ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોતાના લોકસભા વિસ્તાર ગાંધીનગરમાં 448 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો


અમદાવાદના બોપલમાં સિવિક સેન્ટર, નવનિર્મિત વાંચનાલયના ઉદઘાટનની સાથે જ ઔડાની 374 કરોડ, અમદાવાદ મહાનગરપાલિકા અને પશ્ચિમ રેલવેની 29 કરોડની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ

અમદાવાદના વેજલપુરમાં કૉમ્યુનિટી હૉલ અને પાર્ટી પ્લૉટનું લોકાર્પણ

અમદાવાદના સાણંદ, બાવલા અને દસક્રોઇમાં લગભગ 43 કરોડના કુલ 1220 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા વિકાસ યજ્ઞનો આજે એક મહત્ત્વપૂર્ણ દિવસ

શ્રી નરેન્દ્ર મોદીના 14 વર્ષોના શાસનમાં ગુજરાતને અનેક એવી વ્યવસ્થાઓ મળી જે આજે આપમેળે ચાલી રહી છે

કોઇએ બોલવું નથી પડતું, કોઇ આંદોલન નહીં, કોઇ માગ નહીં અને 100 કરોડ રૂપિયાની યોજનાનું આયોજન, બીજ કોઇએ વાવ્યા અને વડનું વૃક્ષ કેવી રીતે બને એનું આ શાનદાર ઉદાહરણ

માનવજાત પર જે કોરોનાનું વૈશ્વિક સંકટ આવ્યું છે એનો સામનો આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મજબૂતાઇથી કરી રહ્યા છીએ
દેશમાં પ્રતિ મિલિયન (10 લાખ) રસીકરણમાં ગુજરાત સૌથી આગળ

નાગરિકોને વહેલામાં વહેલી તકે રસી મૂકાવવાનો અનુરોધ, સંપૂર્ણ સુરક્ષા કવચ ત્યારે જ બનશે જ્યારે તમામ નાગરિકો બેઉ ડૉઝ લઈને પોતાની જાતને સુરક્ષિત બનાવે

કોઇ અફવા કે ડરના કારણે જો કોઇ રસી ન મૂકાવે તો એને સમજાવવાની જવાબદારી આપણી

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં કોરોના સામેની લડાઇ માટે 23000 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ વધારવાની મંજૂરી, એનાથી સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં બૅડ્સ, કૉલ સેન્ટર્સ અને અનેક ઇન્ફ્રાસ્ટ્રકચર્સ તૈયાર કરવાનું આયોજન

શ્રી નરેન્દ્ર મોદીજીએ સંવેદનશીલતાની સાથે ગરીબોને દિવાળી સુધી વિના મૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય લીધો, આપણી સોસાયટી, ગામો જિલ્લાઓમાં જે લોકો પાસે લાલ કાર્ડ છે, એમના સુધી અનાજ પહોંચાડવાનું સુનિશ્ચિત થાય

મોદીજીએ દેશભરમાં હજારોની સંખ્યામાં ઑક્સિજન પ્લાન્ટ્સ સ્થાપિત કરવાના પ્રયાસ શરૂ કર્યા છે, ગુજરાત પણ એમાં પાછળ નથી

હું ગૃહ મંત્રી અને સહકાર મંત્રી પણ છું પણ મને હંમેશા યાદ રહેશે કે હું સૌથી પહેલા સાંસદ છું, સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની જવાબદારી સાંસદની છે

ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિત લોકસભા ક્ષેત્ર બનાવવાનો અનુરોધ, 15 લાખ વૃક્ષો વાવવાના છે એમાં સાણંદ તાલુકો ક્યાંય પાછળ ન રહી જવો જોઇએ

23 જુલાઇથી ટોકિયોમાં ઑલિમ્પિક સ્પર્ધાઓ શરૂ થશે, આપણા માટે ગર્વની વાત છે કે એમાં અમદાવાદની ત્રણ દીકરીઓ સહિત ગુજરાતની છ દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે, દરેક શાળામાં આ દીકરીઓની તસવીર લગાવવી જોઇએ જેથી અન્ય વિદ્યાર્થીઓ પ્રેરિત થાય

