પ્રધાનમંત્રીનું કાર્યાલય

પૂનામાં દેહૂ ખાતે જગદગુરૂ શ્રી સંત તુકારામ મહારાજ શીલા મંદીરના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 14 JUN 2022 4:45PM by PIB Ahmedabad

શ્રી વિઠ્ઠલાય નમઃ નમો સદ્દગુરૂ, તુકયા જ્ઞાનદીપા, નમો સદગુરૂ , ભક્ત કલ્યાણ મૂર્તિ, નમો સદ્દગુરૂ ભાસ્કરા પૂર્ણ કીર્તિ, મસ્તક હે પાયાવરી, યા વારકરી, યા વારકરી સન્તાચ્યા, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી અજીત પવારજી, વિરોધ પક્ષના નેતા શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી ચંદ્રકાંત પાટીલજી, વારકરી સંત શ્રી મુરલીબાબા કુરેકરજી, જગદગુરૂ શ્રી સંત તુકારામ મહારાજ સંસ્થાનના ચેરમેન શ્રી નિતીન મોરેજી, આધ્યાત્મિક અઘાડીના પ્રમુખ આચાર્ય શ્રી તુષાર ભોંસલેજી તથા અહીં ઉપસ્થિત સંતગણ,

દેવીઓ અને સજજનો,

ભગવાન વિઠ્ઠલ  અને તમામ વારકરી સંતોના ચરણોમાં મારા કોટિ કોટિ વંદન. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે  મનુષ્ય જન્મમાં સૌથી  દુર્લભ સંતોનો  સત્સંગ છે.  સંતોની કૃપા પ્રાપ્ત થઈ ગઈ તો  ઈશ્વરની અનુભૂતિ આપોઆપ મળી જાય છે. આજે દેહૂની આ પવિત્ર તીર્થ ભૂમિ ઉપર મને અહીં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને હું પણ અહીં એવી જ અનૂભૂતિ કરી રહયો છું. સંત શિરોમણી તુકારામ મહારાજની જન્મભૂમિ દેહુ પણ છે, અને કર્મભૂમિ પણ છે. ધન્ય દેહૂગાંવ, પૂણ્યભૂમિ ઠાવા. તેથે નાંદ દેવ પાંડુરંગ,  ધન્ય ક્ષેત્રવાસી, લોક તે દૈબાચે, ઉચ્ચારિતિ વાચે નામઘોષ, દેહૂમાં ભગવાન પાંડુરંગનો નિત્ય નિવાસ પણ છે   અને અહીંની દરેકે દરેક વ્યક્તિ પણ સ્વયં ભક્તિમાં ઓતપ્રોત સંત સ્વરૂપ જ છે. એવા જ ભાવથી દેહૂના  તમામ નાગરિકોને, મારી માતા અને બહેનોને આદરપૂર્વક  નમન કરૂ છું. હમણાં થોડાંક દિવસ પહેલાં જ મને પાલખી માર્ગમાં બે રાષ્ટ્રીય રાજમાર્ગોને ચાર લેનમાં રૂપાંતર કરવા માટે શિલાન્યાસ કરવાની તક મળી હતી. શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનું નિર્માણ પાંચ ચરણમાં થશે અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું નિર્માણ ત્રણ ચરણમાં પૂરૂં કરવામાં આવશે. આ તમામ ચરણમાં 350 કિ.મી.થી વધુ લંબાઈના હાઈવે બનશે અને તેના માટે રૂ.11 હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રયાસોના કારણે આ વિસ્તારના વિકાસને ગતિ મળશે. સૌભાગ્યવશ આજે પવિત્ર  શિલા મંદિરના લોકાર્પણ માટે મને દેહુમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જે શિલા ઉપર સ્વયં સંત તુકારામજીએ 13 દિવસ સુધી તપસ્યા કરી હતી તે શિલા સંત તુકારામજીના બોધ અને વૈરાગ્યની સાક્ષી બની રહી છે. હું માનું છું કે તે માત્ર શિલા જ નથી, પણ ભક્તિ અને જ્ઞાનની આધારશીલા સ્વરૂપ છે. દેહુનું શિલા મંદિર કેવળ ભક્તિ જ નહીં, શક્તિનું પણ એક કેન્દ્ર છે, પરંતુ ભારતના સાંસ્કૃતિક ભવિષ્યને પણ તે પ્રશસ્ત કરે છે. આ પવિત્ર સ્થાનના પુનઃનિર્માણ માટે હું મંદિર ન્યાસ અને તમામ ભક્તોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તથા આભાર વ્યક્ત કરૂં છું. જગદ્દગુરૂ સંત તુકારામજીની ગાથાનું જેમણે સંવર્ધન કર્યું છે તેવા સંતાજી મહારાજ જગનાડેજીનું સ્થાન સદુમ્બરે પણ નજીકમાં જ છે અને હું તેમને પણ નમન કરૂં છું.

