આયુષ
પ્રધાનમંત્રીએ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ના ઉપક્રમે વિવિધ પહેલોની જાહેરાત કરી
આઇડીવાય સાથે સંબંધિત વિવિધ કાર્યક્રમો 1 લાખથી વધારે ગામડાઓ સુધી પહોંચ્યા
Posted On:
21 JUN 2021 6:40PM by PIB Ahmedabad
દુનિયાભરમાં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની ઉજવણી એકતા અને ઉત્સાહ સાથે થઈ હતી. અત્યારે દુનિયાભરમાં કોવિડ સાથે સંબંધિત નિયંત્રણો લાગુ છે એટલે કોવિડ નિયંત્રણો લાગુ હોય ત્યાં મર્યાદિત સંખ્યા સાથે અને ઘરે લોકોએ આઇડીવાય સાથે સંબંધિત ઉજવણી કરી હતી. આજે આઇડીવાય સાથે સંબંધિત વિવિધ કાર્યક્રમો એક લાખથી વધારે ગામડાઓમાં પણ પહોંચ્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે આપણા જીવનમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય જાળવવાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને જ્યારે દુનિયા કોવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દુનિયાભરમાં મહામારી દરમિયાન યોગ આશાનું કિરણ બની ગયું છે. છેલ્લાં બે વર્ષમાં આઇડીવાય માટે કોઈ મોટા કાર્યક્રમનું આયોજન ન થવા છતાં દુનિયાના યોગ માટેના ઉત્સાહ અને જુસ્સામાં ઘટાડો થયો નથી. ઉપરાંત તેમણે યોગની ભૂમિકા પર પ્રકાશ ફેંક્યો હતો. સાથે સાથે તેમણે આગામી વર્ષોમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય, ખાસ કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એમ બંનેના સંપૂર્ણ દ્રષ્ટિકોણની સ્વીકાર્યતામાં યોગની ભૂમિકા વિશે જાણકારી આપી હતી, જે ચાલુ વર્ષની થીમમાં વણી લેવામાં આવી છે (#YogaforWellness).
પ્રધાનમંત્રીએ વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે જોડાણમાં આયુષ મંત્રાલય અંતર્ગત કાર્યરત મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ દ્વારા વિકસાવવામાં આવેલી “એમયોગ” એપ્લિકેશન પણ લોંચ કરી હતી. આ એપ્લિકેશન તમામ લોકો ઉપયોગ કરી શકશે એવી યોગની સામાન્ય આચારસંહિતા પર આધારિત ટ્રેનિંગ અને પ્રેક્ટિસના ઓડિયો અને વીડિયો ધરાવશે – જેનો ઉદ્દેશ એક વિશ્વ, એક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે.
આજના કાર્યક્રમનું અન્ય એક નોંધપાત્ર પાસું એ હતું કે, ભારત આરોગ્ય ફાઉન્ડેશન અને સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા એક લાખથી વધારે ગામમાં આઇડીવાયની ઉજવણી થઈ હતી. આરોગ્ય ફાઉન્ડેશને મે મહિનાથી આઇડીવાય માટે બેચમાં કે તબક્કાવાર રીતે એના સ્વયંસેવકોને તાલીમ આપી હતી અને આજે તેમણે સમગ્ર દેશમાં એકલ વિદ્યાલયના બહોળા નેટવર્કની મદદ સાથે સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી હતી. આઇડીવાય કાર્યક્રમનું આયોજન એકલ અભિયાન દ્વારા આરોગ્ય ફાઉન્ડેશ દ્વારા થયું હતું અને આ રીતે કાર્યક્રમ ઉત્તરપ્રદેશમાં 18,000થી વધારે ગામમાં પહોંચ્યો હતો તેમજ મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ અને ઝારખંડમાં 8,000થી વધારે ગામમાં પહોંચ્યો હતો. આજે પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, બિહાર અને અસમ જેવા રાજ્યોમાં પણ 4,000થી વધારે ગામમાં આઇડીવાય સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું.