Posted On: 11 JUL 2021 8:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે પોતાના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરમાં 448 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી અમિત શાહે અમદાવાદના બોપલમાં 4 કરોડના ખર્ચે બનેલા સિવિક સેન્ટર અને 7 કરોડના ખર્ચે નવનિર્મિત વાંચનાલયની સાથે જ વેજલપુરમાં કૉમ્યુનિટી હૉલ અને પાર્ટી પ્લૉટનું ઉદઘાટન કર્યું હતું. સાથે જ તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), અમદાવાદ મહાનગરપાલિકા અને પશ્ચિમ રેલવેની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું. જેમાં 17 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ રેલવે સ્ટેશનનું નવીનીકરણ, ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 4.05 કરોડ રૂપિયાના વિકાસ કામ અને આમલી રોડ સ્ટેશન પર રૂ. 2.35 કરોડના, ખોડિયાર સ્ટેશને રૂ. 1.72 કરોડ અને કલોલ સ્ટેશન પર રૂ. 3.75 કરોડની યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. ગૃહ મંત્રીએ ઔડાની બે જળ વિતરણ યોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. જેમાં પહેલી 98 કરોડ રૂપિયાની ઘુમા ટી.પી. યોજના, જેનો લાભ વિસ્તારના આશરે 35 હજાર લોકોને મળશે અને બીજી 267 કરોડ રૂપિયાની તેલવ હેડવર્ક્સ જળ પુરવઠા પરિયોજના, જેનાથી સરદાર પટેલ રિંગ રોડની આસપાસના લગભગ 45 ગામો લાભાન્વિત થશે. એની સાથે જ, ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સાણંદ, બાવલા અને દસક્રોઇમાં લગભગ 43 કરોડ રૂપિયાના કુલ 1220 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો. 


પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું કે તેમને અપાર  હર્ષ થાય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા વિકાસ યજ્ઞનો આજે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. તેમણે કહ્યું કે આજે બહુ આનંદનો અવસર છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ઔડાના માધ્યમથી કુલ 267 કરોડ રૂપિયાના વિકાસ કામો થવા જઈ રહ્યા છે. ઔડાના માધ્યમથી ઘુમા ટીપી યોજનામાં લગભગ 100 કરોડ રૂપિયાના ખર્ચે 35000થી વધારે નાગરિકોને ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની સુવિધા આજથી શરૂ થઈ રહી છે. ઘણી દૂરંદેશી સાથે એનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી આવનારા 30 વર્ષો સુધી વસ્તીમાં જે કોઇ વધારો થાય એમને પાણીની કોઇ સમસ્યા ન થાય. 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે દેશ-દુનિયાની જે વિકાસ ગાથાઓ છે, જે પ્રેરણા પુરુષ છે, એનું તેમણે ઘણું અધ્યયન કર્યું છે. બે પ્રકારના નેતા હોય છે- એક જે થઈ રહ્યું છે એ ચાલવા દે અને બીજા પોતાના સમયમાં જે સૌથી સારું થઈ શકે એ માટે અથાક પ્રયત્નશીલ હોય. ત્રીજા નેતા શ્રી નરેન્દ્રભાઇ એવા હોય છે જે પોતાના ગયા બાદ પણ સારું કામ થતું રહે એવી વ્યવસ્થાનું નિર્માણ કરે છે. શ્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતને એનો બહુ મોટો લાભ મળ્યો છે. શ્રી નરેન્દ્ર મોદીના 14 વર્ષોના શાસનમાં ગુજરાતને અનેક એવી વ્યવસ્થાઓ મળી છે જે આજે આપમેળે ચાલી રહી છે. કોઇએ બોલવું પડતું નથી, કોઇ આંદોલન નહીં, કોઇ માગણી નહીં અને 100 કરોડ રૂપિયાની યોજનાનું આયોજન થઈ ગયું. બીજ કોઇએ વાવ્યા અને એ વડનું વૃક્ષ કેવી રીતે બને એનું આ શાનદાર ઉદાહરણ છે. તેમણે કહ્યું કે બોપલમાં મધ્યમ વર્ગના યુવાઓને 10મા, 12મા ધોરણની, ઓપન એક્ઝામ્સ આપવી હોય તો ક્યાં જઈને વાંચવું એની સુવિધા ન હતી, વીજળી અને એકાંત પણ મળતા ન હતા. આજે જે સિવિક સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એમાં તમામ પ્રકારની સુવિધા એમને ઉપલબ્ધ કરવાઇ છે. 

