રસાયણ અને ખાતર મંત્રાલય

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના ભાવનગર ખાતે CIPETના વ્યાવસાયિક તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું


ભાવનગરનું CIPET ભવિષ્યમાં યુવાનો માટે ખૂબ જ વિપુલ પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન કરશે: ડૉ. મનસુખ માંડવિયા

આ સ્વ ટકાઉક્ષમ સંસ્થા અને ઉદ્યોગ- શિક્ષણ સહયોગનું શ્રેષ્ઠ મોડલ છે: ડૉ. મનસુખ માંડવિયા

Posted On: 31 MAY 2022 7:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતમાં ભાવનગર ખાતે આવેલા CIPET ના વ્યાવસાયિક તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશમાં CIPET દ્વારા શરૂ કરવામાં આવેલું આ 45મું વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર છે જે ગુણવત્તાપૂર્ણ તાલીમ અને રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ માટે સક્ષમ કાર્યદળ તૈયાર કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પોતાના સંબોધનના આરંભમાં ડૉ. મનસુખ માંડવિયાએ કૌશલ્યપૂર્ણ કાર્યદળ તૈયાર કરવામાં CIPETની ક્ષમતાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરમાં CIPET ભાવનગરનાં વિકાસના ચક્રમાં મહત્વની ધરી બનવાની પ્રબળ સંભાવના ધરાવે છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ પેટ્રોકેમિકલ ઉદ્યોગ હોવાથી, આવા કેન્દ્રો આ ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી કૌશલ્યપૂર્ણ માનવબળનું સર્જન કરશે અને આપણા યુવાનો માટે રોજગારીનું સર્જન કરશે. CIPET રસાયણ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં કૌશલ્યપૂર્ણ માનવબળની આ જરૂરિયાતને પૂરી કરશે.  

કૌશલ્યપૂર્ણ માનવબળના સર્જન અને આત્મનિર્ભરતાની આપણા પ્રધાનમંત્રીની દૂરંદેશીનો પુનરોચ્ચાર કરતા ડૉ. માંડવિયાએ કહ્યું હતું કે, દેશમાં 10%ના દરે ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે અને જો આપણે ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ ઉપરાંત આપણા કાર્યદળમાં રોકાણ કરીશું તો જ આ દર ટકી શકશે. CIPET આ વ્યવહારુ સમસ્યાને ઉકેલે છે અને સ્વ ટકાઉક્ષમ સંસ્થા અને ઉદ્યોગ- શિક્ષણ સહયોગનું મોડલ પૂરું પાડીને ઉદ્યોગની જરૂરિયાતોને સંતોષે છે. CIPET તાલીમ આપવા ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે નોકરીઓનું સર્જન કરવાનું સામર્થ્ય પણ ધરાવે છે, દર વર્ષે પાસ થતા 1 લાખ વિદ્યાર્થીઓમાંથી 90% વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં નોકરી મળે છે.

CIPET ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ કાર્યરત ઉચ્ચ અને ટેકનિકલ અભ્યાસ માટેની અગ્રણી શિક્ષણ સંસ્થા છે જે પ્લાસ્ટિકના તમામ ક્ષેત્રો જેમ કે, ડિઝાઇન, CAD/CAM/CAE, ટૂલિંગ અને મોલ્ડ વિનિર્માણ, ઉત્પાદન એન્જિનિયરિંગ, પરીક્ષણ અને ગુણવત્તા માટે સંપૂર્ણપણે સમર્પિત સંસ્થા છે. સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ ફેલાયેલી CIPETની શાખાઓ દ્વારા તેનું સંચાલન થાય છે અને પોલીમર તેમજ સંલગ્ન ઉદ્યોગોની જરૂરિયાતોને પૂરી કરવાનું કામ કરે છે.

તેનો મૂળ ઉદ્દેશ પ્લાસ્ટિક સહિત પેટ્રોકેમિકલ્સના ક્ષેત્રમાં શૈક્ષણિક લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમો દ્વારા વિવિધ કૌશલ્ય સ્તરે લાયકાત ધરાવતા વ્યાવસાયિકો પૂરા પાડવાનો છે. CIPET પ્લાસ્ટિક ઉદ્યોગો સહિત પેટ્રોકેમિકલ ઉદ્યોગોને ડિઝાઇન, ટૂલિંગ, CAD/CAM/CAE, પ્લાસ્ટિક પ્રોસેસિંગ, પરીક્ષણ અને ગુણવત્તાની ખાતરી, નિરીક્ષણ સેવાઓ અને માપાંકનના ક્ષેત્રોમાં ટેકનોલોજી સહકાર અને સલાહ- માર્ગદર્શન સેવાઓ પૂરી પાડે છે.

CIPET દ્વારા પ્લાસ્ટિક, સિન્થેટિક (કૃત્રિમ) રબર, ટેકનિકલ ટેક્સટાઇલ્સ, સોલવન્ટ્સ, ખાતરો, ફાર્માસ્યુટિકલ્સ, એડિટિવ્સ (ઉમેરકો), વિસ્ફોટકો, એડહેસિવ્સ અને કોટિંગ્સ સહિત પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં સંશોધન અને એપ્લિકેશન વિકાસનું કામ પણ કરવામાં આવે છે. આ સંસ્થા અદ્યતન તાલીમ કાર્યક્રમો દ્વારા ફેકલ્ટીઓને તેમની લાયકાત અને ટેકનિકલ કૌશલ્યને અપગ્રેડ કરવાની તક પૂરી પાડીને ફેકલ્ટીઓની વ્યાવસાયિક યોગ્યતા વધારવા માટે પણ કામ કરે છે.

આ કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ સચિવ ડૉ. આરતી આહુજા, CIPETના મહાનિદેશક પ્રો. શિશિર સિંહા તેમજ CIPET અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



(Release ID: 1829906) Visitor Counter : 235


Read this release in: English , Urdu , Hindi