કોવિડ-19 મહામારી અને એના પગલે વિવિધ સામૂહિક પ્રવૃત્તિઓ પર લાગુ નિયંત્રણોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય) 2021ના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રધાનમંત્રીના સંબોધન સાથે થયું હતું – આયુષ મંત્રાલયે આ દિવસની ડિજિટલ ઉજવણી કરવા એના હિતધારકો સાથે સંકલનના સંગઠિત પ્રયાસો કર્યા છે. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી કિરણ રિજિજુનું સંબોધન અને મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ દ્વારા જીવંત યોગ પ્રદર્શન પણ સામેલ હતું.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી કિરણ રિજિજુએ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પર દરેકને શુભેચ્છા આપી હતી અને વર્ષ 2014માં એની ઉજવણીની શરૂઆત થયા પછી યોગથી દુનિયાભરના લોકોને થયેલા લાભ વિશે જાણકારી આપી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, યોગાને ભારતની એક વિદ્યા તરીકે જોવામાં આવતું નથી, પણ એને દુનિયાને ભારતની ભેટ તરીકે જોવામાં આવે છે, જેનો સ્વીકાર દરેક દેશ અને સમાજે એની રીતે કર્યો છે.
આ સંબોધન પછી મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગના નિષ્ણાતો દ્વારા યોગની સામાન્ય આચારસંહિતાનું જીવંત પ્રદર્શન થયું હતું. દૂરદર્શનની તમામ ચેનલોએ આ કાર્યક્રમનું ટેલીવિઝન પર જીવંત પ્રસારણ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવિધ દેશોમાં આઇડીવાયની ઉજવણી થઈ છે અને જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ કેટલાંક દેશોમાં એની ઉજવણી થશે. દુનિયાભરમાં વિવિધ ભારતીય દૂતાવાસ કાર્યાલયમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની હાજરીમાં આઇડીવાયની ઉજવણી કરવામં આવી છે અને એની ઝલક વહેંચવામાં આવે છે. કેટલાંક દેશોમાં જમૈકા, જાપાન, ગ્વાતેમાલા, નેપાળ, કમ્બોડિયા અને વિયેતનામ સામેલ છે.
ઘણા દેશોમાં આઇડીવાય સાથે પ્રવૃત્તિઓ 21 જૂન અગાઉ શરૂ થઈ છે અને 24 જૂન સુધી ચાલુ રહેશે. ન્યૂયોર્ક શહેરમાં ટાઇમ્સ સ્ક્વેયર ખાતે આઇડીવાયની ઉજવણી થઈ હતી અને એ જ દિવસે વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂતના કાર્યાલયમાં પણ આઇડીવાયની ઉજવણી થઈ હતી. એ જ રીતે ટોક્યો, રિયાધ, તેલઅવિવ, અબુ ધાબી અને દુબઈમાં ભારતીય રાજદૂતના સંકુલોમાં કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે આશરે 190 દેશોમાં આઇડીવાય સાથે સંબંધિત કાર્યક્રમોનું આયોજન થવાની અપેક્ષા છે.
દૂરદર્શન પર જીવંત કાર્યક્રમ દરમિયાન ઘણા યોગ ગુરુઓ અને એના હિમાયતીઓએ ઉપયોગી જાણકારીઓ આપી હતી. એમાં શ્રી એચ આર નાગેન્દ્ર, શ્રી શ્રી રવિશંકર, સદગુરુ જગ્ગી વાસુદેવ, સ્વામી ચિદાનંદ સરસ્વતી, ડો. પ્રણવ પંડયા, મા હંસાજી, ડો. ડી વી હેગડે, સિસ્ટર શિવાની, સ્વામી ભારતી ભૂષણ, ડો. ઓ પી તિવારી, શ્રી કમલેશ પટેલ વગેરે સામેલ હતા.
SD/GP/JD
(Release ID: 1729211)
Visitor Counter : 278