સાથીઓ,

આ સમયે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. મને ગર્વ છે કે આપણે દુનિયાની જૂનામાં જૂની જીવિત સભ્યતાઓમાંના એક છીએ અને તેનું શ્રેય જો કોઈને મળતું હોય તો તે ભારતની સંત પરંપરાને મળે છે, ભારતના ઋષિઓ અને મનિષીઓને મળે છે. ભારત શાશ્વત છે, કારણ કે ભારત સંતોની ભૂમિ છે. દરેક યુગમાં અહિંયા દેશ અને સમાજને દિશા દર્શાવવા માટે કોઈને કોઈ મહાન આત્મા અવતરિત થતા રહે છે. આજે દેશ સંત કબીરદાસની જયંતિ મનાવી રહયો છે. આ સંત જ્ઞાનેશ્વર મહારાજ, સંત નિવૃત્તિનાથ મહારાજ, સંત સોપાનદેવ અને બહેન આદિ-શક્તિ મુક્તાબાઈ જેવા સંતોની સમાધિનું 725મું વર્ષ પણ છે. આવી મહાન વિભૂતિઓએ આપણી શાશ્વતતાને સુરક્ષિત રાખીને ભારતની ગતિશીલતા જાળવી રાખી છે. સંત તુકારામજીને તો, સંત બહિણાબાઈએ સંતોના મંદિર કલશ તરીકે સંબોધ્યા હતા. તેઓ અનેક તકલીફો અને મુશ્કેલીઓભર્યું જીવ્યા હતા. પોતાના સમય દરમ્યાન તેમણે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો સામનો પણ કર્યો હતો. સંસારમાં તેમણે ભૂખ જોઈ, ભૂખમરો જોયો, ભૂખ અને પીડાના ચક્રમાં જ્યારે લોકો આશા છોડી દેતા હતા ત્યારે સંત તુકારામજી માત્ર સમાજ જ નહીં, પણ ભવિષ્ય માટે પણ આશાનું કિરણ  બનીને ઉભરી રહ્યા હતા. તેમણે પોતાના પરિવારની સંપત્તિ લોકોની સેવા માટે સમર્પિત કરી દીધી હતી. આ શિલા તેમના તે ત્યાગ અને વૈરાગ્યની સાક્ષી છે.