શ્રી અમિત શાહે કહ્યું કે પશ્ચિમ રેલવેના માધ્યમથી 29 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ, નવીનીકરણના કામો કરાયાં છે. 17 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. શ્રી અમિત શાહે કહ્યું કે આંબલી, ખોડિયાર, ચાંદલોડિયા અને કલોલ જેવા રેલવે સ્ટેશનો પર પાયાની સુવિધાઓ ન હતી, ત્યાંના માટે તેમણે પશ્ચિમ રેલવેની સાથે અનેક પત્રવ્યવહાર કર્યા અને પશ્ચિમ રેલવેએ પણ તમામ નાની નાની સુવિધાઓ ધ્યાનમાં રાખીને ઘણી સંવેદનશીલતાની સાથે તમામ કાર્યો કર્યા. 
ગૃહ મંત્રીએ કહ્યું કે ગાંધીનગર લોકસભા, ગ્રામીણ અને શહેરી બેઉ ક્ષેત્રોથી બનેલો વિસ્તાર છે. તેઓ એ સુનિશ્ચિત કરશે કે લોકોએ એમના પર અને દેશના નેતા શ્રી નરેન્દ્ર મોદીજી પર જે વિશ્વાસ મૂક્યો છે, વર્ષ 2024 અગાઉ દેશના તમામ લોકસભા ક્ષેત્રોમાં આપણો વિસ્તાર વિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં અગ્રસ્થાને રહે. દરેક વ્યક્તિને ઘરમાં પીવાનું પાણી, રસોઇ ગેસ અને શૌચાલય પહોંચે એના માટે ભારત સરકારે ઘણી યોજનાઓ લાગુ કરી છે. દેશના પ્રધાનમંત્રીએ અનેક યોજનાઓના માધ્યમથી દેશવાસીઓના સુખની ચિંતા કરી છે. ગુજરાતમાં પણ શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇએ ઘણી યોજનાઓ અમલી કરી છે. શ્રી શાહે કહ્યું હતું કે સ્વાસ્થ્ય યોજના પ્રધાનમંત્રીજીએ બનાવી છે, અહીં પણ મા યોજના કાર્યરત છે. એનું સુવ્યવસ્થિત સંચાલન થાય, એની જવાબદારી તમારા સાંસદ હોવાના લીધે મારી છે, મારા કાર્યાલયની છે અને મારા સાથી ધારાસભ્યો અને કૉર્પોરેટરોની છે. તેમણે કહ્યું હતું કે આપ સૌને એટલો વિશ્વાસ અપાવવા માગું છું કે આ જવાબદારી નિભાવવામાં આપના દ્વારા ચૂંટાયેલો કોઇ પણ નેતા-સાંસદ કે ધારાસભ્ય પાછળ હટશે નહીં અને એને સૌથી વિક્સિત લોકસભા ક્ષેત્ર બનાવવાની દિશામાં આપણે આગળ વધીશું. 

શ્રી અમિત શાહે કહ્યું હતું કે માનવજાત પર જે કોરોનાનું વૈશ્વિક સંકટ આવ્યું છે એનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આપણે મજબૂતીથી સામનો કરી રહ્યા છીએ. પહેલી લહેર, બીજી લહેર અને હવે સુરક્ષા કવચ બનાવવાની શરૂઆત. દેશમાં પ્રતિ મિલિયન (દસ લાખ) રસીકરણમાં ગુજરાત સૌથી આગળ છે. તેમણે કહ્યું કે તેઓ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપે છે કેમ કે જિલ્લામાં 45 વર્ષથી વધુની વયના નાગરિકોમાં 86% લોકોને રસી મૂકાઇ ગઈ છે અને 18થી 44 વર્ષના નાગરિકોમાં પણ 32% લોકોને રસી મૂકાઇ ગઈ છે. શ્રી શાહે ગાંધીનગર મતવિસ્તાર, અમદાવાદ અને ગુજરાતના તમામ નાગરિકોને વહેલામાં વહેલી તકે રસી મૂકાવી દેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સંપૂર્ણ સુરક્ષા કવચ ત્યારે જ બનશે જ્યારે તમામ નાગરિકો બેઉ ડૉઝ લઈને પોતાની જાતને સુરક્ષિત બનાવશે. ત્યારે જ આપણે કોરોનાની સામે જંગ જીતવામાં સફળ થઈ શક્શું. ગૃહ મંત્રીએ કહ્યું કે કોરોનાનો મુકાબલો કરવા માટે સુરક્ષા ચક્ર આપણી જાગૃતતા જ બનાવી શકશે. રસીકરણ આપણી તત્પરતા પર આધારિત છે. કોઇ અફવા કે ડરના કારણે જો કોઇ રસી ન મૂકાવે તો એને સમજાવવાની જવાબદારી આપણી જ છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં કોરોનાની સામે જંગ માટે રૂ. 23000 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ વધારવા માટે મંજૂરી આપી છે. એનાથી સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં બૅડ્સ, કૉલ સેન્ટર્સ અને અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ તૈયાર કરવાનું આયોજન છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ સંવેદનશીલતાની સાથે ગરીબોને દિવાળી સુધી મફત અનાજ વિતરણનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આપણી સોસાયટી, ગામો, જિલ્લાઓમાં જે જે લોકો પાસે લાલ કાર્ડ છે એમના સુધી અનાજ પહોંચાડવાનું સુનિશ્ચિત બને. શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે એક કૉલ સેન્ટર શરૂ કરાયું છે જેનાથી વિના મૂલ્યે અપાતા અનાજ વિશે જાગૃતિ ફેલાવવા માટે ફોન કરાઇ રહ્યા છે. સાથે જ રસી મૂકાવવામાં કોઇને સમસ્યા હોય તો એના માટે પણ ટૉલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. 


