના અનુભવનો લાભ આજે દેશવાસીઓને મળી રહ્યો છે. ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે દેશભરમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતે ઉદ્યોગકારો માટે અનેકવિધ નીતિઓ અમલી બનાવી છે.

તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સેમિકન્ડક્ટર્સ પોલિસી જાહેર કરી છે એ દેશમાં કોઈ જગ્યાએ નથી. એટલું જ નહીં iT/iTES પોલિસીના માધ્યમ દ્વારા ગુજરાત આજે તેજ ગતિથી વિકાસ પામી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રી હોલીસ્ટિક અને કોમ્પ્રિહેન્સિવ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છે જેના પરિણામે વિશ્વભરમાં ભારતની નામના વધી છે અને વિશ્વના અનેક દેશો પ્રધાનમંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજનથી આકર્ષાયા છે. વિશ્વના શ્રેષ્ઠ લીડર્સના લિસ્ટમાં પ્રધાનમંત્રીશ્રી મોદીનું નામ આજે ચર્ચાઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે તેમનું નેતૃત્વ સ્વીકારાયું છે એ જ દર્શાવે છે કે ભારત આજે વિકસિત દેશની હરોળમાં આવી ગયો છે. ભારત આગામી 25 વર્ષમાં વિકાસ અને વિશ્વાસ સાથે આગળ વધશે એમાં સૌ દેશવાસીઓ સંકલ્પબદ્ધ બનશે તો ચોક્કસ આપણા દેશને વિશ્વ ગુરુ બનવાથી કોઈ રોકી શકશે નહીં એવો દૃઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા આજે ખૂબ જ તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે એ માટે તેમણે મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ધોલેરાના વિકાસ માટે અબજો રૂપિયાનું મૂડી રોકાણ આવી રહ્યું છે હાલ 22 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં દશકો સુધી વિકાસ થશે અને જેમાં સિક્સ લેન નેશનલ હાઈવે અમદાવાદથી ધોલેરા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિશ્વનું મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ બંને પ્રોજેક્ટ વર્ષ-2024માં શરૂ થશે. ધોલેરા ખાતે વિવિધ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં વીજળી, પાણી, રિસાયકલ વોટર પ્લાન્ટ અને સ્માર્ટ સિટીની કલ્પના કરાઈ છે જે આગામી સમયમાં સાકાર થતાની સાથે જ ધોલેરા-SIR વિશ્વનો સૌથી મોટો અને શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઈન્વેસ્ટમેન્ટ ઝોન બની જશે. ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એનાથી પણ વધુ તેજ ગતિથી ધોલેરાનો વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. વિકાસના નવા નવા આયામો હાંસલ કરી રહ્યું છે. ગુજરાતમાં વેપાર માટે ઈકોસિસ્ટમ, ઝડપી નીતિઓ, ઓનલાઈન મંજૂરી અને CM ડેશબોર્ડ એક યુનિક માધ્યમ છે ત્યારે, તમામ એક્ટિવિટીનું મોનિટરિંગ ઓનલાઈન થવાથી પારદર્શિતા સાથે પ્રગત્તિની ઝડપ પણ વધુ તેજ બની રહી છે.

તેમણે ઉમેર્યું કે, ધોલેરા-SIR એ વિશ્વનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે તેનો વિકાસ જોવા માટે આગામી સમયમાં વિશ્વભરના દેશો સહિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિ મંડળો આવશે એવો મને વિશ્વાસ છે.

શ્રી ગોયલે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશી વિચાર PM-ગતિ શક્તિ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન એક અદભૂત વિચાર છે જેમાં 1000 જેટલા વિવિધ જીઓ સ્પેશિયલ મેપ્સથી ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ, હાઇવે, પાવર પ્લાન્ટ્સ અને 927 મેપ્સ સાથે વિવિધ રાજ્યોનો પણ સમાવેશ થાય છે. દેશમાં પુરા આયોજન થકી BISAGમાં સ્પેશિયલ મેપિંગ દ્વારા ઇન્ટર કનેક્ટ કરવામાં આવ્યું છે જેના કારણે ભવિષ્યનું ઇન્ફ્રાસ્ટ્રકચરનું આયોજનપૂર્વક વિકસાવી શકાય. ગતિ શક્તિ માસ્ટર પ્લાનના કારણે રોડ, હાઇવે અને રેલ્વે ટ્રેકનું પૂર્વ આયોજન સાથે બાંધકામ કરી શકાશે

નિકાસ ક્ષેત્રે દેશ આગળ વધે તે માટે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વવાળી સરકાર તત્પર છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, ભારતે વર્ષ-2021માં રૂ. 50 લાખ કરોડનો નિકાસ કરી છે જે સૌથી વધુ છે અને આવનારા 7-8 વર્ષોમાં બે ટ્રિલિયન ડોલર સુધીની નિકાસ કરવાનો અમારો લક્ષ્યાંક છે જેમાં એક ટ્રિલિયન ડોલર સેવા ક્ષેત્રમાં અને બીજો ટ્રિલિયન ડોલર વેપારી માલ સામાનના નિકાસ પર કેન્દ્રિત કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ટૂંક સમયમાં નેશનલ લોજિસ્ટિક પોલિસી પણ જાહેર કરાશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની કલ્પના ગુજરાતે કરી છે. હાલમાં જ્યારે પ્રધાનમંત્રી સાથે અમે લોકોએ દેશના સાત ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. દેશભરમાંથી આવેલી દરખાસ્તો પૈકી ગુજરાતની નવસારીની દરખાસ્તને નંબર વન રેન્કિંગ આપવામાં આવ્યું જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ગુજરાત તેજ ગતિથી અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ કરવા માટે કટિબદ્ધ છે.

આ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 920 સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ફયુચરિસ્ટીક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે.

ભારત સરકારના લોજિસ્ટિક્સના વિશેષ સચિવ તેમજ NICDCના CEO અને MD શ્રી અમ્રીતલાલ મીણાએ સ્વાગત પ્રવચન આપતાં કહ્યું હતું કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સમગ્ર દેશમાં વિશ્વકક્ષાના મોડેલ ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૪ ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરવામાં આવ્યો છે જેમાં ધોલેરા, ઓરિક, વિક્રમ ઉદ્યોગપુરી અને ગ્રેટર નોઈડાનો સમાવેશ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 18 રાજ્યોમાં આવા 32 શહેરોને વિકસિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસંગે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, NICDCના મુખ્ય કારોબારી અધિકારી શ્રી હારિત શુક્લ તથા અન્ય સ્માર્ટ સિટીના વહીવટી સંચાલકો તથા રોકાણકારો ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તૃત માહિતી આપી હતી.

SD/GP/JD(Release ID: 1853322) Visitor Counter : 233


Read this release in: English