સાથીઓ,

સંત તુકારામજીની દયા, કરૂણા અને સેવાનો એ બોધ તેમના ‘અભંગો’ સ્વરૂપે આજે પણ આપણી પાસે છે. આ અભંગોએ આપણી પેઢીઓને પ્રેરણા પૂરી પાડી છે. જેનો ભંગ થતો નથી અને સમયની સાથે જે શાશ્વત અને પ્રાસંગિક બની રહે છે, તે જ તો અભંગ છે. આજે પણ દેશ જ્યારે પોતાના સાંસ્કૃતિક મૂલ્યોના આધારે આગળ ધપી રહ્યો છે ત્યારે સંત તુકારામજીના અભંગ આપણને ઊર્જા પૂરી પાડી રહ્યા છે, માર્ગ દેખાડી રહ્યા છે. સંત નામદેવ, સંત એકનાથ, સંત સાવતા મહારાજ, સંત નરહરી મહારાજ, સંત સેના મહારાજ, સંત ગોરોબા-કાકા, સંત ચોખામેલા તેમના પ્રાચીન અભંગો મારફતે આપણને રોજે રોજ નવી પ્રેરણા પૂરી પાડતા રહે છે. આજે અહિંયા સંત ચોખામેલા અને તેમના પરિવાર દ્વારા રચિત સાર્થ અભંગ ગાથાનું વિમોચન કરવાની પણ મને તક પ્રાપ્ત થઈ છે. આ સાર્થ અભંગ ગાથામાં આ સંત પરિવારની 500થી વધુ અભંગ રચનાઓને સરળ ભાષામાં અર્થ સહિત રજૂ કરવામાં આવી છે.

ભાઈઓ અને બહેનો,

સંત તુકારામજી કહેતા હતા કે- ઉંચ-નીચ કાહી નેણે ભગવંતનો અર્થ એ થાય છે કે સમાજમાં ઉંચ- નીચનો ભેદભાવ, માનવ- માનવ વચ્ચે ભેદભાવ ઉભો કરવો તે ખૂબ મોટું પાપ છે. તેમનો આ ઉપદેશ જેટલો ભગવદ્દ ભક્તિ માટે આવશ્યક છે, તેટલો જ રાષ્ટ્ર ભક્તિ માટે પણ મહત્વ ધરાવે છે અને સમાજ ભક્તિ માટે પણ છે. એવા સંદેશ સાથે આપણાં વારકરી ભાઈ- બહેનો દર વર્ષે પંઢરપુરની યાત્રા કરતા રહે છે અને એટલા માટે આજે દેશ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ ના મંત્ર સાથે આગળ ધપી રહ્યો છે. સરકારની દરેક યોજનાનો લાભ દરેક વ્યક્તિને કોઈપણ ભેદભાવ વગર મળી રહ્યો છે. વારકરી આંદોલનની ભાવનાઓને સશક્ત બનાવતાં બનાવતાં દેશ મહિલા સશક્તીકરણ માટે પણ નિરંતર પ્રયાસ કરતો રહે છે. પુરૂષોની સાથે એટલી જ ઊર્જાથી સાથે ચાલનારી આપણી બહેનો, પંઢરી કી વારી, અવસરોની સમાનતાનું પ્રતિક બની રહી છે.

સાથીઓ,

સંત તુકારામજી કહેતા હતા કે- જે કા રંજલે ગાંજલે, ત્યાંસી મ્હેણે જો આપુલે. તોચિ સાધુ ઓલખાવા, દેવ તેથે-ચિ-જાણાવા. આનો અર્થ એ થાય છે કે સમાજની છેલ્લી હરોળમાં બેઠેલી વ્યક્તિને અપનાવવો અને તેનું કલ્યાણ કરતાં રહેવું તે જ તો સંતોના લક્ષણ છે અને તે આજે દેશ માટે અંત્યોદયના સંકલ્પ છે અને તેને સાથે રાખીને દેશ આજે આગળ ધપી રહ્યો છે. દલિત, વંચિત, પછાત, આદિવાસી, ગરીબ, મજૂર  વગેરેનું કલ્યાણ આજે દેશની પ્રથમ અગ્રતા છે.