શ્રી અમિત શાહે કહ્યું કે બીજી લહેરમાં ઑક્સિજનની તંગી જોવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં હજારોની સંખ્યામાં ઑક્સિજન પ્લાન્ટ્સ સ્થાપિત કરવાના પ્રયાસ શરૂ કર્યા છે અને ગુજરાત પણ એમાં પાછળ નથી. ગુજરાત સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ અને ભારત સરકાર સૌ સાથે મળીને કાર્યરત છે. લગભગ 400000 થી વધારે ઑક્સિજનવાળા બૅડ્સ સ્થાપિત થઈ શકે એટલી ક્ષમતાવાળા ઑક્સિજન પ્લાન્ટ્સ લગાવવાનું આયોજન શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. શ્રી શાહે કહ્યું કે તેમનું માનવું છે કે આ બધું આપણને કોરોના સામે જંગમાં ઘણું મદદરૂપ થશે. 


અમદાવાદના સાણંદમાં લગભગ 43 કરોડ રૂપિયાના કુલ 1220 વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા ગૃહ મંત્રીએ કહ્યું કે નરેન્દ્રભાઇએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો એટલે હું ગૃહ મંત્રી અને સહકાર મંત્રી પણ છું, પરંતુ મને હંમેશા યાદ રહેશે કે હું સૌથી પહેલાં સાંસદ છું અને સાણંદનો સાંસદ છું. એટલે આ ક્ષેત્રના વિકાસ મારી પ્રાથમિક જવાબદારી છે. સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની જવાબદારી સાંસદની છે. શ્રી અમિત શાહે કહ્યું કે એમનો પક્ષ જ્યારે સત્તામાં આવ્યો ત્યારથી જનતાએ ધારાસભ્ય પાસે નહીં, ધારાસભ્યએ જનતા પાસે જવાની પરંપરા શરૂ થઈ છે. આ પરિવર્તનની કાર્યસંસ્કૃતિના કારણે છે. તેમણે કહ્યું કે આ પરિવર્તનને આપણે આગળ વધારવાનું છે જેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને પહોંચે. 

શ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિત લોકસભા ક્ષેત્ર બનાવવાનો અનુરોધ કરતા કહ્યું હતું કે લગભગ 15 લાખ વૃક્ષો લગાવવાના છે, એમાં સાણંદ તાલુકો ક્યાંય પાછળ રહી જવો ન જોઇએ. તેમણે કહ્યું કે જીઆઇડીસીના સહયોગથી એના સમગ્ર ક્ષેત્રની સીમાઓ પર જો આપણે લાંબા આયુષ્યવાળા વૃક્ષો લગાવીએ તો બહુ સારું હશે. જીઆઇડીસી અધિકારીઓ વૃક્ષોને પાણી મળતું રહે એની વ્યવસ્થા કરે. 
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 23 જુલાઇથી જાપાનની રાજધાની ટોકિયોમાં ઑલિમ્પિક સ્પર્ધાઓ શરૂ થઈ રહી છે, આપણા માટે એ ગર્વની વાત છે કે એમાં અમદાવાદની ત્રણ દીકરી સહિત ગુજરાતની છ દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું કે જ્યારે રાજ્યમાં ખેલો ગુજરાત અભિયાનની શરૂઆત થઈ ત્યારે લોકો કહેતા હતા કે કબડ્ડી, ખો ખો રમવાથી શું ગોલ્ડ મેડલ આવશે પણ આજે ગુજરાતની છ દીકરીઓ ઑલિમ્પિકમાં રમવા જઈ રહી છે અને મને વિશ્વાસ છે કે તે ગોલ્ડ મૅડલ લઈને આવશે. શ્રી અમિત શાહે કહ્યું કે આ આપણા સૌના માટે ગૈરવની વાત છે. દરેક શાળામાં આ દીકરીઓની તસવીર લગાવવી જોઇએ જેનાથી અન્ય બાળકો પણ પ્રેરિત થાય. 

SD/GP/JD

 



(Release ID: 1734687) Visitor Counter : 235


Read this release in: English , Urdu , Marathi , Tamil