નાણા મંત્રાલય

મુખ્ય આર્થિક સલાહકારે MSMEsની સ્પર્ધાત્મકતા વધારવા છ આધારસ્તંભો રજૂ કર્યા


CPSEની વપરાશ ન થતી અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા GeM એક ફોરવર્ડ ઓક્શન પ્લેટફોર્મ વિકસાવે છે

નાણાકીય વર્ષ 2021-22માં CPSEsએ કુલ વાર્ષિક સરકારી ખરીદીમાંથી 35 ટકાથી વધારે ખરીદી MSEs પાસેથી કરી

Posted On: 11 JUN 2022 6:32PM by PIB Ahmedabad

ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 09 જૂનથી 12 જૂન સુધી જાહેર/સરકારી સાહસોના વિભાગ (DPE) દ્વારા રાષ્ટ્રનિર્માણ અને CPSEs પર એક પ્રદર્શન યોજાયું હતું. અત્યાર સુધી 2800થી વધારે મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના ઉદ્યોગસાહસો (CPSEs)ની સફરનાં પ્રદર્શનને જોયું હતું. આ પ્રદર્શનમાં CPSEsના રાષ્ટ્રનિર્માણના પ્રદાન વિશે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. ઉત્સાહી લોકોએ રાજસ્થાનમાં કલબેલિયા, ગુજરાતમાંથી રાસ ગરબા, હરિયાણામાંથી બુમરસિયા જેવા સાંસ્કૃતિક લોકનૃત્યો તથા રાજસ્થાનમાંથી ગાયકોએ લાંગા લોકગીતોની મજા માણી હતી. ઉપરાંત રેડિયો જૉકી દ્વારા મનોરંજક કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા અને રાષ્ટ્રનિર્માણમાં CPSEsના પ્રદાન વિશે પ્રશ્રો પૂછ્યાં હતાં.

આ કાર્યક્રમના ભાગરૂપે CPSEs દ્વારા ખરીદી પર બે કાર્યશાળાઓનું આયોજન પણ થયું હતું. પ્રથમ કાર્યશાળા મહાત્મા મંદિરમાં ઔદ્યોગિક સંસ્થા ફિક્કી સાથે જોડાણમાં DPE દ્વારા યોજાઈ હતી. આ કાર્યશાળાની થીમ હતી – સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગસાહસો (MSE) સાથે વેન્ડર ઇન્ટરફેસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સરકારી ખરીદી. આ રસપ્રદ અને સંવાદયુક્ત કાર્યશાળાનો ઉદ્દેશ MSEs પાસેથી સરકારી ખરીદીને પ્રોત્સાહન અને સંવર્ધન આપવાનો હતો.

રાષ્ટ્રનિર્માણમાં MSMEsના મહત્વ વિશે મુખ્ય આર્થિક સલાહકાર ડો. વી અનંત નાગેશ્વરને કહ્યું હતું કે, “MSMEsની સ્પર્ધાત્મકતા વધારવા માટે છ આધારસ્તંભો છે – સંકલિત ક્લસ્ટર માળખાગત વિકાસને પ્રોત્સાહન, ધિરાણની સુલભતા, કૌશલ્ય વિકાસ, ઉત્પાદનમાં વિવિધતા, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ, ટેકનોલોજીની સુલભતા તથા ડિજિટલ માધ્યમો.

તેમણે ઉપસ્થિત ગણમાન્ય લોકો અને દર્શકોને MSE સપ્લાયર્સને સમયસર ચુકવણીના સંબંધમાં શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવવા અને તેના પ્રત્યે કટિબદ્ધ રહેવા પણ પ્રોત્સાહન આપ્યું હતું, જેથી MSE સપ્લાયર્સની કામગીરી વધે અને વધારે ગુણવત્તાયુક્ત થાય.

આ પ્રસંગે ભારત સરકારના નાણાં મંત્રાલયના જાહેર સાહસ વિભાગના વિશેષ સચિવ શ્રી રાજેશ કુમાર ચૌધરીએ પણ સ્થિર નાણાકીય પ્રવાહિતતાને મુખ્ય ચિંતાજનક પરિબળ ગણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત ગણમાન્ય લોકોને TReDs પોર્ટલ પર ચીજવસ્તુઓ અને સેવાઓની સ્વીકાર્યતાને વધારવાની રીતના મુદ્દા પર ચર્ચાવિચારણા કરવા જણાવ્યું હતું, જેથી MSEs તેનો ઉપયોગ ધિરાણ કે ડિસ્કાઉન્ટિંગના ઉદ્દેશ માટે કરી શકશે. તેમણે કહ્યું હતું કે, “CPSEsએ 15 દિવસની અંદર સીધી પ્લેટફોર્મ પર સ્વીકાર્યતા આપવી જોઈએ, જેથી MSEs એના પર ડિસ્કાઉન્ટ મેળવવા સક્ષમ બને છે.

ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના કો-ચેરપર્સન શ્રી સુનિલ પારેખે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં CPSEs દ્વારા આશરે રૂ. 50,000 કરોડના મૂલ્યની ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી MSEs પાસેથી થઈ હતી. તેમણે કહ્યું હતું કે, આ 126 CPSEs દ્વારા થયેલી કુલ વાર્ષિક ખરીદીથી 35 ટકા વધારે છે અને એનાથી અત્યારે લગભગ 2.08 લાખ MSEsને લાભ થઈ રહ્યો છે.

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિક મંત્રાલયના અધિક વિકાસ કમિશનર (પોલિસી એન્ડ પીપીપી) ડો. ઇશિતા ગાંગુલી ત્રિપાઠીએ CPSEs પાસેથી ખરીદીમાં મોટા પાયે વધારાની નોંધ લીધી હતી અને સાથે સાથે મહિલાઓની માલિકીના અને અનુસૂચિત જાતિ (એસસી)-અનુસૂચિત જનજાતિ (એસટી) માલિકીના MSEs પાસેથી ખરીદી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઇન્ટરનેટ-આધારિત કેન્દ્રીકૃત સરકારી ફરિયાદ નિવારણ અને નિરીક્ષણ પોર્ટલ - ચેમ્પિયન્સ પોર્ટલ વિશે પણ વાત કરી હતી.

 

કાર્યશાળામાં સમગ્ર દેશમાંથી ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં મુંબઈ, કોલકાતા, કોચી, ચેન્નાઈ અને ગૌહાટી ખાતે જીવંત પ્રસારણના સત્રોમાં કેટલાંક ઉદ્યોગસાહસિકો સામેલ થયા હતા. ઉપરાંત એનઆઇસીના અધિકારીઓએ એકત્ર થયેલા લોકો માટે સંબંધ અને સમાધાન પોર્ટલને પ્રદર્શિત કરી હતી.

દિવસ દરમિયાન બીજી કાર્યશાળા "GeM સાથે વેન્ડર ઇન્ટરફેસ પર વિશેષ ધ્યાન સાથે CPSEs દ્વારા ખરીદી" પર પણ યોજાયો હતો. આ કાર્યશાળા દરમિયાન કેટલાંક સરકારી અધિકારીઓએ GeM પોર્ટલ અને એની નવી પહેલો વિશે જાણકારી આપી હતી. પ્લેટફોર્મ પર કાર્યરત કેટલાંક ઉદ્યોગસાહસિકો દ્વારા તેમની સફળતાની સફર રજૂ કરવામાં આવી હતી અને તેમની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

વિશેષ સચિવ શ્રી રાજેશ કુમાર ચૌધરીએ GeM પોર્ટલની નવી પહેલોની જાણકારી આપી હતી અને પોર્ટલનો ઉપયોગ કરીને સફળતા પ્રાપ્ત કરનાર MSEsનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "વર્ષ 2017-18માં જ્યારે અમે GeM પાસેથી CPSEs માટે ખરીદી કરવાની શરૂઆત કરી હતી, ત્યારે આ વેપાર ફક્ત રૂ. 216 કરોડનો હતો. અત્યારે આ વેપાર રૂ. 45,000 કરોડને આંબી ગયો છે."

શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું કે, CPSEsની માલિકીની અને ઉપયોગ ન થતી હોય એવી અસ્કયામતોનું મુદ્રીકરણ કરવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો છે. તેમણે કહ્યું હતું કે, "GeM આ પ્રકારની મુદ્રીકરણ પ્રક્રિયા માટે ફોરવર્ડ ઓક્શન પ્લેટફોર્મ (હરાજી માટેનો મંચ) વિકસાવી રહી છે."

ગવર્મેન્ટ ઇમાર્કેટપ્લેસના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી (એડિશનલ સીઇઓ) શ્રી પ્રકાશ મિરાણીએ કહ્યું હતું કે, GeM પોર્ટલ માટે CPSEsની ભાગીદારી આવશ્યક અને મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે. "આ પોર્ટલ પર 84 ટકા વ્યવહારો ટોચની 50 CPSEs દ્વારા થાય છે." તેમણે સેવાઓની ખરીદીમાં પોર્ટલનો ઉપયોગ કરવા CPSEsને પ્રોત્સાહન આપ્યું હતું.

ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના કો-ચેરપર્સન શ્રી સુનિલ પારેખે કહ્યું હતું કે, GeM પોર્ટલનો ઉદ્દેશ સરકારી ખરીદીમાં પારદર્શકતા, કાર્યદક્ષતા અને ઝડપ વધારવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, "અત્યારે GeM પોર્ટલ પર લગભગ 6 મિલિયન ઉત્પાદનો અને 1.4 લાખ સેવાઓ ઓફર ઉપલબ્ધ છે."

AKAM મેગા શૉ આવતીકાલે સંપન્ન થશે. છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, રેડિયો જૉકીઓ દ્વારા મનોરંજક કાર્યક્રમો પ્રસ્તુત થશે અને મુલાકાતીઓ માટે વિવિધ પ્રકારની ક્વિઝનું આયોજન થશે. આવતીકાલ સુધી ફ્રી શટલ સર્વિસ પણ ચાલુ રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1833185) Visitor Counter : 197


Read this release in: English