ભાઈઓ અને બહેનો,

સંત સ્વયં એક એવી ઊર્જા જેવા હોય છે કે જે અલગ અલગ પરિસ્થિતિઓમાં સમાજને ગતિ પૂરી પાડવા માટે આગળ આવે છે. તમે જુઓ, છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાષ્ટ્ર નાયકના જીવનમાં પણ તુકારામજી જેવા સંતોની ઘણી મહત્વની ભૂમિકા રહી છે. આઝાદીની લડાઈમાં વીર સાવરકરજીને જ્યારે સજા થઈ અને જેલમાં પણ તે હાથકડીને ચિપલીની જેમ વગાડતા વગાડતા તુકારામજીના અભંગ ગાતા રહેતા હતા. આપણને અલગ અલગ સમય ખંડમાં, અલગ અલગ વિભૂતિઓ મળી છે, પરંતુ સૌના માટે સંત તુકારામજીની વાણી અને ઊર્જા એટલી જ પ્રેરણાદાયક બની રહી છે. આ જ તો સંતોનો મહિમા છે, જેના માટે ‘નેતિ- નેતિ’ કહેવામાં આવે છે.

સાથીઓ,

તુકારામજીના આ શિલા મંદિરમાં પ્રણામ કરીને હવે અષાઢ માસમાં પંઢરપુરજીની યાત્રા પણ શરૂ થવાની છે. ભલે મહારાષ્ટ્રમાં પંઢરપુરની યાત્રા હોય કે ઓડીશામાં ભગવાન જગન્નાથજીની યાત્રા હોય. ભલે મથુરામાં વ્રજની પરિક્રમા હોય કે કાશીમાં પંચકોશી પરિક્રમા હોય! ભલે ચારધામ યાત્રા હોય કે પછી અમરનાથજીની યાત્રા હોય, આ બધી યાત્રાઓ આપણી સામાજીક અને આધ્યાત્મિક ગતિશીલતા માટે ઊર્જા સ્રોત સમાન છે. આ યાત્રાઓ મારફતે આપણાં સંતોએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને જીવંત રાખી છે.  વિવિધતાઓ વચ્ચે જીવતા જીવતાં પણ ભારત હજારો વર્ષોથી એક રાષ્ટ્ર તરીકે જાગૃત રહ્યું છે, કારણ કે આ પ્રકારની યાત્રાઓ આપણી વિવિધતાઓને જોડતી રહી છે.

ભાઈઓ અને બહેનો,

આપણી રાષ્ટ્રિય એકતાને મજબૂત કરવી તે આપણી જવાબદારી બની રહે છે. આપણે આપણી પ્રાચીન ઓળખ અને પરંપરાઓની ચેતના જાળવી રાખીએ તે માટે આજે જ્યારે આધુનિક ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ ભારતના વિકાસનો પર્યાય બની રહ્યા છે ત્યારે આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે વિકાસ અને વારસો બંને સાથે સાથે આગળ ધપે. આજે પંઢરપુરના પાલખી માર્ગનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, તો ચાર ધામ યાત્રા માટે પણ નવા ધોરી માર્ગો બની રહ્યા છે. આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પણ બની રહ્યું છે, કાશી વિશ્વનાથ ધામ પરિસર પણ પોતાના નવા સ્વરૂપે ઉપસ્થિત છે અને સોમનાથજીમાં પણ વિકાસના મોટા કામ હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં પ્રસાદ યોજના હેઠળ યાત્રા ધામો અને પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મહર્ષિ વાલ્મિકીજીએ રામાયણમાં ભગવાન રામ સાથે જોડાયેલ જે સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો, રામાયણ સરકીટ તરીકે આ સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ 8 વર્ષમાં બાબા સાહેબ આંબેડકરના 5 તીર્થોનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. ભલે મહુમાં બાબા સાહેબના જન્મ સ્થળનો વિકાસ હોય, લંડનમાં જ્યાં રહીને તે અભ્યાસ કરતા તે ઘરનું સ્મારકમાં રૂપાંતર કરવાનું હોય, મુંબઈમાં ચૈત્ય ભૂમિનું કામ હોય, નાગપુરમાં દિક્ષા ભૂમિને આંતરરાષ્ટ્રિય સ્તરે વિકસિત કરવાની વાત હોય કે દિલ્હીમાં મહાપરિનિર્વાણ સ્થળ ઉપર મેમોરિયલની સ્થાપના કરવાની હોય. આ પાંચ પંચ તીર્થ નવી પેઢીને બાબા સાહેબની સ્મૃતિઓનો સતત પરિચય કરાવી રહ્યા છે.

સાથીઓ,

સંત તુકારામજી કહેતા હતા કે – અસાધ્ય તે સાધ્ય કરીતા સાયાસ. કારણ અભ્યાસ, તુકા મ્હણે. આનો અર્થ એવો થાય છે કે જો સાચી દિશામાં બધા લોકો પ્રયાસ કરે તો અસંભવ બાબતને પણ હાંસલ કરવાનું શક્ય બની રહેતું હોય છે. આજે આઝાદીના 75મા વર્ષમાં દેશે 100 ટકા લક્ષ્યને પૂરાં કરવાનો સંકલ્પ કર્યો છે. દેશ ગરીબો માટે પણ યોજનાઓ ચલાવી રહ્યો છે. તેમને વિજળી, પાણી, મકાન અને સારવાર જેવી જીવન જીવવાની મૂળભૂત જરૂરિયાતો સાથે જોડી રહ્યો છે. આપણે આ બધુ 100 ટકા લોકો સુધી પહોંચાડવાનું છે. આવી રીતે દશમાં પર્યાવરણ, જળ સંરક્ષણ અને નદીઓને બચાવવા જેવા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. આપણે સ્વસ્થ ભારતનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પને પણ આપણે 100 ટકા પૂરો કરવાનો છે અને તેના માટે સૌના પ્રયાસની, સૌની ભાગીદારીની જરૂર છે. આપણે સૌ દેશ સેવાની આ જવાબદારીઓને પોતાના આધ્યાત્મિક સંકલ્પનો હિસ્સો બનાવીશું તો દેશને એટલો જ લાભ થશે. આપણે પ્લાસ્ટિક મુક્તિ માટેનો સંકલ્પ લઈશું. આપણી આસપાસના સરોવરો, તળાવો વગેરેને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરીશું તો પર્યાવરણની સુરક્ષા થશે. અમૃત મહોત્સવમાં દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો છે. આ અમૃત સરોવરોને આપ સૌ સંતોના આશીર્વાદ મળી રહે અને તેના નિર્માણમાં તમારા સૌનો સહયોગ મળી રહે તો આ કાર્યની ગતિ અનેકગણી વધી જશે. દેશ હાલમાં પ્રાકૃતિક ખેતીને એક ઝૂંબેશ તરીકે આગળ ધપાવી રહ્યો છે. આ પ્રયાસ વારકરી સંતોના આદર્શો સાથે જોડાયેલો છે. આપણે કેવી રીતે પ્રાકૃતિક ખેતીને દરેક ખેતર સુધી લઈ જઈ શકીએ તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું રહેશે. આગામી થોડા દિવસો પછી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવી રહ્યો છે. આજે જે યોગ દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે તે આપણાં જ સંતોની દેન છે. મને વિશ્વાસ છે કે આપ સૌ યોગ દિવસને સંપૂર્ણ ઉત્સાહ સાથે મનાવશો અને દેશ માટેના આ કર્તવ્યોનું પાવન કરતાં રહીને નૂતન ભારતના સપનાં પૂરા કરતાં રહીશું. આવી ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને મને જે અવસર પ્રાપ્ત થયું, જે સન્માન પ્રાપ્ત થયું તે માટે આપ સૌને માથુ નમાવીને અભિનંદન પાઠવું છું, ધન્યવાદ આપું છું.

જય જય રામકૃષ્ણ હરિ. જય જય રામકૃષ્ણ હરિ. હર હર મહાદેવ.

SD/GP/JD



(Release ID: 1834062) Visitor Counter : 212